ફરાળી સેવપુરી

આઠમનો ઉપવાસ, ગરબાની રમઝટ અને સેવપુરીનો ફરાળ! નવાઈ લાગે છે ને, કઈ રીતે બનશે આ ફરાળી સેવપુરી? તો વાંચી લો નીચે આપેલી રીત!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • દાડમના દાણા 2 ટે.સ્પૂન
  • શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન
  • કાકડી 1 (optional)
  • કોથમીર ધોઈને ઝીણી સમારેલી 1 કપ

ગળી ચટણીઃ

  • ખજૂર 1 કપ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • સાકર ટે.સ્પૂન
  • 1 લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન

લીલી ચટણીઃ

  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શીંગદાણા 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ

ફરાળી પુરીઃ

  • રાજગરાનો લોટ 1½  કપ
  • સામાનો લોટ ½ કપ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • તેલ મોણ માટે 1 ટે.સ્પૂન
  • તળવા માટે તેલ
  • ઘી 1 ટી.સ્પૂન

ફરાળી સેવઃ

  • રાજગરાનો લોટ 1 કપ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • તેલ મોણ માટે 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
  • તળવા માટે તેલ

રીતઃ

ફરાળી પુરીઃ રાજગરાનો લોટ, સામાનો લોટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ તેમજ 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. તેની ઉપર 1 ટી.સ્પૂન ઘી ચોપડીને 10 મિનિટ માટે લોટ ઢાંકીને મૂકી રાખો.

10 મિનિટ બાદ લોટમાંથી લૂવા લઈને પુરીઓ વણી લેવી. દરેક પુરી વણાઈ જાય એટલે એક કાંટા ચમચી વડે પુરી પર કાણાં પાડવા. જેથી પુરી તળતી વખતે ફુલે નહીં. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ગેસની આંચ તેજ રાખીને પુરીઓ તળી લેવી.

ફરાળી સેવઃ રાજગરાનો લોટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, તેલ 1 ટે.સ્પૂન, કાળા મરી પાવડર तेमતેમજ જરૂર મુજબ પાણી મેળવીને કઠણ લોટ બાંધી લો. આ લોટને સેવની પ્લેટ મૂકી સંચામાં નાખીને સંચા વડે ગરમ તેલમાં સેવ પાડી લો. આ સેવ ગોલ્ડન રંગની તળી લો. સેવને એક પ્લેટમાં કાઢી લઈ તેના નાના નાના ટુકડા કરી લેવા.

ગળી ચટણીઃ ખજૂરના ઠળિયા કાઢી લઈ તેને હૂંફાળા ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને બાફી લો. ઠંડું થયા બાદ ખજૂરને મિક્સીમાં નાખી પીસી લો અને એક ચાળણી વડે ગાળી લો. ત્યારબાદ તેમાં સાકર, કાળાં મરી પાવડર, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને ફરી એકવાર મિક્સીમાં નાખીને બારીક ચટણી પીસી લો.

લીલી ચટણીઃ કોથમીર ધોઈને સમારેલી, શીંગદાણા, લીલા મરચાંના ટુકડા, આદુના બારીક ટુકડા તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને મિક્સીમાં  પીસી લો. પાણી જરૂર મુજબ થોડુંક ઉમેરવું.

બાફેલા બટેટા તેમજ કાકડીને અલગ અલગ ઝીણા ચોરસ સમારી લેવા.

પુરી તેમજ સેવ તૈયાર થઈ ગયા બાદ સેવપુરી પીરસતી વખતે એક પ્લેટ લેવી. પ્લેટમાં પુરી ગોઠવો. તેની ઉપર બાફેલા બટેટાના ટુકડા ગોઠવો. ત્યારબાદ ઉપર થોડી થોડી ગળી ચટણી તેમજ લીલી ચટણી રેડો. ચટણીની ઉપર કાકડીના ટુકડા  (optional), શીંગદાણા તેમજ દાડમના દાણા સજાવીને ઉપર સેવ ભભરાવો અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી સેવપુરી ગાર્નિશ કરો. તૈયાર છે ફરાળી સેવપુરી!