ફરાળી ગોટા

કોઈપણ પ્રકારની મહેનત કે ઝંઝટ વગર ઝટપટ બની જાય છે આ ફરાળી ગોટા!

સામગ્રીઃ સાબુદાણા ½ કપ, કાચા બટેટા 2-3, શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન, આદુ ખમણેલું 2 ટી.સ્પૂન, લીલા મરચાં 2-3, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, સફેદ તલ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, લીંબુનો રસ 2 ટી.સ્પૂન, તેલ તળવા માટે, સ્વાદ મુજબ સિંધવ મીઠું

રીતઃ સાબુદાણાને મિક્સીમાં ઝીણા રવા જેવા કરકરા દળીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ બટેટાને પણ મિક્સીમાં પાણી નાખ્યા વિના બારીક પીસી લો અને સાબુદાણામાં મેળવી દો. હવે તેમાં સમારેલી કોથમીર, મરચાં, ખમણેલું આદુ, કાળા મરી પાઉડર, સફેદ તલ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, શેકેલા જીરાનો પાઉડર અને લીંબુનો રસ મેળવીને આ મિશ્રણ 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો .

10 મિનિટ બાદ મિશ્રણ થોડું ઘટ્ટ થયું હશે. ત્યારે કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની મધ્યમ આંચે મિશ્રણમાંથી ગોટા તેલમાં સોનેરી રંગના તળી લો.

આ ફરાળી ગોટા ફરાળી લીલી ચટણી સાથે પીરસો.