કોકોનટ પુડિંગ

કોકોનટ પુડિંગ બહુ જ ઓછી સામગ્રી વડે સહેલાઈથી બની જાય છે. જે ખાવામાં પણ કેક કે મીઠાઈ જેવું સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • નાળિયેર 1 (સુધારેલું નાળિયેર 2 કપ)
  • હુંફાળૂં ગરમ પાણી 1½ કપ
  • કોર્નફ્લોર અથવા આરાલોટ 5 ટે.સ્પૂન
  • સાકર 5 ટે.સ્પૂન

રીતઃ નાળિયેરના કટકા છાલ વિનાના કાઢીને નાના ટુકડામાં સમારી લેવા. આ નાળિયેરના ટુકડાને મિક્સીમાં બારીક પીસી લેવા. હવે તેમાં હુંફાળૂં ગરમ પાણી નાખીને ફરીથી મિક્સી ફેરવી લો. ત્યારબાદ આ મિશ્રણને સ્ટીલની સૂપ ગાળવા માટેની ચાળણીમાંથી ગાળી લો. આ રીતે નાળિયેરનું દૂધ તૈયાર થશે, જે 500 મિ.લિ. જેટલું હશે.

દૂધને રૂમ તાપમાનમાં ઠંડું કરીને તેમાં સાકર તેમજ કોર્નફ્લોર ચમચા વડે સરખું મિક્સ કરી લો. તેમાં ગઠ્ઠા ના બનવા જોઈએ. આ દૂધને ગેસની મધ્યમ ધીમી આંચે ગરમ કરવા મૂકો. સાથે સાથે ચમચા વડે દૂધને હલાવતા રહો, જેથી તેમાં ગઠ્ઠા ના રહે. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે કે. અંદર ફેરવેલા ચમચાને ઉંધો કરતાં તેની ઉપર લેયરની જેમ ચોંટેલું હોય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

કોકોનટ પુડીંગ રૂમ તાપમાને ઠંડું થાય એટલે એક કેક ટીનમાં અથવા સ્ટીલના કોઈ ડબ્બામાં ઘી ચોપડીને તેમાં રેડી દો. આ ટીનને રેફ્રીજરેટરમાં 3-4 કલાક માટે અથવા આખી રાત માટે ઠંડું થવા દો. ત્યારબાદ ટીનને બહાર કાઢીને એક થાળીમાં ઉંધું કરીને પુડીંગ કાઢી લો. આ પુડીંગ ઉપર પિસ્તા અથવા ગુલાબની પાંખડી કે તમને ગમે તે સજાવટ કરીને ખાવા માટે પીરસો.