નવા વર્ષની શુભેચ્છાઓ સાથે નવી રેસિપી પણ બનાવી લઈએ. ગાજરના માલપૂઆ! જે કોઈપણ કડાકૂટ વિના ઝટપટ બની જાય છે!
સામગ્રીઃ
- લાલ ગાજર 400 ગ્રામ
- બારીક રવો ½ કપ
- મેંદો ½ કપ
- મિલ્ક પાવડર 5 ટે.સ્પૂન (મિલ્ક પાવડર ના હોય તો માવો ખમણીને લેવો)
- એલચી પાવડર ½ ટી.સ્પૂન
- કેવડા એસેન્સના 3-4 ટીપાં (optional)
- લાલ ગાજરના રંગનો ફુડ કલર 4-5 ટીપાં (optional)
- બેકીંગ પાવડર ½ ટી.સ્પૂન
- તળવા માટે તેલ
- બદામ-પિસ્તાની કાતરી
ચાસણી માટેઃ
- ખાંડ 1½ કપ
- એલચી 2-3 નંગ
- કેસર 8-10 તાંતણા (optional)
રીતઃ શિયાળામાં લાલ ગાજર સહેલાઈથી મળી રહે છે. ગાજરને છોલીને ધોઈને નાના ટુકડામાં સમારી લો. ત્યારબાદ તેને મિક્સીમાં નાખીને ½ કપ જેટલું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. આ મિશ્રણમાં રવો (બારીક ના મળે તો રવાને મિક્સીમાં પીસી લેવો), મેંદો, મિલ્ક પાવડર, એલચી પાવડર મેળવી લો. મિશ્રણને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.
ત્યાં સુધીમાં ચાસણી બનાવી લો. 1½ કપ ખાંડમાં 2 કપ પાણી ઉમેરીને તેમાં એલચીને છોલીને ફોતરાં સહિત નાખી દો. કેસરના તાંતણા પણ ઉમેરી દો. સાકર ઓગળીને ઘટ્ટ મધ જેવી ચાસણી થવી જોઈએ. દસેક મિનિટ ઉકળે એટલે તપાસીને ઉતારી લો.
હવે ગાજરનું મિશ્રણ લો. આ મિશ્રણ રવાને લીધે ઘટ્ટ થઈ ગયું હશે. તેથી તેમાં ½ કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરીને મિક્સ કરતા જાવ. ઢોકળાના ખીરા જેવું મિશ્રણ થવું જોઈએ. તેમાં ફુડ કલર ઉમેરી દો. ત્યારબાદ બેકીંગ પાવડર મેળવી દો.
એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. તેલ બહુ ગરમ ના જોઈએ. મધ્યમ ગરમ હોવું જોઈએ. એક કળછી વડે માલપૂઆનું ખીરું તેલમાં હળવેથી રેડો. બહુ ફેલાવવાની જરુર નથી. તે આપમેળે ફેલાશે. પેનમાં આવે એટલા નાના માલપૂઆ તળવા.
માલપૂઆ તળીને બહાર કાઢો એટલે તરત જ ચાસણીમાં નાખવા. 5-10 મિનિટ બાદ બહાર કાઢીને તેની પર બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દેવી.