કોરોના બાદના વિશ્વમાં કયા બિઝનેસની કઈ હશે સ્થિતિ?

કોરોના બાદ એક નવા સ્વરૂપે જગત આકાર પામશે એવી માન્યતા વધી રહી છે. પરિવર્તન નિશ્ચિત છે. આપણે પણ પરિવર્તન માટે સજજ થવું જોઈશે, પરંપરાગત વિચારધારા તેમ જ માનસિકતાને પકડીને ટકી શકાશે નહીં. કેટલાંક બિઝનેસ સેક્ટર સામે અસ્તિત્ત્વનો સવાલ ઊભો થશે તો કેટલાંક બિઝનેસ સામે તકોના દરવાજા ખૂલશે. લાઈફસ્ટાઈલ, જોબ માર્કેટથી લઈને કોર્પોરેટ વર્કસ્ટાઈલ બદલાશે. નવી સાહસિકતાને અને ઈનોવેશનને નવા અવસર મળશે. આ સેક્ટર કયા હશે તેના કારણો-સંભાવના પર એક નજર.


સામાન્ય માનવીથી લઈ વેપાર-ઉધોગ સાથે સંકળાયેલા પ્રત્યેક જણે આ સંભાવનાને સમજવી જોઈશે અને તેના આધારે પોતાના ભાવિ પ્લાનને આકાર આપવો જોઈશે. જગત એક અસાધારણ પરિવર્તનના તબક્કામાંથી  પસાર થઈ રહ્યું છે. હવેપછી માનવજગત પોતાની વરસો જુની પરંપરા, માન્યતા, જડતા, વિચારધારાને પકડીને ચાલી શકશે નહીં. માણસોએ  નોકરીને બદલે ફરજિયાત સાહસિક (એન્ટરપ્રેન્યોર) બનવું પડશે. લોકોએ નવા વિચારોને અપનાવવા પડશે. હવે પછી ‘સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ’ને બદલે ‘સર્વાઈવલ ઓફ ક્વિકેસ્ટ’ ચાલશે. ઝડપથી નિર્ણય લેવા પડશે. ઝડપથી નવી બાબતો અપનાવવી પડશે.  ઉચ્ચ શિક્ષણ, હાઈ ડિગ્રી, મલ્ટીનેશનલ કંપનીઓના હાઈ પેકેજ, મોટા પદ, વગેરેના સમીકરણો બદલાઈ જશે.

કયા સેક્ટર સૌથી વધુ વિપરિત અસર પામશે

કોવિદ-19ની આ ઘટનાથી કયા ક્ષેત્રને અસર થઈ છે અને હજી પણ વિપરિત અસર થશે એ જોઈએ. જેમાં સૌપ્રથમ તો  જોબ માર્કેટમાં અસાધારણ પરિવર્તન આવશે. આમ પણ લાંબા સમયથી આ સમસ્યા ઊભી જ હતી, કિંતુ હવે તો આ માર્કેટ સમગ્રતયા બદલાઈ જશે. નોકરિયાત વર્ગે નવા પડકાર માટે તૈયાર થવું પડશે.

રિટેલ સેક્ટરમાં પણ અનેક પડકાર આવશે. જયાં ઘરાકીમાં ધરખમ પરિવર્તન જોવાશે. લોકો અગાઉની જેમ આડેધડ કોઈ ચીજ-વસ્તુ ખરીદવાને બદલે  જેના વિના ચાલે એમ ન હોય એવી જ ચીજ-વસ્તુ લેશે. નાણાંની બચતનો ટ્રેન્ડ વધશે. ટ્રાવેલ ઉધોગ લગભગ બંધ અથવા નામ પુરતો રહેશે. કોણ ટ્રાવેલ કરશે આ સમયમાં અને આગામી છ મહિનામાં પણ.? એકદમ જરૂરી હશે એ લોકો જ વિમાન યા બસ કે ટ્રેનમાં પ્રવાસ કરશે. વિદેશ ફરવા જવાનું તો વરસ- બે વરસ ભૂલી જ જવાશે. ફરવા જવાનું તો ઠીક, લોકો  બહારનું  ખાવાનું પણ ટાળશે. પરિણામે હોટેલ અને હોસ્પિટાલિટી સેકટર સાવ જ નિરસ થઈ જશે. તેમના બિઝનેસમાં  નફાની સંભાવના  ઘટી જશે અને નફા વિના કોણ કેટલો સમય ધંધો ચલાવી શકે?  આ દરેક સેકટર માટે મેનપાવર પણ મળવો કઠિન બનશે. આમ ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટલાલિટીમાં મંદી ફેલાઈ જવાથી  તેને કારણે ચાલતા અન્ય વેપારને પણ ગંભીર અસર થશે. જે-તે સ્થળના સ્થાનિક લોકોની આવક ટ્રાવેલ- ટુરિઝમ-હોટેલ સહિતના સેકટર પર નભતી હોય છે,તેમની માટે અસ્તિત્ત્વનો  સવાલ ઊભો થવાનું નકકી છે, ખાસ કરીને આગામી એક વરસ માટે. બિઝનેસમેન વર્ગનું પણ ટ્રાવેલિંગ સાવ નજીવું થઈ જશે.વેબિનાર , વિડીયો કોન્ફરન્સ,વગેરે  સમાન માધ્યમથી  મિટીંગો થશે. સોશ્યલ ડિસ્ટન્સીંગને કારણે આમ બનશે.

 

ઓટો ઉધોગ પણ લાંબા સમયથી વિવિધ કારણસર મંદીમાં છે, તેની મંદી વધુ ઘેરી બનશે. આવામાં નવી કાર કોણ અને કેટલી  ખરીદાય? શેના માટે ખરીદાય? પ્રાઈવેટ ટેકસીમાં બેસવાનું લોકો પસંદ નહી કરે અને તેને સલામત નહી ગણે. તેમછતાં ઓટો સેકટરના રિવાઈવલના તરત કોઈ ઉપાય દેખાતા નથી.  લકઝરી કાર તો લોકો નહી જ ખરીદે.હા, કારમાં ઈનોવેશન આવી શકે અને એ ઈનોવેશન સફળ થાય તો વાત જુદી છે.

મનોરંજનલાઈવ સ્પોર્ટ્સ પર પડદો

મનોરંજન ઉધોગને રિવાઈવ થતા પણ લાંબો સમય લાગશે, કારણ કે સરકાર થિયેટર્સને ઝડપથી ખોલવા દેશે નહીં, જયાં ભીડ થતી હોય અથવા સોશ્યલ ડિસ્ટન્સ જળવાવાનું કઠિન હોય તે બિઝનેસ કે પ્રવૃતિને સરકાર  છુટ આપે તો પણ લોકો જલદીથી ત્યાં જવાનું પસંદ નહી કરે. એને બદલે લોકો  તરફથી  પ્રાઈવેટ ટીવી ચેનલ્સ વધુ જોવાશે. લોજિસ્ટીક ઉધોગ પણ અસર પામશે, જયાં આવશ્યક ચીજોની હેરફેર છે ત્યાં ચાલશે, કિંતુ અન્ય ચીજો માટે લોજિસ્ટીકની ખાસ  જરૂર રહેશે નહીં. ક્રિકેટ સહિતના તમામ લાઈવ સ્પોર્ટસ સદંતર બંધ રહેશે, કમસે કમ એકાદ વરસ માટે તો આ ઘટના ભુલવી જ પડશે. કેમ કે કોઈ લાઈવ સ્પોર્ટસ જોવા જશે નહીં, એટલું જ નહી, ખુદ ખેલાડીઓ પણ આમ કરવાનું ટાળશે. વાસ્તવમાં લાઈવ  સ્પોટર્સ ઈવેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તેમાં અનેક કંપનીઓ ભાગ લેતી હોય છે, તેમ જ હજારો લોકોને રોજગારી મળતી હોય છે. આ બધાં પાસે હવેપછી વિકલ્પ ઘટી જવાના એ નકકી છે.  બાંધકામ ઉધોગ, રિઅલ એસ્ટેટ, ઓટો ઉત્પાદન ક્ષેત્રમાં  ભાગ્યે જ કોઈ નકકર અથવા ધમધોકાર  પ્રવૃતિ થઈ શકશે. પરિણામે આ સેકટર્સમાં પણ મંદીનો દોર હજી લાંબો ચાલી શકે છે. ઓઈલ- ગેસ સેકટરમાં પણ મંદીનો માહોલ ચાલુ રહેશે. લોકો મોંઘા ટેક ગેજેટસ વગેરે લેવાનું પણ બહુ પસંદ નહી કરે. અર્થાત, હવેપછી દરેકે નવા ક્ષેત્ર માટે, નવા સાહસ  માટે નવેસરથી વિચારવાની ફરજ પડશે. પોતાના બિઝનેસને  તેમ જ પોતાને પણ રિઈન્વેન્ટ કરવા પડશે. તો હવે શું કરવું ?  એ માટે સમજી લઈએ કે કયા ક્ષેત્રોમાં હવેપછી વિકાસનો અવકાશ ખુલશે યા વધશે?

લાઈફસ્ટાઈલ વર્કસ્ટાઈલ

કોરોનાની અસર એટલી ગહન અને ગંભીર થઈ રહી છે કે લાઈફસ્ટાઈલ, કન્ઝમ્પશન પેટર્ન બદલાયા વિના રહેશે નહીં.  જેને પરિણામે કોર્પોરેટ સેકટરે પણ તેની બિઝનેસ પોલિસી અને વિઝન બદલવા પડશે. કોર્પોરેટ વર્કસ્ટાઈલ પણ ફેરફાર પામશે. વર્ક ફ્રોમ હોમ કલ્ચર શરૂ થયું છે, જે હજી લાંબો સમય ચાલી શકે છે. આમાં ઘણાની જોબ જઈ શકે. અન્યથા નવી જોબ સર્જાઈ શકે એમ પણ બને. કિંતુ કોર્પોરેટ કામકાજની વ્યાખ્યા જરૂર બદલાશે, તેમની ઈવેન્ટ, સેમિનાર, માર્કેટિંગ પોલિસી પણ બદલાશે. હા, ઓનલાઈન વર્ક સતત વધ્યા કરશે, જેને પગલે  ઈન્ટેરનેટનો વપરાશ ખૂબ વધશે. જેથી આ સેગમેન્ટ માટે નવી તક ઊભી થશે. લોકોની પ્રાયોરિટીઝ બદલાવાથી  બિઝનેસ મોડેલ બદલાશે. પબ્લિકના ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. લોકો પૈસા વાપરવા કરતા હાથ પર રાખવાનું વધુ પસંદ કરશે. શિક્ષણ -એજયુકેશન સેકટર આજે મસમોટો બિઝનેસ છે, તેના પ્રવાહ પણ બદલાશે,  શૈક્ષણિક પધ્ધતિ બદલાશે. તેના વિષયોમાં પણ પરિવર્તન આવી શકે. લોકોએ શું શીખવું જોઈએ, શેનું વધુ શિક્ષણ મેળવવું જોઈએ એ માટે નવા રિસર્ચ થશે. પર્યાવરણ બાબતે જાગ્રતિ  વધશે, પ્રદુષણ ઘટશે. આમ સામાજીક અને આર્થિક ક્ષેત્રે અસર કરે તેવા અસંખ્ય ફેરફાર જોવા મળશે એ સમજશે તે એનો લાભ લઈ શકશે.

ડિજિટલ ઈન્ડિયા અને ગિગ ઈકોનોમી

હવેપછી  મહત્તમ કામકાજ ઓનલાઈન  થતા જવાને કારણે અને બદલાતા વર્ક કલ્ચર તેમ જ લાઈફસ્ટાઈલને પગલે ડિજિટલ પ્રોજેકટનું ચલણ વધશે. ગિગ ઈકોનોમી વધુ વિકસશે, ગિગ ઈકનોમી એટલે કોઈને નોકરી પર રાખવાને બદલે તેને એક કામ યા પ્રોજેકટ અપાશે એ કામ કે પ્રોજેકટ પૂર્ણ કર્યા બાદ તેને પેમેન્ટ કરાશે. પરમેનન્ટ કામકાજ મળવા મુશ્કેલ બનશે. નેટવર્કીગ માર્કેટિંગ વધશે, લોકો વધારાની આવક માટે નવા પ્રયોગ કરશે. ટેકનોલોજીનું મહત્ત્વ સતત વધ્યા કરશે. ઈનોવેશનની બોલબાલા  થશે.

ઈન્વેસ્ટમેન્ટ કલ્ચર વધશે

નાણાં વૃધ્ધિ માટેની જરૂરીયાતને ધ્યાનમાં રાખી શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ સહિતના  સાધનોમાં રોકાણનું ચલણ વધશે.  વીમા ક્ષેત્ર અને હેલ્થ સેકટરનો દોર કે વિકાસ માર્ગ વધુ ઝડપ પકડશે. આ સેકટરમાં કામ કરતા લોકો માટે તક વધશે. તેનો અભ્યાસ વધશે, આ ક્ષેત્રે સલાહ આપતા વર્ગની જરૂર પણ વધશે. સોલાર એનર્જી કે ઓલ્ટરનેટ એનર્જી, ઓલ્ટરનેટ મેડિસીનનું મહત્વ  વધશે.

સ્પિરિચ્યુઅલ પ્રવૃતિ વધી શકે

આ બધાં સાથે  આધ્યાત્મિક પ્રવૃતિ અને અભિગમ વધશે. કોરોના કાળના અનુભવમાંથી પસાર થનાર બહુ મોટો  વર્ગ  આધ્યાત્મ તરફ વળશે. આમ કોરોનાને પગલે અને પરિણામે જગત એક ધરખમ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થશે. 2020 તો આ ઘટનાને સામાન્ય સ્તરે લાવવામાં પસાર થઈ જશે. આપણે દરેકે 2021 માટે નવી તૈયારી કરવાની છે. બાકી હાલ તો માત્ર અને માત્ર એક જ બાબત નિશ્રિંત છે, જેનું નામ છે અનિશ્રિંતતા . યાદ રહે, દરેક નાની-મોટી સમસ્યા યા કટોકટી  તેની સાથે નવી તકો પણ લઈને આવે છે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]