હાલ ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઈન ખૂબ ચર્ચામાં છે. બમ્પર રીટર્ન આપનાર બિટકોઈનની કીમતમાં છેલ્લા સપ્તાહમાં મોટો કડાકો પણ બોલી ગયો છે. ડીસેમ્બર આખર અને હાઈપ્રાઈઝને પગલે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. અમિતાભ બચ્ચનના રોકાણના પણ સમાચાર આવી ગયા, હવે તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. આની સાથે સાથે ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. જાણકારી મુજબ નોકરીની શોધખોળ અને તે અંગેની પૂછપરછ કરનારાની સંખ્યા બમણી થઈ છે.બિટકોઈન સહિત તમામ ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. તે માટે આ ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ રીતે ટેકનોલોજી પર નિર્ભર છે. આ કારણે જ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 2018ના નવા વર્ષમાં ટેકનોલોજી બેઝ્ડ જોબની સંભાવના વધી જશે. વીતેલા વર્ષે એક વર્ષમાં આવા સ્કિલવાળાઓની માંગમાં 50 ટકાનો વધારો થયો છે. આવા પ્રોફેશનલનું હાયરિંગ કરનાર યુનોકોઈન, ગ્લોબલ ડીસીએક્સ અને કોઈનસિક્યોર જેવી કંપનીઓએ જોબ માટે ભારે ઉત્સાહ દાખવ્યો છે. ડિજિટલ કરન્સી એક્સચેન્જ ગ્લોબલ ડીસીએક્સના પ્રમુખના કહેવા પ્રમાણે ક્રિપ્ટોકરન્સી એક પહેલી જેવી છે, પણ બિટકોઈનની કીમતમાં સતત વધારાને કારણે લોકોની ઈન્કવાયરી સતત વધી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી નોકરીની પૂછપરછ કરનારાની સંખ્યા સપ્ટેમ્બર-ઓકટોબરની સરખામણીએ નવેમ્બરમાં ડબલ થઈ ગઈ છે.
બિટકોઈન એક્સચેન્જે કેમ્પસ ભરતી નથી કરી, પણ આઈઆઈટી કાનપુર જેવી સંસ્થાઓમાંથી ભરતી કરવા પર વિચાર કરી રહ્યા છે. આઈઆઈટી દિલ્હી, આઈએમટી ગાઝિયાબાદ અને આઈએસબી હૈદરાબાદમાંથી રિક્રુટમેન્ટ કરવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે અમેરિકન એક્સપ્રેસ, બાર્ક્લેઝ અને આઈબીએમ જેવી મલ્ટી નેશનલ કંપનીઓ પાસેથી હાયરિંગ કર્યું છે. અમે બિટકોઈનના ક્ષેત્રમાં જાગરુકતા વધે તે માટે કેટલાક કેમ્પસો સાથે વાતચીત પણ કરી રહ્યા છીએ. હાલમાં બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા કર્મચારીઓની માંગ જરૂરિયાત કરતાં વધારે છે.
તેમજ સેલરીની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીઝમાં લેટેસ્ટ ટેકનોલોજીની જરૂરિયાતને જોતા અહીંયા કામ કરનારા પ્રોફેશનલની સેલરી આઈટી ઈન્ડસ્ટ્રીઝના મધ્યમકક્ષાના પ્રોફેશનલની સેલરી કરતાં વધારે છે. પાંચ વર્ષથી ઓછા અનુભવવાળાઓને 8-10 લાખ રૂપિયા, 10 વર્ષથી વધુના અનુભવવાળાઓને 20 લાખ રૂપિયા અને 12 વર્ષથી વધુના અનુભવવાળાઓને સરેરાશ 45 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળે છે. હવે ગ્રાહકોની સંખ્યા વધતાં આ ઈન્ડસ્ટ્રીઝમાં જોબ્સની સાથેસાથે સેલરી પણ વધશે.