નવી દિલ્હી – લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે ત્યારે ચૂંટણી પંચે મતદાનના દિવસોએ મતદારોની આંગળી પર લગાડવા માટેની ખાસ, જલદી ભૂંસાઈ ન જાય એવી (ઈન્ડેલિબલ) શાહીની 26 લાખ બોટલ માટેનો ઓર્ડર આપી દીધો છે.
આ બોટલ્સ માટે રૂ. 33 કરોડનો ખર્ચ થશે.
સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણીનો આરંભ 11 એપ્રિલે થશે અને મતદાનનો આખરી રાઉન્ડ 19 મે છે. પરિણામ 23 મેએ જાહેર કરાશે.
2014ની ચૂંટણી વખતે ચૂંટણી પંચે 21.5 લાખ શાહી ખરીદી હતી. આમ, આ વખતે 4.5 લાખ બોટલ્સ વધારે ખરીદાશે, કારણ કે મતદારોની સંખ્યા પણ વધી ગઈ છે.
ચૂંટણી પંચ માટે જલદી ભૂંસાઈ ન જાય એવી શાહી બનાવવા માટેની એકમાત્ર ઓથોરાઈઝ્ડ ઉત્પાદક કંપની છે મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ, જે કર્ણાટક સરકાર હસ્તકની અને મૈસુરુ શહેર સ્થિત કંપની છે.
આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ચંદ્રશેખર ડોડામણીએ જણાવ્યું છે કે કંપનીને ચૂંટણી પંચ તરફથી ઈન્ડેલિબલ ઈન્કની 26 લાખ બોટલનો ઓર્ડર મળ્યો છે. દરેક બોટલ 10ccની હશે.
આ ટર્નઓવર આશરે રૂ. 33 કરોડ થવા જાય છે, એમ પણ ડોડામણીએ કહ્યું છે.
એમણે વધુમાં કહ્યું કે ગઈ વેળાની (2014)ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે અમને 4.5 લાખ બોટલ વધારે બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
મૈસુર પેઈન્ટ્સ કંપની ઈન્ડેલિબલ ઈન્કની મોટી નિકાસકાર કંપની છે. તે દુનિયાના 30થી વધુ દેશોમાં આ શાહીની નિકાસ કરે છે.
1962માં, ચૂંટણી પંચે કેન્દ્રીય કાયદા મંત્રાલય, નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને મૈસુર પેઈન્ટ્સ સાથે એક કરાર કર્યો હતો કે એણે લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ માટે ઈન્ડેલિબલ શાહી સપ્લાય કરવી.
ત્યારથી ભારતમાં ચૂંટણીઓ માટે આ જ કંપની શાહી સપ્લાય કરે છે.
દરેક બોટલમાં 10 ક્યૂબિક સેન્ટીમીટર (સીસી) ઈન્ડેલિબલ શાહી ભરેલી હોય છે. આધુનિક માપ પદ્ધતિ અનુસાર, 1 ક્યૂબિક સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર થાય.