શું મ્યુચ્યુઅલ ફંડ વિષેની તમારી માન્યતાઓ યોગ્ય છે? શું મ્યુચ્યુયલ ફંડ વિષે તમે જાગરૂક છો?
મ્યુચ્યુઅલ ફંડ્સ આજકાલ ભારતમાં રોકાણનું લોકપ્રિય સાધન બની રહ્યું છે, પરંતુ રોકાણકારો હજી પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા વિશે કેટલીક સામાન્ય બાબતો વિશે અજાણ છે અને કેટલીક ગેરમાન્યતાઓ ધરાવે છે. રોકાણકારો આ ગેરમાન્યતાઓ વિષે જાગૃત થઈને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો મહત્તમ લાભ લઈ શકે એ ખૂબ જ જરૂરી છે. ચાલો મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે સંકળાયેલ કેટલીક પ્રચલિત ગેરમાન્યતાઓ જોઈએ.
(તસવીર સૌજન્યઃ Nick Youngson CC BY-SA 3.0 Pix4free)
૧. એનએફઓ (NFO – ન્યુ ફંડ ઓફર) વધુ સારું વળતર આપે છે :
જે સમયગાળામાં માર્કેટનું પ્રદર્શન ખૂબ જ સારું રહેતું હોય ત્યારે અથવા એસેટ મેનેજમેન્ટ કંપનીઓને મૂડીની ખરેખર જરૂર હોય ત્યારે NFO માર્કેટમાં લાવવામાં આવે છે. આ NFO ની NAV (Net Asset Value) રૂ. ૧૦ ની હોય છે અને એ માટે મોટી જાહેરાતોની જુંબેશ દ્વારા રોકાણકારોને આકર્ષિત કરવામાં કરવામાં આવે છે.
NFO ના મુખ્ય ગેરફાયદા :
૧) જો બજારો નીચે આવે તો રૂ. ૧0 ની NAV પણ નીચે આવવાની શક્યતાઓ એટલી જ રહેલી છે; એથી મ્યુચ્યુયલ ફંડની ખરીદ કિંમત રૂ. ૧૦ ની હોય કે રૂ. ૧૦૦ ની હોય એનાથી ખરેખર કંઈ જ ફરક પડતો નથી.
૨) NFO એ નવો ફંડ હોવાથી એની પાસે ભૂતકાળની કામગીરીનો અહેવાલ હોતો નથી. એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય રીતે નવા ફંડને સ્થિરતા મેળવવામાં ૨ થી ૩ વર્ષનો સમય લાગે છે. આ સમયગાળામાં ફંડની કામગીરી જોઈને રોકાણકારને સમજી-વિચારીને જાગૃતતાથી નિર્ણય લેવામાં મદદ મળી શકે છે.
NFO ના મુખ્ય લાભ :
૧) વૃધ્ધિ પામી રહેલી મ્યુચ્યુયલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં NFO નાં માધ્યમથી સારી ઑફર મળી શકે છે. દા.ત. બેલેન્સડ એડવાન્ટેજ ફંડ, મલ્ટી એસેટ ફંડ અથવા ગ્લોબલ ફંડ્સ – આ ફંડોમાં રોકાણકારો પોતાની જરૂરિયાત પ્રમાણે નાણાં રોકી શકે છે.
૨) NFO નાં મેનેજરને ભેગાં થયેલાં ભંડોળને રોકવા માટે ૩ થી ૬ મહિનાનો સમયગાળો મળે છે; જે રોકાણકારો માટે ફાયદાકારક બની શકે છે; કેમ કે ફંડ મેનેજર સમયાંતરે રોકાણ કરી શકે છે.
૨. નીચી NAV વાળા મ્યુચ્યુઅલ ફંડ; ઊંચી NAV વાળા અન્ય મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ સારા હોય છે :
આ ગેરમાન્યતાનું કારણ એ છે કે રોકાણકારો મ્યુચ્યુયલ ફંડની NAV ને શેરનાં ભાવ જેવા સમજે છે; નીચા ભાવ એટલું વધુ ફાયદાકારક. પરંતુ રોકાણકારોએ એ સમજવાની જરૂર છે કે શેરના ભાવ અને એનએવી વચ્ચે મોટો એ તફાવત છે કે – શેરના ભાવમાં વધારો-ઘટાડો; એ માંગ પૂરવઠાનાં અને અન્ય કોઈપણ ચીજવસ્તુનાં મૂલ્યની વધ-ઘટને કારણે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ યુનિટની NAV નો ઉતાર-ચઢાવ ભંડોળના સારા ફંડામેન્ટલ્સને અને લાંબા સમય સુધી ફંડ મેનેજર્સનાં સતત પ્રદર્શનને આભારી હોઈ શકે છે – જે રોકાણકારો માટે સારું હોઈ શકે છે. માર્કેટનાં દરેક ઉતાર-ચઢાવ દરમ્યાન મ્યુચ્યુઅલ ફંડની સારી અને સ્થિર કામગીરી એ સારા ફંડ મેનેજરની નિશાની છે. ઉપરાંત, સેબીનાં નિયમ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ યોજનાના વધતાં કદ સાથે ફંડના ખર્ચાઓનો દર ઘટતો જાય છે; જે રોકાણકારો માટે પણ ફાયદાકારક છે.
૩. ભૂતકાળમાં સારી કામગીરી દર્શાવતાં મ્યુચ્યુઅલ ફંડ્સ જ શ્રેષ્ઠ પસંદગી છે:
કારમાં રહેલો કેવળ રીઅર વ્યૂ મિરર જોઈને જ કાર ચલાવી શકાતી નથી. – હકીકતમાં તો રીઅર વ્યૂ મિરર પર નજર રાખવાની સાથે-સાથે; કારમાં આગળ રહેલી વિન્ડસ્ક્રીન પર જ મુખ્ય આધાર રાખીને કાર ચલાવવાની હોય છે. એ જ રીતે ભૂતકાળની કામગીરીનાં પ્રદર્શનનો અહેવાલ મહત્વપૂર્ણ હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ યોજનાની પસંદગી કરવા માટે અથવા એમાં નિવેશીત રહેવા માટેનું એ એકમાત્ર પરિમાણ નથી; કારણ કે;
૧) ફંડના ફંડ મેનેજર બદલાઈ શકે છે અથવા તો યોજનાઓ/એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું એકબીજામાં જોડાણ/વેચાણ થતું રહેતું હોવાને કારણે રોકાણકારોએ એ ખાતરી કરવાની જરૂર રહે છે કે નવા મેનેજર/યોજના/કંપની ભવિષ્યમાં પોતાનાં રોકાણ માટે સારી છે કે કેમ?
૨) જેમ જેમ યોજનાનું ભંડોળ વધે છે, તેમ તેમ ખર્ચમાં ઘટાડો થાય છે, પરંતુ તે સાથે જ ફંડ મેનેજર માટે સ્ટોક્સ પસંદગી કરવા માટેનું ફલક પણ ઓછું થતું જાય છે; જેને કારણે લિકવિડિટીને લઈને કેટલીક મર્યાદાઓ ઊભી થાય છે.
૩) માર્કેટનાં દરેક બુલ રન વખતે, નવા ક્ષેત્રના શેરો મજબૂત દેખાવ કરે છે; જેને કારણે મ્યુચયલ ફંડનું પ્રદર્શન પણ ખૂબ જ બહેતર થઈ જતું હોય છે; પરંતુ આ પ્રદર્શન મર્યાદિત સમય પૂરતું હોઈ શકે છે. રોકાણકારોએ આ હકીકતને ધ્યાનમાં રાખીને ફક્ત ભૂતકાળના સારા પ્રદર્શનથી દોરવાઈ જવાથી બચવું જોઈએ.
૪. વિવિધતા માટે ઘણા બધાં ફંડોમાં રોકાણ કરવું :
મોટાભાગના રોકાણકારો માટે ૫ થી ૬ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવું પૂરતું છે, પરંતુ જોવા એ મળ્યું છે કે રોકાણકારો વિવિધતાના નામે ૨૦ થી ૩૦ વિવિધ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણ કરે છે. હકીકત એ છે કે એક સરખી શ્રેણીનાં મ્યુચ્યુયલ ફંડ જેવા કે લાર્જ કેપ, મિડ કેપ અથવા સ્મોલ કેપનાં પોર્ટફોલિયો ઘણા ખરા એકસરખા જ હોય છે અને તેઓ લાંબા સમયે એકસરખો જ વૃધ્ધિદર આપે છે. તમારી જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતાને આધારે, તમારા રોકાણોને વિવિધ પ્રકારની સ્કિમોમાં રોકવાને બદલે વિવિધ પ્રકારની શ્રેણીઓનાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા; એ વૈવિધ્યકરણની યોગ્ય રીત હોઇ શકે. આ રોકાણ પર વાર્ષિક ધોરણે દેખરેખ રાખવી અને નિયમિત રીતે નબળા દેખાવ કરનાર મ્યુચયલ ફંડને બદલીને બીજા સારા દેખાવ કરનારાં મ્યુચ્યુયલ ફંડમાં રોકાણને ખસેડી દેવામાં જ સમજદારી રહેશે.
૫. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એટલે ફક્ત ઇક્વિટીમાં રોકાણ કરવું :
સામાન્ય રોકાણકારોમાં મોટી ગેરમાન્યતા એ છે કે તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ ફક્ત ઇક્વિટી બજારોમાં જ રોકાણ કરે છે – હકીકતમાં રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ, ગોલ્ડ, સિલ્વર અને સેબીએ સ્થાવર મિલકતના રોકાણને મંજૂરી આપી છે એ REITs (Real Estate Investment Trust) – આ બધામાં જ મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરી શકે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય REITs માં રોકાણ શરૂ થઈ ચૂક્યું છે; અને ભારતીય REITs માં રોકાણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં કરેલ રોકાણ કરતાં, ડેટ ફંડમાં કરાતું રોકાણ વધુ ટેક્સ એફિશિયન્ટ હોય છે અને એ સ્થિર હોવા ઉપરાંત એસેટ એલોકેશન માટેનો સારો વિકલ્પ પણ છે.
હેપ્પી ઈન્વેસ્ટિંગ..!
(રાજેન્દ્ર ભાટીયા)
(લેખક અર્થશાસ્ત્ર ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના MD છે. એમનું ઈ-મેઇલ એડ્રેસ : rb@aarthshashtra.com)