વાત દેવની ‘ગાઇડ’ ના ગીતની 

ફિલ્મ ‘ગાઇડ’ (૧૯૬૫) નું દેવ આનંદને નાપસંદ એક ગીત સૌથી વધુ લોકપ્રિય બની ગયું હતું. દેવ આનંદે ફિલ્મ ‘ગાઇડ’ નું આયોજન કર્યું અને સંગીતની જવાબદારી સચિનદેવ બર્મનને સોંપી. અચાનક બર્મનદાને હ્રદયરોગનો હુમલો થતાં આરામ ફરમાવવાની જરૂર ઊભી થઇ અને લાંબો સમય કામ કરી શકે એમ ન હતા. બીજા નિર્માતાઓએ એસ. ડી. બર્મનને બદલે અન્ય સંગીતકારને કામ સોંપી દીધું ત્યારે દેવ આનંદ એમની પાસે જ સંગીત તૈયાર કરાવવા માગતા હોવાથી છ મહિના માટે શુટિંગ અટકાવી દીધું હતું. બર્મનદા સાજા થઇને પાછા ફર્યા અને કહેવાય છે કે પાંચ જ દિવસમાં એમણે બધાં ગીતો તૈયાર કરી આપ્યા હતા. દેવને એમના પર બહુ વિશ્વાસ હતો એટલે ક્યા સે ક્યા હો ગયા, પિયા તોસે નૈના લાગે રે, દિન ઢલ જાયે… વગેરે બધાં જ ગીતો યોગ્ય માની લીધા. પરંતુ ન જાણે કેમ લતા મંગેશકરે ગાયું હોવા છતાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગીત ખાસ પસંદ આવી રહ્યું ન હતું.

દેવને એમ લાગ્યું હતું કે બર્મનદાએ ઉતાવળમાં આ ગીત બરાબર તૈયાર કર્યું નથી. જ્યારે ફિલ્મની યુનિટના સભ્યોએ આ ગીત સાંભળ્યું ત્યારે બધાંને પસંદ આવ્યું અને એમણે પ્રશંસા કરી. છતાં દેવ આ ગીત લેવાના પક્ષમાં ન હતા. નિર્દેશક વિજય આનંદે એમ કહીને વાત ટાળી દીધી કે ગીતનું શુટિંગ કરી લઇએ. જો પછીથી યોગ્ય નહીં લાગે તો બીજું ગીત તૈયાર કરાવીશું. ગીતનું શુટિંગ થઇ રહ્યું હતું ત્યારે દેવ આનંદે એક વાતની ખાસ નોંધ લીધી કે સેટ પર યુનિટના દરેક સભ્ય ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ શબ્દો ખુશીથી ગણગણતા રહેતા હતા.

સેટ પર લોકોને વારંવાર ગાતા સાંભળ્યા પછી દેવ આનંદ માની ગયા અને મહોર મારી દીધી કે આ ગીત ફિલ્મમાં રહેશે અને જેવું છે એવું જ રહેશે. એમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. એસ. ડી. બર્મને તૈયાર કરેલા ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગીતની બીજી એક વિશેષતાની બહુ ઓછાને ખબર પડે છે. સામાન્ય રીતે ગીત ગાતી વખતે મુખડા પછી અંતરાને અલગ રીતે ઉઠાવવામાં આવે છે. આ ગીત બર્મનદાએ એવું બનાવ્યું છે કે એના અંતરામાં પણ મુખડાની જ ધૂન છે. જે ધૂનમાં મુખડું છે એમાં જ ‘કાંટો સે ખીંચ કે યે આંચલ’ કે ‘મેં હૂં ગુબાર યા તૂફાં હૂં’ જેવા તમામ અંતરાને રાખવામાં આવ્યા છે. દેવ આનંદને જેના માટે શંકા હતી એ જ પાછળથી એક અમર ગીત બની ગયું હતું. આ ગીત માટે ફિલ્મફેરમાં લતા મંગેશકરનું ‘સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા’ની કેટેગરીમાં નામાંકન પણ થયું હતું.