રાજેશ ખન્નાની ફિલ્મ ‘અવતાર’ (1983) પહેલાં અને પછી પણ બંગાળી નવલકથાકાર આશાપૂર્ણા દેવીની ‘જોગ બિયોગ’ ની વાર્તા પરથી અનેક ભાષામાં ફિલ્મો બની છે. ‘અવતાર’ જેવી વાર્તા અનેક ફિલ્મોમાં પાત્રોના જુદા જુદા અવતાર સાથે જોવા મળી છે. આ નવલકથા પરથી સૌથી પહેલાં 1953 માં એ નામની જ બંગાળી ફિલ્મ બની હતી. પછી ૧૯૬૦ માં તમિલમાં નિર્દેશક એ. ભીમસિંહે ફિલ્મ બનાવી હતી. જ્યારે ૧૯૬૭ માં એમણે સૌપ્રથમ હિન્દીમાં એ નવલકથા પરથી ફિલ્મ ‘મેહરબાન’ બનાવી હતી. નિર્દેશક મોહનકુમારે વાર્તામાં થોડો ફેરફાર કરી પોતાની રીતે ‘અવતાર’ બનાવી હતી. એના પર જ આધારિત તમિલ ફિલ્મ ‘વાઝકાઇ’ પણ 1983 માં જ આવી હતી.
1984 માં મલયાલમ ફિલ્મ ‘જીવીતમ’ બની. એ જ વર્ષે કન્નડમાં ‘કલિયુગ’ બની. 1980 ના દાયકામાં તો એવી ઘણી હિન્દી ફિલ્મો આવી જેની વાર્તાનો આધાર ‘અવતાર’ હતી. એના પરથી પ્રેરણા લઈને ‘સ્વર્ગ’ અને ‘બાગબાન’ જેવી અનેક ફિલ્મો બની છે. નિર્દેશક મોહનકુમારે ‘અવતાર’ પહેલાં ફિલ્મ ‘અમીર ગરીબ’ (1974) માં રાજેશને લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે મોટા સ્ટાર હોવાથી વ્યસ્તતાને કારણે શક્ય બન્યું નહીં તેથી દેવ આનંદને લીધા હતા. જ્યારે મોહનકુમારે ‘અવતાર’ નું આયોજન કર્યું ત્યારે રાજેશ ખન્નાનું સ્ટારડમ ખતમ થઈ ચૂક્યું હતું.
રાજેશને ‘અવતાર’ ની વાર્તા પસંદ આવી હતી પણ એમાં એક વૃધ્ધની ભૂમિકા કરવાથી એ ગભરાઈ રહ્યા હતા. લાંબો વિચાર કરીને ફરીથી લોકપ્રિયતા અપાવે એવી વાર્તા હોવાથી ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. પહેલાં ફિલ્મનું નામ ‘રાધા’ વિચારવામાં આવ્યું હતું. કેમકે એમાં એ નામ શબાના આઝમીનું હતું. પરંતુ રાજેશનું નામ ‘અવતાર કિશન’ હોવાથી એમણે ‘અવતાર’ રખાવ્યું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રાજેશને યુવાન બતાવવાનું જરૂરી લાગ્યું હોવાથી ભૂતકાળ બતાવવામાં આવ્યો હતો અને એક ગીત ‘દિન મહિને સાલ ગુજરતે જાયેંગે’ ઉમેરવામાં આવ્યું હતું.
ફિલ્મમાં જ્યારે રાજેશ અને શબાના પોતાના બાળકને બચાવવા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે ત્યારે એક ગીત મૂકવાનું નક્કી થયું હતું. નિર્દેશકે આનંદ બક્ષીને માતા વૈષ્ણોદેવી પર ગીત લખવાનું કહ્યું હતું. એક વાત એવી છે કે એમના ઘણા પ્રયત્ન પછી ગીત બની રહ્યું ન હતું ત્યારે રાજેશ ખન્નાએ એમ કહી દીધું હતું કે તમે ક્યાં તો લખવાનું છોડી દો ક્યાં તો પીવાનું છોડી દો. તેથી આનંદ બક્ષી ત્યાંથી જતાં રહ્યા હતા. પણ એ નારાજ ન હતા. એ થોડા સમય પછી ‘ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ’ ગીત લખીને લાવ્યા ત્યારે બધાને એ ગમ્યું હતું.
આ પહેલાં બક્ષીએ ફિલ્મ ‘આશા’ માટે આવું જ ગીત ‘તુને મુઝે બુલાયા શેરાવાલીએ’ લખ્યું હતું. એમાં મોહમ્મદ રફી અને નરેન્દ્ર ચંચલનો સ્વર હતો. ‘ચલો બુલાવા આયા હૈ’ વખતે મોહમ્મદ રફી હયાત ન હોવાથી નરેન્દ્ર ચંચલ અને મહેન્દ્ર કપૂર સાથે આશા ભોંસલેના અવાજમાં રેકોર્ડિંગ થયું હતું. ‘અવતાર’ને ટિકિટબારી પર સારી સફળતા મળી હતી પણ ‘ફિલ્મફેર’ માં અનેક નામાંકન પછી કોઈ એવોર્ડ મળ્યો ન હતો.
