નિર્દેશક કે.આસિફે દિલીપકુમાર સાથેની ફિલ્મ ‘મોગલે આઝમ’ (૧૯૬૦) માં કમાલ અમરોહીના સંવાદ લીધા હતા પરંતુ યોગ્ય શ્રેય આપ્યું ન હતું. જેના ‘મેરા દિલ આપકા હિન્દુસ્તાન નહીં જિસ પર આપ હકૂમત કરેં’, ‘દિલ કી ધડકન કો શહેનશાહ કી ગુલામી મંજુર નહીં’, ‘અકબર કી તલવાર ક્યા ઉઠાયેગી જો અપની ચુડિયોં કી બોજ નહીં ઉઠા સકતી’, ‘કાંટોં કો મુરઝાને કા ખૌફ નહીં હોતા’ અને ‘સલીમ તુઝે મરને નહીં દેગા ઔર હમ તુઝે જીને નહીં દેંગે’ જેવા અનેક સંવાદ અમર થઇ ગયા એ ‘મોગલે આઝમ’ ને કે.આસિફ બનાવવા જઇ રહ્યા હતા ત્યારે એમાં સંવાદ લખનાર કમાલ અમરોહીએ ‘અનારકલી’ બનાવવાનું નક્કી કર્યું હતું.
આ વાતની જાણ કે.આસિફને થતાં તે નારાજ થયા હતા. તેમણે ‘અનારકલી’ બનાવવાની એટલે ના પાડી હતી કેમકે ‘મોગલે આઝમ’ માં પણ અનારકલીનું મહત્વનું પાત્ર હતું. કમાલની દલીલ હતી કે એમાં મુખ્યત્વે સલીમ અને અકબર વચ્ચેના મતભેદની વાત હતી. પણ જ્યારે કે.આસિફને ખબર પડી કે ‘અનારકલી’ માં મધુબાલા જ મુખ્ય નાયિકા છે ત્યારે એમને વધારે ઝાટકો લાગ્યો. બંને વચ્ચે ઝઘડો થયો અને કમાલે ‘મોગલે આઝમ’ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. કે. આસિફે પણ બીજા પાસે સંવાદ લખાવવાનું નક્કી કરી કમાલને જવા દીધા. બંને જિદ્દી હતા અને પોતાના નિર્ણય પર અટલ હતા. કમાલે ‘અનારકલી’ નું મૂહુર્ત કરી દીધું. બીજી તરફ કે. આસિફે પટકથા લેખક અમાન અને હસન રિઝવીને સંવાદ લેખનનું કામ સોંપી દીધું. થોડા મહિના પછી કે.આસિફને ખ્યાલ આવી ગયો કે કમાલ જેવા સંવાદ લખવાનું આ બંનેનું ગજુ નથી. દરમ્યાનમાં ‘અનારકલી’ ના નિર્માતાની આર્થિક સ્થિતિ કથળી જતાં ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.
કમાલ અને કે.આસિફ વચ્ચે જે સમસ્યા હતી એ આપોઆપ ઉકેલાઇ ગઇ હતી. એક દિવસ કે. આસિફ કમાલના ઘરે પહોંચી ગયા. અને અમાનના માધ્યમથી એકબીજા સાથે વાત કરી. કમાલ પહેલાં તો ના જ પાડતા રહ્યા. ત્યારે કે. આસિફે એમ કહ્યું કે જો કમાલ સંવાદ નહીં લખે તો ફિલ્મ બંધ થઇ જશે. પછી કમાલે દયા ખાધી હોય એમ વધુ ફી કહી દીધી. એક દ્રશ્યના સંવાદના રૂ.૧૦૦૦૦ માગ્યા. જે માંગને કમાલ અમરોહીએ સ્વીકારી લીધી. આખરે કમાલ તૈયાર થઇ ગયા અને સંવાદ લેખનનું કામ કર્યું. ફિલ્મ તૈયાર થઇ અને એનો ટ્રાયલ શો યોજાયો ત્યારે નામાવલિ જોઇને કમાલ નારાજ થઇ ગયા. એમાં પટકથા સંવાદ લેખનમાં પહેલાં અમાન અને એહસાન રિઝવીનું નામ હતું. કમાલનું નામ ત્રીજું આપવામાં આવ્યું હતું. ચોથું વળી વજાહત મિર્ઝાનું હતું. કમાલને લાગ્યું કે નિર્દેશક કે. આસિફ મિત્ર હોવા છતાં દગો કર્યો છે. કમાલે કહી દીધું કે એમને શ્રેય જોઇતું નથી. નામાવલિમાંથી નામ દૂર કરી દો. પરંતુ કે.આસિફે એ વાતનો કોઇ જવાબ આપ્યો નહીં અને નામ સંવાદ લેખકોમાં પહેલા સ્થાન પર ના મૂક્યું. એટલું જ નહીં કમાલનું નામ હટાવ્યા વગર ત્રીજા સ્થાને જ રહેવા દીધું. અગાઉ બંને વચ્ચે થયેલા ઝઘડાનું આ પરિણામ મનાય છે.