કંવલજીત સિંહ દેવ આનંદની નકલથી બચ્યા

ફિલ્મો સાથે ટીવી સિરિયલોથી પણ વધારે જાણીતા રહેલા અભિનેતા કંવલજીત સિંહ અચાનક જ કોઈ વિચાર કે તૈયારી વગર અભિનયમાં આવી ગયા હતા. કાનપુરમાં જન્મેલા કંવલજીતનું પહેલું નામ કૂક્કૂ હતું. જ્યારે શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે પિતાએ પત્નીને પૂછ્યું કે નામ શું રાખીશું? ત્યારે પત્નીએ કહ્યું કે ત્યાં રજિસ્ટરમાં સરદારનું હોય એવું જે સારું નામ લાગે એ રાખી લેજો! રસ્તામાં પિતાને કંવલજીત નામ સૂઝયું એટલે બાઇક પાછું વાળીને ઘરે આવ્યા અને પત્નીની સંમતિ લીધા પછી સ્કૂલમાં જઈ એ નામ લખાવી દીધું હતું.

પિતાની વારંવાર બદલી થતી હતી એટલે ઘણા શહેરોની શાળાઓમાં કંવલજીતનો અભ્યાસ થયો. પણ અભ્યાસમાં બહુ રસ ન હોવાથી દસમા ધોરણમાં હતા ત્યારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો હતો. એ સાથે પાયલોટ બનવા એરફોર્સમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો. એ યુપીએસસીમાં પાસ થઈ ગયા. ત્યાંથી દહેરાદૂન મોકલવામાં આવ્યા. ત્યાં પાસ થયા પછી પાયલોટ માટે મેડિકલ ટેસ્ટ લેવાતો હતો ત્યાં ગયા. તપાસમાં એમને ખબર પડી કે ડાબા કાનથી એ બરાબર સાંભળી શકતા નથી એટલે વિમાન ઉડાવવાને બદલે ઓફિસમાં કામ કરવાની નોકરી માટે યોગ્ય માન્યા. કંવલજીતે એ નોકરી સ્વીકારી નહીં. એ પછી મર્ચન્ટ નેવીમાં પ્રયત્ન કર્યો ત્યાં પણ મેળ પડ્યો નહીં.

કદાચ કંવલજીતના નસીબમાં અભિનયમાં જ જવાનું લખ્યું હશે. બન્યું એવું કે એ પોતાના મિત્ર રમેશ દત્તને ત્યાં ગયા ત્યારે ફેમિના મેગેઝિનમાં પૂણેની ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાં અભિનયની તાલીમ લેવા પ્રવેશ માટેની જાહેરાત જોઈ. એ વાંચવાના બહાને મેગેઝીન ઘરે લઈ આવ્યા અને પિતાને વાત કરી. કંવલજીત અભ્યાસ પૂરો કરી ચૂક્યા હતા એટલે એમને કોઈ વાંધો ન હતો. કંવલજીતને ઈન્સ્ટીટ્યૂટમાં પ્રવેશ માટે ઓડિશન આપવાનો વખત આવ્યો ત્યારે અભિનયનો કોઈ અનુભવ ન હતો. માત્ર દેવઆનંદની ફિલ્મો જોતાં અને એમની નકલ કરતા હતા. જ્યારે દિલ્હી ઓડિશન માટે ગયા ત્યારે કાકાને ત્યાં રહ્યા. કંવલજીતને ઓડિશનની પરીક્ષાની જે સ્ક્રીપ્ટ મળી હતી એ બરાબર કરી શકે એ માટે એના કાકા નાટકોમાં કામ કરતા મિત્ર હબીબ તનવીરને ત્યાં લઈ ગયા. કંવલજીતે દેવ આનંદની સ્ટાઇલમાં માથું હલાવીને અને ચાલીને સ્ક્રીપ્ટ વાંચી. એમણે દેવ આનંદને ભૂલીને સહજ રીતે અભિનય કરવા કહ્યું.

કંવલજીતની હબીબ સાથેની મુલાકાત ઉપયોગી બની રહી. દેવ આનંદની નકલ ના કરી એ કારણે જ એમને પ્રવેશ મળી શક્યો હતો. એ ત્યાં તાલીમ લેતા હતા ત્યારે નિર્દેશક કમાલ અમરોહીની પુત્રી પોતાની કોઈ મિત્રને મળવા આવી હતી. ત્યાં થિયેટર હતું એમાં એક ફિલ્મના શોમાં કંવલજીત બેઠો હતો. ત્યાં એ એની આદત મુજબ ફિલ્મ સાથે પોતાની કમેન્ટ આપ્યા કરતો હતો. એ જોઈને કમાલની પુત્રીએ પિતાને ફોન કર્યો કે તમારે જે ‘હુસૈન’ જોઈએ છે એ મળી ગયો છે. અસલમાં ‘પાકિઝા’ ના નિર્દેશક કમાલ ‘શંકર હુસૈન’ (૧૯૭૭) બનાવવા જઈ રહ્યા હતા. કંવલજીત એફટીઆઈમાંથી પાસ થઈને બહાર આવ્યો એટલે કમાલે તરત એને ફિલ્મ માટે સાઇન કરી લીધો. કમાલે આમ તો આ એક ક્વીકી ફિલ્મ તરીકે શરૂ કરી હતી પણ એને બનવામાં ત્રણથી વર્ષ નીકળી ગયા. એ પછી કંવલજીતને મળેલી નિર્દેશક આર. એલ. દેસાઈની ‘દાસ્તાન-એ- લૈલા મજનૂ’ (૧૯૭૪) પહેલી રજૂ થઈ ગઈ હતી. અને ટીવી સિરિયલ ‘બુનિયાદ’ થી એવી શરૂઆત થઈ કે વર્ષો સુધી ફિલ્મો સાથે નાના પડદે પણ કામ મળતું રહ્યું.