ભાગ્યશ્રીનો કોઇ વિચાર ન હોવા છતાં બે વખત અભિનયમાં આવવું પડ્યું અને આખરે કારકિર્દી એમાં જ બનાવવી પડી હતી. ‘રાજકન્યા ભાગ્યશ્રીરાજે વિજયસિહરાજે પટવર્ધન’ જેવું લાંબુ નામ ધરાવતી ભાગ્યશ્રી અભ્યાસ કરતી હતી ત્યારે પડોશી અમોલ પાલેકર ‘કચ્ચી ધૂપ’ સિરિયલ બનાવતા હતા. ભાગ્યશ્રીના પિતા એમાં સંગીતકાર હતા. એમાં વચેટ બહેનની ભૂમિકા માટે અમોલની પુત્રી શાલ્મલી અને નાની બહેન તરીકે ભાગ્યશ્રીની બહેન પૂર્ણિમા પસંદ થઇ ચૂકી હતી.
મોટી બહેન તરીકે જે નવી છોકરી હતી એ શુટિંગના એક દિવસ પહેલાં એના પ્રેમી સાથે ભાગી ગઇ. અમોલ મદદ માટે ભાગ્યશ્રી પાસે ગયા. એમણે અભિનયની વાત કરી ત્યારે ભાગ્યશ્રી ચોંકી ગઇ. એણે સપનામાં પણ વિચાર્યું ન હતું. એ ઉચ્ચ અભ્યાસ કરીને કંઇક બનવા માગતી હતી. પાલેકરે એને સમજાવી. ત્યારે ઉનાળુ વેકેશન હતું. સિરિયલ પણ ૧૪ સપ્તાહની જ હતી એટલે શુટિંગ પૂરું થઇ જવાનું હતું. ભાગ્યશ્રી એમની પરિસ્થિતિ જોતાં પિતાની ભલામણથી તૈયાર થઇ ગઇ. એ સિરિયલ પૂરી થઇ અને તે અભિનય ભૂલીને ફરી અભ્યાસમાં લાગી ગઇ. દરમ્યાનમાં એક લગ્ન પ્રસંગમાં સૂરજ અને એમના પિતા રાજકુમાર બડજાત્યાએ ભાગ્યશ્રીને જોયા પછી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) માટે સંપર્ક કર્યો. અનોખી ફિલ્મી રીતે એમની મુલાકાત થઇ.
એ સમય પર ભાગ્યશ્રીનું સ્કૂલ-કોલેજના મિત્ર અને પ્રેમી હિમાલય દાસાની સાથે બ્રેકઅપ થઇ ગયું હતું. ઘરમાં એના લગ્નની વાતચીત ચાલી રહી હતી. માતા-પિતાએ છોકરાઓ જોવાનું ચાલુ કરી દીધું હતું. એ સંજોગોમાં એક દિવસ પિતાએ કહ્યું કે મહેમાન તને મળવા આવવાના છે એટલે તું તૈયાર થઇને મળવા આવજે. ભાગ્યશ્રીને એવો જ ભ્રમ હતો કે કોઇ છોકરો જોવા આવવાનો છે. સૂરજ બડજાત્યા એમના માતા-પિતા સાથે આવ્યા અને થોડી વાતચીત થયા પછી રાજકુમાર બડજાત્યાએ સૂરજનો પરિચય આપીને કહ્યું કે તે અત્યારે ફિલ્મ બનાવી રહ્યો છે. ભાગ્યશ્રીના પિતાએ પુત્રીનો પરિચય આપી કહ્યું કે મારી પુત્રી અત્યારે કોલેજ જઇ રહી છે. પછી એમણે એવું સૂચન કર્યું કે બાળકો બીજા રૂમમાં જઇને વાતચીત કરી લે. ભાગ્યશ્રી જ્યારે બીજા રૂમમાં ગઇ અને સૂરજે ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે ખબર પડી કે સૂરજ લગ્નની વાત કરવા નહીં તેને ફિલ્મની હીરોઇન બનાવવા આવ્યો છે. ત્યારે ભાગ્યશ્રીનું બ્રેકઅપ થયું હોવાથી વાર્તા સાંભળીને હિમાલયની યાદ આવી જતાં આંખ ભીની થઇ ગઇ. તેની લાગણી વાર્તા સાથે જોડાઇ હોવાનો સૂરજને અહેસાસ થયો. તેણે ‘સુમન’ ની ભૂમિકા માટે ભાગ્યશ્રી યોગ્ય હોવાનું માન્યું.
ભાગ્યશ્રીને વાર્તા પસંદ આવી હતી પરંતુ એ અમેરિકા જઇને આગળ ભણવા માગતી હતી. તેણે અભિનયમાં કારકિર્દી બનાવવા માગતી ન હોવાથી ઓફર માટે આભાર માનીને સૂરજને ના પાડી દીધી. એમના ગયા પછી પિતાએ કહ્યું કે તારે વિચાર કરીને જવાબ આપવાની જરૂર હતી. એક અઠવાડિયા પછી સૂરજે ફોન કરી સમજાવી કે તું સવારે કોલેજ ચાલુ રાખીને ફિલ્મમાં કામ કરી શકશે અને જલદીથી શુટિંગ પણ પૂરું કરી દઇશું. પછી મળવાનો સમય લઇને ફરી વાર્તા સંભળાવી અને એના માટે જ આ ભૂમિકા હોવાનું સમજાવ્યું. ભાગ્યશ્રીએ ત્યારે જ નહીં કુલ સાત વખત સૂરજને ના પાડી દીધી હતી. પરંતુ આખરે સૂરજ એને મનાવવામાં સફળ થયા હતા. તે ‘મૈંને પ્યાર કિયા’ ની હીરોઇન બનવા તૈયાર થઇ ગઇ હતી. ફિલ્મ રજૂ થતાં પહેલાં ભાગ્યશ્રીએ લગ્ન કરી લીધા અને મા બની ગઇ એ પછી પણ તેના ભાગ્યમાં અભિનય લખાયો હતો એટલે કારકિર્દી અભિનયમાં જ બની