સુલક્ષણા પંડિત અને સંજીવકુમારની પ્રેમકહાની કોઇ ફિલ્મની વાર્તાથી પણ વધારે અજીબ રહી છે. બંનેને એમનો પ્રેમ મળ્યો ન હતો. સુલક્ષણા પંડિતે જીતેન્દ્ર, શશી કપૂર, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા વગેરે અભિનેતાઓ સાથે કામ કર્યુ પણ સંજીવકુમાર સાથેની તેની જોડી ચર્ચામાં રહી હતી. આમ તો સુલક્ષણાએ ફિલ્મોમાં ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ અભિનયમાં આવ્યા પછી ગાવાનું ઓછું રાખ્યું હતું. સુલક્ષણાએ બાળ કલાકાર તરીકે પહેલું ગીત લતા મંગેશકર સાથે ફિલ્મ ‘તકદીર’ (૧૯૬૭) નું ‘સાત સમંદર પાર સે’ ગાયું હતું.
યુવાનીમાં સુલક્ષણાએ પોતાના માટે ‘આજ પ્યારે પ્યારે સે લગતે હૈ’ (ઉલઝન) અને ‘સોમવાર કો હમ મિલેં’ (અપનાપન) જેવા હિટ ગીતો ગાયા હતા. અન્ય અભિનેત્રીઓ માટે પણ સ્વર આપ્યો હતો. પદ્મિની કોલ્હાપુરે (‘આહિસ્તા આહિસ્તા’ માં ‘માના તેરી નજર’), શબાના આઝમી (‘સ્પર્શ’ માં ‘ખાલી પ્યાલા છલકા’) વગેરે માટે પોતાનો સ્વર આપ્યો હતો. તેનું ગઝલોનું આલબમ ‘જઝબાત’ પણ બહાર પડ્યું હતું. છેલ્લું ગીત ભાઇ જતિન-લલિતના સંગીતમાં ‘ખામોશી:ધ મ્યુઝિકલ’ (૧૯૯૬) માટે ‘સાગર કિનારે દો દિલ’ ગાયું હતું.
સુલક્ષણાએ પોતાના દ્વારા અભિનિત ફિલ્મ ‘સંકલ્પ’ (૧૯૭૫) ના ‘તૂ હી સાગર તૂ હી કિનારા’ ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો ફિલ્મફેરનો એવોર્ડ મેળવ્યો હતો. છતાં ગાયિકા કરતાં અભિનેત્રી તરીકેની કારકિર્દી વધારે ઉલ્લેખનીય રહી. સુલક્ષણાને પહેલી વખત સંજીવકુમાર સાથે અભિનયની તક ફિલ્મ ‘ઉલઝન'(૧૯૭૫) માં મળી હતી. આ ફિલ્મથી જ તે સંજીવકુમારના પ્રેમમાં પડી ગઇ હતી. બંનેની કેમેસ્ટ્રી પડદા ઉપર જામી હતી. એ પછી સંજીવકુમાર સાથે ચેહરે પે ચેહરા, વક્ત કી દીવાર, દો વક્ત કી રોટી વગેરે ઘણી ફિલ્મો કરી.
સુલક્ષણા સંજીવકુમારના ગળાડૂબ પ્રેમમા હતી. પરંતુ સંજીવકુમાર હેમામાલિનીના પ્રેમમાં હતા. સંજીવકુમારે હેમામાલિની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. કહેવાય છે કે હેમામાલિનીના માતા ઇચ્છતા ન હોવાથી તેણે ના પાડી હતી. એ કારણે સંજીવકુમારનું દિલ તૂટી ગયું હતું. તે વધારે શરાબ પીવા લાગ્યા હતા. તેમને દિલની બીમારી પણ થઇ ગઇ હતી. સંજીવકુમારે સુલક્ષણાના પ્રેમને સ્વીકાર્યો ન હતો. સુલક્ષણાએ વર્ષો પછી ‘ફિલ્મફેર’ સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું એમને એટલો પ્રેમ કરતી હતી કે બીજા કોઇને ચાહી શકું એમ ન હતી.
સંજીવકુમારનું બાયપાસનું ઓપરેશન થયા પછી એક દિવસ અમે હનુમાનજીના મંદિરે ગયા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું તમને ચાહું છું. તમે મારી માંગમાં સિંદુર ભરી દો. તમે મારી સાથે લગ્ન કરી લો, જેથી હું તમારી વધારે સંભાળ રાખી શકું. ત્યારે એમણે મારો પ્રસ્તાવ ઠુકરાવીને કહ્યું હતું કે હું મારો પહેલો પ્રેમ ભૂલી શકું એમ નથી. સંજીવકુમારની જેમ સુલક્ષણા પંડિતે પણ બીજા કોઇ સાથે લગ્ન કર્યા નહીં.
સંજીવકુમારના અવસાન પછી સુલક્ષણા ડિપ્રેસનમાં આવી ગઇ હતી. સુલક્ષણાને લાગતું હતું કે જિંદગી વેરાન થઇ ગઇ છે. તેણે બહારની દુનિયા સાથેનો નાતો તોડી નાખ્યો હતો. લાંબા સમય પછી તેની માનસિક સ્થિતિ સામાન્ય બની હતી. આ અજીબ પ્રેમકહાનીમાં છેલ્લે થયું એવું કે સંજીવકુમાર હેમામાલિનીનો પ્રેમ ભૂલી ના શક્યા એટલે સુલક્ષણાને મળ્યા નહી અને સુલક્ષણાને સંજીવકુમાર ના મળ્યા એટલે તેણે ક્યારેય લગ્ન કર્યા નહીં.
– રાકેશ ઠક્કર (વાપી)