આમિર ખાન- માધુરી દીક્ષિતની ફિલ્મ ‘દિલ’ (૧૯૯૦) ના દરેક ગીત લોકપ્રિય થયા હતા. એના ગીતોની વિશેષતા એ હતી કે ગીતકાર સમીર અંજાને દરેકમાં ‘દિલ’ શબ્દ આવે એનું ધ્યાન રાખ્યું હતું. એ પછી સમીરે ફિલ્મ ‘સાજન’ (૧૯૯૧) ના ગીતમાં પણ સાજન શબ્દ આવે એવી રીતે ગીત લખ્યા હતા. ગીતકાર સમીરને જ્યારે ટ્યુન સંભળાવીને સ્થિતિ બતાવવામાં આવી ત્યારે ‘દિલ’ નું ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે’ ગીત લખીને આપ્યું હતું. ફિલ્મના નિર્માતા ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરીયા હતા. એમને ફિલ્મના આ સૌથી પહેલા લખાયેલા અને ટાઇટલ ગીતમાં કોઈ વિશેષતા લાગી નહીં.
એમનું કહેવું હતું કે એમાંની પહેલી લાઇન ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે’ કાઢી નાખો. ફિલ્મી ગીતોમાં પાંચસો વખત નીંદ અને ચેન શબ્દોનો ઉપયોગ થઈ ચૂક્યો છે. એમાં કોઈ નવીનતા નથી. એમણે સમીરને બીજા શબ્દો વાપરવાનું કહી ફરી લખવા કહ્યું. સમીરે ઘણી બધી પંક્તિઓ લખી પણ મીટર પર બરાબર લાગતી નથી. દરમ્યાનમાં ગીતનું શૂટિંગ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. નિર્માતાએ કંટાળીને કહ્યું કે હમણાં ગીત રેકોર્ડ કરીને ફિલ્માંકન કરી લઈએ. પછીથી જો થિયેટરમાં લોકોને પસંદ નહીં આવે તો કાઢી નાખીશું. ઉદીત નારાયણ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં ગીત રેકોર્ડ કરી દેવામાં આવ્યું.
ફિલ્મ રજૂ થયા પછી ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચેન ન આયે, કોઈ જાએ જરા ઢૂંઢ કે લાયે, ન જાને કહાં દિલ ખો ગયા’ ગીત બહુ પસંદ આવ્યું હતું. ત્યારથી નિર્માતાએ કાન પકડ્યા હતા કે સમીરે લખેલા ગીતના શબ્દોમાં ફેરફાર કરવો નહીં. એ જે લખીને આપે એ લઈ લેવાનું. ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ ગીતકાર તરીકે આ ગીત માટે સમીરનું નામાંકન થયું હતું. અસલમાં આ ગીતની આખી ધૂન પંજાબી ગાયક ચન્ની સિંહના ‘આલાપ’ આલબમના ‘ચૂન્ની ઊડ ઊડ જાયે’ ની ડીટ્ટો નકલ હતી.
સમીરને ઘણા નિર્માતાઓએ જે-તે સમય પર લોકપ્રિય થયેલા ગીતો જેવું ગીત લખવાની ફરમાઇશ કરી ત્યારે પૂરી કરવી પડી હતી. જ્યારે ‘મુન્ની બદનામ હુઈ’ લોકપ્રિય થયું ત્યારે એમણે એવું જ ‘અનારકલી’ ગીત ‘હાઉસફુલ 2’ (૨૦૧૨) માટે લખવું પડ્યું હતું. ‘અરે છોડ છાડ કે આપણે સલીમ કી ગલી, અનારકલી ડિસ્કો ચલી’ ગીતનું ફિલ્માંકન મલાઇકા પર જ થયું હતું. અનારકલી નામને કારણે આ ગીત ઉપર કેસ થઈ ગયો હતો. જ્યારે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જાણીતું થયું ત્યારે ‘રાજા બાબૂ’ (૧૯૯૪) માટે ‘સરકાઇલો ખટિયા જાડા લગે’ લખવું પડ્યું હતું. સમીરનું કહેવું હતું કે એમણે લોકગીત પ્રકારનું ગીત લખ્યું હતું પણ નિર્દેશક ડેવિડ ધવને એનું ફિલ્માંકન ખોટી રીતે કર્યું હતું. તેથી તેને અશ્લીલ ગણવામાં આવ્યું હતું. સમીરે ગોવિંદાની ‘દુલ્હે રાજા’ (૧૯૯૮) માટે ‘કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી’ લખ્યું ત્યારે એક સમાજે કેસ કરી દીધો હતો.