ગાયક અનવરે કારકિર્દીમાં ભૂલ કરી

‘હમ સે કા ભૂલ હુઇ’ ના ગાયક અનવરની કારકિર્દી મોહમ્મદ રફી જેવા અવાજને કારણે જલદી શરૂ થઇ ન હતી પણ પાછળથી એ કારણે જ તક મળવા લાગી હતી. જોકે, વર્ષો પછી મો. રફી જેવા અવાજના બીજા ગાયકને તક આપવાની મોટી ભૂલ કરી હતી. પિતા આશિક હુસૈન સંગીતકારોને ત્યાં વાદ્ય વગાડતા હતા. એમણે ગાવાનો શોખ ધરાવતા પુત્ર અનવરને દસ વર્ષ સુધી ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન પાસે મૂકીને તાલીમ અપાવી. યુવાન થયો ત્યારે સ્ટેજ કાર્યક્રમોમાં ગાવા લાગ્યો હતો પછી ફિલ્મોમાં ગાવાની ધૂન લાગી હતી. દરમ્યાનમાં સંઘર્ષ કરતા સંગીતકાર કમલ રાજસ્થાની સાથે મુલાકાત થઇ.

કમલને અનવરનો અવાજ ગમ્યો. એને તાલીમ આપવા સાથે ડમી ગીત ગવડાવતા હતા. જેનું પાછળથી મોટા ગાયક પાસે રેકોર્ડિંગ કરાવતા હતા. કમલને જ્યારે ફિલ્મ ‘મેરે ગરીબ નવાઝ’ (૧૯૭૩) માં સંગીત આપવાની તક મળી ત્યારે અનવર પાસે પહેલી વખત ‘કસમેં હમ અપની જાન કી’ ગઝલ ગવડાવી. અસલમાં અનવર પાસે ‘કલ મેરી તરાહ’ ગીતનું રિહર્સલ કરાવ્યું હતું. એ મુખ્ય હીરો પર ફિલ્માવવામાં આવનાર હોવાથી મો.રફી પાસે ગવડાવ્યું હતું. મો.રફી જ્યારે આ ફિલ્મના ગીતો ગાવા ગયા ત્યારે ત્યાં અનવરે ગાયેલું ગીત સાંભળી નવાઇ વ્યક્ત કરી હતી કે આવું ગીત મેં ગાયું નથી. તેમને જ્યારે નવા ગાયક અનવરનો અવાજ હોવાની ખબર પડી ત્યારે પ્રશંસા કરી હતી. પરંતુ જ્યારે અનવરે કામ મેળવવા પોતાના પહેલા ગીતની રેકોર્ડ સંગીતકાર જયદેવને સંભળાવી ત્યારે એમણે કહ્યું કે આ તો મો.રફીનું ગીત છે. તારા અવાજનું ક્યાં છે? બીજા સંગીતકારોએ એવો જ પ્રતિભાવ આપ્યો. કેઅને કહ્યું કે મો.રફી સાહેબ છે તો અમે તારી પાસે શા માટે ગવડાવીએ?

અનવરે ઘણા સંગીતકારો સાથે મુલાકાત કરી પણ મો. રફી જેવા અવાજને કારણે એમણે તક ના આપી. અનવરે અભિનેતા મહેમૂદની મુલાકાત કરી ત્યારે એ ‘કુંવારા બાપ’ (૧૯૭૪) બનાવી રહ્યા હતા. એમણે પણ અવાજ સાંભળીને કહી દીધું કે રફી સાહેબ જેવો અવાજ છે પણ સરસ છે. એમણે ‘જનતા હવાલદાર’ (૧૯૭૯) માં તક આપવાનું વચન આપ્યું. અનવરે સંઘર્ષ ચાલુ રાખ્યો અને રાહ જોઇ. ફિલ્મ શરૂ થઇ ત્યારે મહેમૂદે અનવરને સંગીતકાર રાજેશ રોશન પાસે મોકલ્યો. એમને અનવરનો કોઇ પરિચય મેળવવાની જરૂર ના લાગી અને ગીતોનું રિહર્સલ કરાવવાનું શરૂ કરી દીધું. એમણે પહેલું ગીત ‘તેરી આંખોં કી ચાહત મેં’ રેકોર્ડ કર્યું અને જ્યારે મહેમૂદે શુટિંગ કરતા રાજેશ ખન્નાને સંભળાવ્યું ત્યારે એમણે એમ કહ્યું કે ઘણા દિવસો પછી રફી સાહેબે બહુ મૂડમાં ગાયું છે! એ પછી અનવરનું બીજું ગીત ‘હમ સે કા ભૂલ હુઇ’ રેકોર્ડ થયું ત્યારે સંગીત ક્ષેત્રમાં એના નામની ધૂમ મચી ગઇ. હવે સંગીતકારો મો.રફી જેવો અવાજ હોવાથી અનવરની પાસે ગીતો ગવડાવવા લાગ્યા.

અનવર માને છે કે પછી કારકિર્દીમાં ભૂલ કરી નાખી. જ્યારે મનમોહન દેસાઇએ ‘નસીબ’ (૧૯૮૧) માટે બોલાવ્યો અને ‘જિંદગી ઇમ્તિહાન લેતી હૈ’ ગવડાવ્યું ત્યારે રૂ.૬૦૦૦ માગ્યા. આ વાતથી મનમોહનને ખરાબ લાગ્યું કે બીજા પાસે રૂ.૫૦૦૦ લે છે તો મારી પાસે કેમ વધારે માગે છે. એમણે અનવર પાસે ન ગવડાવવાનો નિર્ણય કર્યો અને નવી ફિલ્મ ‘કુલી (૧૯૮૩) અને ‘મર્દ’ (૧૯૮૫) માટે મો.રફી જેવો જ અવાજ ધરાવતા શબ્બીરકુમારને તક આપી. એ ગીતોની લોકપ્રિયતાથી એક નવા મો. રફીનો ઉદય થયો હોવાની હવા ચાલી. રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમ રોગ’ (૧૯૮૨) ના બધાં જ ગીતોનું રિહર્સલ અનવરે કર્યું હતું અને એક ગીત ‘યે પ્યાર થા’ રેકોર્ડ થઇ ગયું હતું. પરંતુ જ્યારે ફી માગી ત્યારે રિશી કપૂરને ગુસ્સો આવ્યો. એમનું કહેવું હતું કે રાજજીની ફિલ્મ માટે ગાવું એ સન્માનની વાત હોય છે. અને એમણે બાકીના ગીતો સુરેશ વાડકર પાસે ગવડાવ્યા. અનવર માને છે કે ભાવતાલ કરતાં ના આવડ્યું અને બેવકૂફીને કારણે કામ મળતું બંધ થઇ ગયું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]