અમિતાભે સિપ્પી પાસે ‘શક્તિ’ માગી

નિર્દેશક રમેશ સિપ્પીએ ફિલ્મ ‘શક્તિ’ (૧૯૮૨) માટે અમિતાભ- સ્મિતાને બદલે પહેલાં બીજા નવા કલાકારોને રાખ્યા હતા. અને મૂળ વાર્તા પણ દક્ષિણની એક ફિલ્મની હતી. પાછળથી એ રીમેકનો વિચાર પડતો મૂક્યો હતો. રમેશ યુવાન હતા ત્યારથી દિલીપકુમાર સાથે કામ કરવાનું સપનું હતું. તે ‘મધર ઇન્ડિયા’ જેવી એક ફિલ્મ બનાવવા માગતા હતા. એમણે શિવાજી ગણેશનની તમિલ ફિલ્મ જોઇ અને એના વિશે લેખક જોડી સલીમ- જાવેદને વાત કરી. તેઓ વાર્તા તૈયાર કરવા લાગ્યા. એ ફિલ્મને હિન્દીમાં બનાવવાના અધિકાર પણ રમેશ સિપ્પીએ ખરીદી લીધા હતા. એમાં એક એવા પ્રામાણિક પોલીસ અધિકારીની વાત હતી જેમનો પુત્ર ખોટા રસ્તે જાય છે.

સલીમ- જાવેદ દ્વારા જ્યારે સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી ત્યારે મૂળ વિચાર એ જ રહ્યો પણ આખી વાર્તા બદલાઇ ગઇ હતી. એ નવી જ ફિલ્મ બને એમ હોવાથી નિર્માતા મુશીર – રિયાઝે દક્ષિણની ફિલ્મના અધિકાર એના નિર્માતાને પરત કરી દીધા. એ તમિલ ફિલ્મની રીમેક પાછળથી હિન્દીમાં જીતેન્દ્ર સાથે બની હતી. પિતાની ભૂમિકામાં દિલીપકુમાર અને એમની પત્ની તરીકે રાખીને લેવામાં આવ્યા હતા. પુત્રની ભૂમિકામાં પહેલાં અમિતાભ બચ્ચનનો વિચાર કરવામાં આવ્યો. પરંતુ અમિતાભ એટલા મોટા સ્ટાર બની ચૂક્યા હતા કે એમના કે એના ચાહકો માટે આ યોગ્ય ભૂમિકા લાગી ન હતી. સિપ્પીએ કોઇ નવા ચહેરાને લેવાનું મન બનાવ્યું.

સલીમ- જાવેદે દિલ્હીમાં નાટકમાં કામ કરતા રાજ બબ્બરનું કામ જોયું હતું એટલે એના નામની ભલામણ કરી. રાજનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો અને એ પસંદ થઇ ગયો. એ જ રીતે હીરોઇન તરીકે નીતૂ સિંહની પસંદગી થઇ હતી. જ્યારે અમિતાભને સિપ્પીની આ વાતની ખબર પડી ત્યારે એમણે પોતાને ફિલ્મ કેમ ના ઓફર કરી એવો સવાલ કર્યો હતો. રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહ્યું છે કે જો અમિતાભ સામે ચાલીને કામ માગવા આવ્યા ન હોત તો અમે એમને દિલીપકુમારના પુત્રની ભૂમિકામાં લીધા ન હોત. વિતરકો પણ અમિતાભ આવવાથી ખુશ થયા હતા. કેમકે રાજ બબ્બરનું એટલું નામ ન હતું. રાજે પાછળથી સ્વીકાર્યું હતું કે વ્યવસાયિક રીતે એ સમય પર અમિતાભની પસંદગી યોગ્ય હતી. ‘શક્તિ’ નું શુટિંગ શરૂ થવાનું હતું ત્યારે નીતૂ સિંહે લગ્ન કરી લીધા હોવાથી કામ કરવા બાબતે અસમર્થતા જાહેર કરીને ના પાડી દીધી. નીતૂની જગ્યાએ કોઇ બીજી નવી છોકરીની શોધ થઇ રહી હતી ત્યારે સલીમ- જાવેદે ફિલ્મ ‘મંથન’ (૧૯૭૬) જોઇને સ્મિતા પાટિલનું નામ સૂચવ્યું અને અમિતાભની સામે સ્મિતાની પસંદગી કરવામાં આવી. સ્મિતા ત્યાં સુધી આર્ટ પ્રકારની ફિલ્મો કરતી હતી. આ એમની પહેલી સંપૂર્ણ વ્યવસાયિક ફિલ્મ બની હતી.