રિચા ચઢ્ઢાને પહેલી હિન્દી ફિલ્મ જલદી મળી ગઈ હતી પરંતુ એ પછી બે વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલ્હીમાં જન્મેલી રિચા કોલેજ સુધી અભ્યાસ કરીને પત્રકાર બનવાની ઈચ્છા લઈ મુંબઈમાં મીડિયાનો ડિપ્લોમા કોર્સ કરવા આવી હતી. એ સાથે થિયેટરમાં પણ શોખથી કામ શરૂ કર્યું હતું.
રિચાએ પુરુષો માટેના એક જાણીતા મેગેઝીનમાં ઇન્ટર્નશીપ પણ શરૂ કરી હતી. ત્યારે ખબર ન હતી કે એણે જે અભય દેઓલ સાથે મેગેઝીનમાં ફેશન ફીચર માટે ફોન પર વાત કરી હતી એની સાથે જ થોડા મહિનામાં ફિલ્મ કરવાની હતી. અભય દેઓલે ત્યારે રિચાને એમ કહીને ના પાડી હતી કે તેની ‘દેવ ડી’ આવે પછી લખજે.
કોલેજનો અભ્યાસ પૂરો કરી રિચા નાટકમાં કામ કરવા લાગી હતી. રિચાને જાણીતા થિયેટર કોચ અને નિર્દેશક બેરી જોનનું નાટક ‘બગદાદ કા ગુલામ’ મળ્યું હતું. એ નાટક જોવા માટે નિર્દેશક દીબાકર બેનર્જીના સહાયક કનુ બહેલ આવ્યા હતા. એમણે રિચાનું કામ જોયું અને ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ (૨૦૦૮) ના ઓડિશન માટે બોલાવી અને ‘ડોલી’ની ભૂમિકા માટે પસંદ કરી લીધી હતી. ફિલ્મનો હીરો એ જ અભય હતો જેનો એ એક સમય પર ઇન્ટરવ્યુ કરવાની હતી.
પહેલી ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ થિયેટરમાં બહુ ચાલી નહીં પરંતુ પાછળથી એક કલ્ટ ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મ ચાલી ન હોવાથી રિચાએ એમ માન્યું હતું કે તે આગળ ફિલ્મોમાં કામ કરી શકશે નહીં અને કોઈ ઓફર પણ આવી રહી ન હતી. તેથી માની લીધું હતું કે ફિલ્મોમાં કામ કરી શકશે નહીં એટલે ટીવીમાં, જાહેરાતોમાં અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એમાં બે વર્ષ નીકળી ગયા હતા અને એક જાહેરાતમાં એ અનુરાગ કશ્યપ સાથે કામ કરતી હતી ત્યારે એમણે ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ (2012) માં નગમા ખાતૂનની ભૂમિકા આપી હતી. એમાં યુવાનીના દિવસોમાં એક માતાની ભૂમિકા હોવા છતાં રિચાએ સ્વીકારી લીધી હતી.
આ ફિલ્મની સફળતા પછી રિચાનું નસીબ ચમકી ગયું હતું અને ફુકરે, રામલીલા વગેરે ફિલ્મો મળી હતી. ફિલ્મ ‘ફુકરે’ માં રિચાને પતિ પણ મળ્યો હતો. ફિલ્મને કારણે રિચા અને અલી ફઝલની મુલાકાત થઈ હતી અને બંને પરણી ગયા હતા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)