રાજકુમારે ઋષિદાની ‘આનંદ’ ગુમાવી

ઋષિકેશ મુખર્જીએ જ્યારે અમિતાભ બચ્ચન- રાજેશ ખન્ના સાથે ‘આનંદ’ (૧૯૭૧) નું નિર્માણ હાથ ધર્યું ત્યારે ‘ડૉ. પ્રકાશ કુલકર્ણી’ ની ભૂમિકા પહેલાં રમેશ દેવને જ સોંપવામાં આવી હતી. પછી પરિસ્થિતિ એવી ઊભી થઇ કે રાજકુમાર આવી ગયા અને વળી સંજોગો બદલાતાં રમેશ દેવ જ નહીં તેમની પત્ની સીમા દેવ પણ આવી ગયાં. એ દિવસોમાં રમેશ તાડદેવ સ્ટુડિયોમાં કામની શોધમાં જતા હતા. તે મરાઠી અભિનેતા હોવાથી હિન્દી બરાબર બોલી નહીં શકે એવી મન્યતાથી હિન્દી ફિલ્મોના નિર્માતા- નિર્દેશકો તેમને કામ આપતા ખચકાતા હતા.

રમેશ અગાઉ ઋષિદાને મળી ચૂક્યા હતા. દરમ્યાનમાં ઋષિદાને ‘આનંદ’ માટે એક મરાઠીભાષી અભિનેતાની જરૂર જણાઇ. દરમ્યાનમાં રમેશને તાડદેવ સ્ટુડિયોમાં જોયા એટલે બોલાવીને ભૂમિકાની ઓફર કરી. રમેશ એમની ફિલ્મમાં નાની ભૂમિકા કરવા માટે પણ તૈયાર હતા. ફિલ્મમાં રમેશની પત્નીની ભૂમિકા માટે ઋષિદાએ વીતેલા વર્ષોના અભિનેત્રી નિમ્મીને પસંદ કર્યા. નિમ્મીને જ્યારે ખબર પડી કે તેમના પતિની ભૂમિકા રમેશ દેવ કરવાના છે ત્યારે પોતે વરિષ્ઠ કલાકાર છે અને રમેશ નવા હોવાથી કોઇ સ્થાપિત અભિનેતાને પતિની ભૂમિકામાં લેવા માટે કહ્યું. ઋષિદાએ નિમ્મીને સમજાવ્યા કે રમેશ મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. અભિનયમાં ત્યાં એમનું મોટું નામ છે. ત્યારે નિમ્મીએ સ્પષ્ટ ના પાડી દીધી કે તે દિલીપકુમાર જેવા સ્ટાર અભિનેતાઓની અભિનેત્રી રહી ચૂક્યા હોવાથી નવા કલાકાર સાથે કામ કરવાનું શોભે એમ નથી.

રમેશ દેવ

એમણે અભિનેતા રાજકુમારનું નામ સૂચવ્યું. ઋષિદાએ કહ્યું કે તે સ્ટાર હોવાથી આ ભૂમિકા માટે તૈયાર નહીં થાય. ત્યારે રાજકુમાર પોતાના રાખીભાઇ હોવાનું કહી તેમને રાજી કરવાનો વિશ્વાસ અપાવ્યો અને મુલાકાત ગોઠવી આપી. જ્યારે ઋષિદાએ ‘ડૉકટર’ ના પાત્રની માહિતી આપી ત્યારે રાજકુમારે કહ્યું કે ભૂમિકા ખાસ મોટી નથી પણ એને મોટી કરી શકાય એમ છે. અને નિમ્મી વિશે રાજકુમારે એમ કહ્યું કે એ જૂના જમાનાની અભિનેત્રી સાથે કામ કરવા ઇચ્છુક નથી. એ ઉપરાંત ફિલ્મની વાર્તામાં કેટલાક સુધારા સૂચવવા સાથે લગ્નની પાર્ટીના એક પ્રસંગમાં રાજેશ ખન્નાને બદલે પોતાના પર ગીત ફિલ્માવવાની સલાહ આપી.

ઋષિદાએ વિચાર્યું કે માત્ર વાર્તા સાંભળીને જ રાજકુમારે ઘણા ફેરફાર સૂચવ્યા છે. જો એમને લેવામાં આવશે તો ફિલ્મ પૂરી થતાં સુધીમાં આખી પટકથા બદલાવી નાખશે. રાજકુમાર સાથેની મુલાકાતથી નારાજ થયેલા ઋષિદા સીધા રમેશ દેવના ઘરે પહોંચી ગયા અને રમેશને પૂછ્યું કે તારી પત્નીની ભૂમિકા માટે તારી પત્ની સીમાનું નામ કેમ ના આપ્યું? ત્યારે રમેશે એમ કહેવાની પોતાની હેસિયત ન હોવાની સાચી વાત કહી દીધી. વળી પત્નીની ભૂમિકા માટે નિમ્મીનું નામ નક્કી થઇ ગયું હોવાથી સીમાના નામનું સૂચન કરી શકે એમ ન હતા. રમેશ અને સીમાએ ‘આનંદ’ માં પતિ-પત્નીની ભૂમિકા એટલી સહજતાથી ભજવી કે આજે પણ રાજકુમાર- નિમ્મી કરતાં એમની પસંદગી વધુ યોગ્ય હોવાનું માનવામાં આવે છે.