પંકજ ત્રિપાઠીની કારકિર્દી ‘લક્ષ્ય’ થી શરૂ થઈ શકી ન હતી!

અભિનેતા પંકજ ત્રિપાઠીની અસલ અટક બીજી જ છે અને પહેલી ફિલ્મમાંથી એમની ભમિકા જ કપાઈ ગઈ હતી. પંકજના જીવના અને કારકિર્દીની અનેક વાતો રસપ્રદ રહી છે. પંકજ દસમા ધોરણ માટે ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે એમની અટક તિવારી હતી. ગામમાં બે ત્રિપાઠી હતા. એક સરકારી અધિકારી બન્યા હતા અને બીજા પ્રોફેસર તરીકે હતા. આમ તો બંને એક જ સરખી અટક ગણાતી રહી છે.

ગામમાં જેટલા પણ તિવારી હતા એ પૂજાપાઠ કે ખેતીનું કામ કરતાં હતા. તેથી આ અટકનું ચક્કર હોવાનું લાગ્યું અને પોતાને પૂજા પાઠ કે ખેતીનું કામ કરવું ન હોવાથી અટક બદલવાનો ઉપાય અજમાવ્યો. પોતાનું નામ પંકજ ત્રિપાઠી લખ્યું પછી થયું કે પિતાનું નામ બનારસ તિવારી લખીશ તો પરીક્ષાનું ફોર્મ રદ થઈ શકે છે. એટલે પિતાની પણ અટક બદલીને નામ પંડિત બનારસ ત્રિપાઠી લખી દીધું હતું. જે એમના માટે પણ કાયમ માટે રહી ગયું છે.

મોટા માણસ બનવા માટે પંકજે અટક બદલી હતી પણ જ્યોતિષીએ એક વખત હાથ જોઈને કહ્યું હતું કે તે અભિનેતા બની શકશે નહીં. એ ખોટું પડ્યું હતું. ગામમાં આવતા નાટકોમાં રસ પડ્યો હતો. પહેલાં એને જોતાં રહ્યા અને પછી એમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એક નાટકમાં કામ કર્યા પછી અખબારમાં નામ સાથે સમીક્ષકે લખ્યું હતું કે એનામાં અપાર સંભાવના છે. એ વાતને સાબિત કરવા એ મુંબઇ પહોંચી ગયા હતા.

એક જાહેરાતમાં કામ કર્યા પછી પંકજે પહેલી વખત ફરહાન અખ્તર નિર્દેશિત ફિલ્મ ‘લક્ષ્ય’ (2004) માટે ઓડિશન આપ્યું હતું અને ‘સૂબેદાર’ નું પાત્ર મળ્યું હતું. પરંતુ પહેલી જ ફિલ્મમાંથી ભૂમિકા કપાઈ ગઈ હતી. પંકજે રિતિક રોશન સાથે શુટિંગ કર્યું હતું. ફિલ્મ જ્યારે રજૂ થઈ ત્યારે પંકજનું પાત્ર એડિટિંગમાં નીકળી ગયું હતું. એ પછી ફિલ્મ ‘રન’ (2004) માં કામ મળ્યું હતું અને એના માટે રૂ.8000 ની ફી મળી હતી.

પંકજે એક મુલાકાતમાં એ કિસ્સો પણ જણાવ્યો હતો. 2003-04 ના વર્ષની વાત છે. એન.એસ.ડી. માંથી પાસ થયાના થોડા સમય પહેલા તે હોસ્ટેલમાં સૂઈ રહ્યો હતો. અચાનક કોઈએ ત્યાં જાહેરાત કરી કે એક ફિલ્મના 2 દ્રશ્યો માટે એક અભિનેતાની શોધ ચાલે છે. પંકજે કેટલા પૈસા મળશે એમ પૂછ્યું ત્યારે એણે એક દિવસ માટે રૂ.4000 કહ્યા. પંકજે ફિલ્મ ‘રન’ માટે 2 દિવસમાં 2 દ્રશ્યો કર્યા. ફિલ્મ રજૂ થઈ ત્યારે એમાં પંકજનો અવાજ આવ્યો નહીં. ત્યારે પંકજ દિલ્હીમાં રહેતો હોવાથી એના માટે ડબ કરવા બીજા કોઈને બોલાવ્યા હતા. પંકજને ‘રન’ માટે રૂ.8000 નો ચેક મળ્યો હતો એના પર નિર્માત્રી શ્રીદેવીના હસ્તાક્ષર હતા.

અસલમાં ફિલ્મના ક્રૂમાંથી કોઈ આવ્યું હતું. તેણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું હતું કે આસપાસ કોઈ અભિનેતા રહે છે? ગાર્ડે કહ્યું હતું કે ત્યાં એક વ્યક્તિ સૂઈ રહ્યો છે. તેનું નામ પંકજ ત્રિપાઠી છે. તે સારી કોમેડી કરે લે છે. તેથી પેલો માણસ એની પાસે આવ્યો હતો અને ફિલ્મ ‘રન’ મળી હતી. પંકજે ફિલ્મોમાં કામ મેળવવા માટે 2004 થી 2012 સુધી 8 વર્ષનો સંઘર્ષ કરવો પડ્યો હતો. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012) થી ઠીક કહી શકાય એવી શરૂઆત થઈ હતી. ત્યારે પંકજ એક સિરિયલમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા હતા અને ટીવીમાં આવતી દૈનિક સિરિયલમાં વધારે સમય જતો હતો. ત્યારે નિર્દેશક અનુરાગ કશ્યપની મોટી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં ‘સુલતાન કુરેશી’ ની ભૂમિકા મળી હતી.

પ્ંકજે નિર્દેશકને કહ્યું કે તે સિરિયલ છોડી રહ્યા છે. પરંતુ નિર્દેશક માની રહ્યા ન હતા. એમણે પંકજને કહ્યું કે સિરિયલમાં તું વિલન છે અને હીરોઇનના લગ્ન થવાના છે. જો તારું પાત્ર નહીં હોય તો હીરોઈનને રોકશે કોણ? પંકજે કહી દીધું કે હું હીરોઇનના લગ્ન અટકાવવા રહી શકું એમ નથી. મારે ફિલ્મ કારકિર્દી પર ધ્યાન આપવું છે. અને પંકજે સિરિયલ છોડી દીધી ત્યારે નિર્દેશકે એમાં એના ભાઈના પાત્ર દ્વારા હીરોઇનના લગ્ન અટકાવવાનું દ્રશ્ય પૂરું કર્યું હતું. જ્યારે પંકજ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં કામ કરવા ગયા ત્યારે ભૂમિકા કસાઈ જેવી હિંસક છે એની ખબર ન હતી અને અસલ લોકેશન પર એનું શુટિંગ થયું હોવાથી કામ મુશ્કેલ બન્યું હતું. એ પછી પણ પ્રચાર પ્રસારની આવડત કે માધ્યમ ન હોવાથી એક અભિનેતા તરીકે સ્થાન બનાવવા ઘણો સંઘર્ષ કર્યો હતો.