અભિનેત્રી બિંદુએ મજબૂરીમાં નાની ઉંમરે અભિનયમાં આવવાની ફરજ પડી હતી. પિતા નાનુભાઇ દેસાઇ નિર્માતા હતા અને માતા જ્યોત્સના નાટ્ય અભિનેત્રી હતા. પિતા નાનુભાઇ બિંદુને ડૉકટર બનાવવા માગતા હતા. બિંદુને અભિનયમાં શોખ હતો અને સ્કૂલના નાટકોમાં ભાગ લઇને પુરસ્કાર જીતતી હતી. વૈજયંતિમાલા એની આદર્શ હતી. વૈજયંતિમાલાની સુંદરતા અને ડાન્સની બિંદુ મોટી ચાહક હતી. શાળાની બહેનપણીઓ એને ફિલ્મોમાં કામ કરવા સૂચન કરતી હતી. ત્યારે પોતે અભિનેત્રી બનશે એમ વિચારીને ખુશ થતી હતી. પરિવારમાં એની છ બહેનો અને એક ભાઇ હતો. એમાં બિંદુ સૌથી મોટી બહેન હતી. તે નાની હતી ત્યારે પિતા નાનુભાઇ બીમાર પડ્યા અને બિંદુને કહ્યું કે તું મારા માટે પુત્ર સમાન છે.
મારા ગયા પછી તું પરિવારની સંભાળ લેજે. તે ૧૧ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું. તેનું શરીર એવું ભરાયેલું હતું કે ૧૬ વર્ષની લાગતી હતી. એણે ઘર સંભાળવા મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું. નિર્દેશક મોહનકુમારે એને ફિલ્મ ‘અનપઢ’ (૧૯૬૨) માં માલા સિંહાની પુત્રીની ભૂમિકામાં તક આપી એ પહેલાં તેણે કેટલીક ડોક્યુમેન્ટ્રીમાં પણ કામ કર્યું. પહેલી જ ફિલ્મમાં બિંદુ પર લતા મંગેશકરે ગાયેલું લોકપ્રિય ગીત ‘જીયા લે ગયો જી મોરા સાંવરિયા’ ફિલ્માવવામાં આવ્યું હતું. એ પછી સમય અને સંજોગ એવા બદલાયા કે ફરીથી સ્કૂલ જવા લાગી. તેની ઉંમર એવી હતી કે ના બાળકી હતી ના યુવાન છોકરી. તેને કોઇ ભૂમિકા મળે એમ ન હતી. તે ૧૬ વર્ષની હતી ત્યારે ફિલ્મોમાં કામ કરવાનું સપનું બાજુ પર રહી ગયું અને પ્રેમમાં પડી ગઇ.
કિશોર વયની બિંદુની મુલાકાત પડોશી વ્યવસાયી ચંપકલાલ ઝવેરી સાથે થઇ અને ઉંમર પાંચ વર્ષ વધુ હોવા છતાં એમના પ્રેમમાં પડી ગઇ. બિંદુએ એના પ્રેમની અનેક વખત કસોટી કરી અને લગ્ન કરવામાં મોડું કર્યું. છતાં ચંપકલાલે હાર ના માની. આખરે એણે બિંદુનું દિલ જીતી લીધું. બિંદુએ લગ્ન કરવાની વાત પરિવારમાં જણાવી ત્યારે બહુ વિરોધ થયો. બિંદુએ બધાંના વિરોધ છતાં ચંપકલાલ સાથે લગ્ન કરી લીધા. લગ્નના એક વર્ષ પછી નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ ‘દો રાસ્તે’ (૧૯૬૯) ની ઓફર આવી.
સામાન્ય રીતે લગ્ન કરનાર યુવતીને હીરોઇનની ભૂમિકા મળતી નથી એટલે પતિની સંમતિથી તેણે ‘દો રાસ્તે’ ની વેમ્પની ભૂમિકા પ્રયોગ ખાતર સ્વીકારી લીધી અને ફિલ્મોમાં આવી ગઇ. પછી એવી જ ભૂમિકાઓ ઘણી ફિલ્મોમાં નિભાવી. તેને ડાન્સર બનાવનાર નિર્દેશક શક્તિ સામંતા હતા. એમણે ફિલ્મ ‘કટી પતંગ’ (૧૯૭૧) એવી શરત સાથે કરવા કહ્યું કે ડાન્સ આવડતો હોવો જોઇએ. બિંદુએ હેલનના ગીતોમાંથી પ્રેરણા લીધી અને રોબર્ટ માસ્ટર પાસે સતત ત્રણ દિવસ સુધી ડાન્સ શીખ્યો અને ‘કટી પતંગ’ મેળવી લીધી. તેને ફિલ્મની ‘શબનમ’ ની ભૂમિકા અને ‘મેરા નામ હૈ શબનમ’ ગીતથી ઘણી લોકપ્રિયતા મળી.