આમિર ખાનની ફિલ્મ ‘ગજની’ (2008) નું ‘ગુઝારીશ’ ગીત ગાયક જાવેદ અલીના જીવનમાં બહુ મહત્વનું બની રહ્યું હતું. અસલમાં એ ગીત પહેલાં અન્ય ગાયકના સ્વરમાં હતું પણ પછી જાવેદ અલીને મળ્યું હતું. જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આમિર ખાન, સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર પ્રસૂન જોશી અને ગાયક જાવેદ અલી હાજર હતા. પહેલાં આ ગીતના 6-7 મુખડાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી અંતે ‘ગુઝારીશ’ શબ્દોનું મુખડું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે જાવેદ પાસે જ આખું ગીત ગવડાવવાનું નક્કી ન હતું. બધાએ વિચારીને જાવેદનું નામ નક્કી કર્યું હતું. કેમકે એનો અવાજ અનોખો અને અલગ લાગી રહ્યો હતો.
આમિરે ગીતના ‘ટકરાના’ જેવા શબ્દોના ગાયનમાં જાવેદને ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. ‘ટકરાના’ શબ્દ બહુ કઠિન હતો અને જાવેદ ઝડપી રીતે બોલી રહ્યો હતો એને સોફ્ટ રીતે ધીમેથી ગાવા કહ્યું હતું. જાવેદે પોતાની બધી જ ક્ષમતાનો ઉપયોગ કરીને આ ગીત ગાયું હતું અને લોકપ્રિય બન્યું હતું. જાવેદે આ ગીતનું એક રહસ્ય ઉજાગર કરતાં કહ્યું કે અસલમાં ફિલ્મમાં જે જગ્યાએ આ ગીત આવે છે એ સોનૂ નિગમે ગાયું હતું. પરંતુ એના શબ્દો બદલવાનો નિર્ણય થયો હતો. તેથી બીજા ગાયકનો પ્રયોગ કરવાનું નક્કી થયું હતું. જાવેદે રહેમાનના સંગીતમાં આગાઉ ‘જોધા અકબર’ માટે ‘જશ્ને બહારા’ (2008) ગીત ગાયું હતું અને એનો ટોન બહુ ગમ્યો હતો. તેથી જાવેદને બોલાવવામાં આવ્યો હતો અને એના સ્વરમાં ‘ગુઝારીશ’ તૈયાર થયું હતું.
બીજી રસપ્રદ વાત એ છે કે અગાઉના ગીતમાં સોનૂનો જે આલાપ હતો એ એટલો સરસ હતો કે એને જ ‘ગુઝારીશ’ માં રાખવામાં આવ્યો હતો. જાવેદે ‘ગુઝારીશ’ ગીત ગાયું એ પહેલાં એ.આર. રહેમાન સાથે અમેરિકાની ટૂર પર જવાનું નક્કી હતું. તે નવો હોવાથી રહેમાન સાથે સંગીત ટૂર પર જવાનો એને બહુ ઉત્સાહ હતો. પરંતુ કોઈ કારણથી જાવેદનું નામ એ ટૂરમાંથી નીકળી ગયું અને એને અમેરિકા જવાની તક મળી ન હતી. જ્યારે જાવેદે કારણ પૂછ્યું ત્યારે રહેમાને કહ્યું હતું કે ભગવાનની એવી ઈચ્છા હશે કે તું હવે પછી અમારા સંગીતના કાર્યક્રમોમાં તેં પોતે ગાયેલા ગીતો ગાઈ શકે. અને થોડા જ સમયમાં એ વાત સાચી પડી હતી. એના એક પછી એક ગીતો લોકપ્રિય થયા હતા. જાવેદ જ્યારે ‘ગજની’ માટે ગીત રેકોર્ડ કરતો હતો ત્યારે ઘર લેવા લોન લીધી હતી.
જાવેદે રહેમાન સાથે ઘણા ગીતો ગાયા હતા એટલે એમને વાતવાતમાં કહ્યું હતું કે લોન લઈને ઘર લીધું છે. ત્યારે રહેમાને એને કહ્યું હતું કે ‘ગુઝારીશ’ ગીત બહાર આવ્યા પછી તારી સ્થિતિ એવી થશે કે બધી લોન ચૂકવી શકીશ. કેમકે આ ગીત આવ્યા પછી તારો ભાવ વધી જશે. ખરેખર એ ગીતની લોકપ્રિયતાએ જાવેદને વધારે કામ અપાવ્યું હતું અને એણે પોતાના ઘરની લોન ચૂકવી દીધી હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)