નિર્દેશક ગુલઝારની ફિલ્મ ‘અંગૂર'(૧૯૮૨) માં દેવેન વર્મા અને સંજીવકુમાર ડબલ રોલમાં હતા. ફિલ્મની ખાટી-મીઠી વાત એવી છે કે એમાં દેવેનના પાત્ર ‘બહાદુર’ ની એક ભૂલને તો સુધારવામાં આવી હતી. બીજી ભૂલ રહી ગઇ હોવા છતાં તેનો કોઇને ખ્યાલ આવ્યો ન હતો. ફિલ્મ ‘અંગૂર’ બનાવીને ગુલઝાર પોતાના ગુરૂથી એક ડગલું આગળ રહ્યા હતા.
અસલમાં નિર્માતા બિમલ રૉયની દેબૂ સેન નિર્દેશિત ફિલ્મ ‘દો દૂની ચાર'(૧૯૬૮) ની વાર્તા ગુલઝારે શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પરથી લખી હતી. એમાં કિશોરકુમાર અને અસિત સેનના ડબલ રોલ હતા. ત્યારે ગુલઝાર એમાં પોતાના મન મુજબ વાર્તા કહી શક્યા ન હતા. જ્યારે ચૌદ વર્ષ પછી પોતાના નિર્દેશનમાં એ જ નાટક પરથી ફિલ્મ ‘અંગૂર’ બનાવી ત્યારે એ વધુ સફળ રહી હતી. એની પટકથા લખવામાં નિર્દેશક દેબૂ સેન સહાયક રહ્યા હતા.
શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પરથી સૌપ્રથમ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરે એ નામથી બંગાળી નવલકથા લખી હતી. એના પરથી બંગાળી કોમેડી ફિલ્મ ‘ભ્રાંતિ બિલાસ’ બની હતી. એની રીમેકના રૂપમાં ‘દો દૂની ચાર’ બનાવવામાં આવી હતી. એમાં સૌથી વધુ ‘અંગૂર’ ને ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પરની શ્રેષ્ઠ અને બૉલિવૂડની મહાન કોમેડી ફિલ્મોમાં એક માનવામાં આવે છે.
ફિલ્મની શરૂઆતમાં સોળમી સદીના મોટા નાટ્ય લેખક તરીકે શેક્સપિયરનો ફોટો મૂકી તેમના નાટકનો ઉલ્લેખ કરીને ક્રેડિટ પણ આપવામાં આવી છે. શેક્સપિયર જ એક એવા લેખક હતા એમણે જોડિયા પાત્રોની જોડીઓ પર વાર્તા લખી હતી. ‘અંગૂર’ ના અંતિમ દ્રશ્યોમાં દેવેન અને સંજીવકુમારના બંને પાત્રો અલગ હોવાનું રહસ્ય ખોલવામાં આવ્યું હતું. ફિલ્મમાં દેવેન અને સંજીવકુમારના બંને પાત્રોમાં નામ અને કપડાં સરખા રાખવામાં આવ્યા હતા.
જ્યારે દેવેન વર્માએ પોતાના બંને પાત્ર ‘બહાદુર’ માટે ડબિંગ કર્યું ત્યારે બંને પાત્રો માટે ભૂલથી અલગ-અલગ રીતે ‘સા’ નો ઉચ્ચાર કરી દીધો હતો. ફિલ્મ તૈયાર થઇ ગઇ અને રજૂ થવાની હતી ત્યારે નિર્દેશક ગુલઝારના ધ્યાનમાં આ ભૂલ આવી. તેમણે જોયું કે બે પાત્ર વચ્ચે અવાજને કારણે તફાવત દેખાય છે. એ દેખાવો જોઇએ નહીં. ત્યારે દેવેન વર્મા ન્યુયોર્ક ગયા હતા ત્યાંથી તાત્કાલિક પાછા બોલાવીને ફરી ડબિંગ કરાવ્યું. જો કે ફિલ્મ રજૂ થયા પછી બે બહાદુરમાં બીજો એક તફાવત રહી ગયો હતો એ એમના ધ્યાનમાં આવ્યું. એમાં એકના શર્ટની આખી બાંય છે જ્યારે બીજાની સ્લીવ્સ થોડી વાળેલી રહી ગઇ હતી. સારી વાત એ રહી કે આ મુદ્દે તેઓ ચૂપ જ રહ્યા અને ભૂલ કોઇના ધ્યાન પર આવી નહીં. ગુલઝારે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ત્યારે એમાં ગીત-સંગીતને અવકાશ ન હતો. પરંતુ એચએમવી સંગીત કંપનીએ ત્રણ ગીત રાખવાનું સૂચન કર્યું એટલે આર.ડી. બર્મનના સંગીતમાં ત્રણ ગીત તૈયાર કરવામાં આવ્યા હતા. એમાં સપન ચક્રવર્તીએ ગાયેલું અને દેવેન વર્મા પર ફિલ્માવવામાં આવેલું ‘પ્રિતમ આન મિલો’ લોકપ્રિય રહ્યું હતું.