ગીતકાર સમીરે લખેલા ટાઇટલ ગીતો બહુ લોકપ્રિય રહ્યા છે પણ ઘણી ફિલ્મોના ટાઈટલ ગીત લખવાનું એમના માટે બહુ મુશ્કેલ પણ રહ્યું છે. ‘કુછ કુછ હોતા હૈ’ (1998) નું પહેલું ટાઇટલ મુખડું નિર્દેશક કરણ જોહરે પસંદ કર્યું ન હતું. ફિલ્મ માટે પહેલાં ગીતકાર તરીકે કરણે જાવેદ અખ્તરને નક્કી કર્યા હતા. જાવેદે એક શરત રાખી હતી. અને એમ કહ્યું હતું કે ફિલ્મની વાર્તા સારી છે પણ ટાઇટલ મને બિલકુલ પસંદ નથી. જો ટાઇટલ બદલશે તો કામ કરીશ. કેમકે જાવેદને એ ટાઈટલના શબ્દો અશ્લીલ લાગતા હતા.
કરણ ટાઇટલ બદલવા તૈયાર ના થયા અને ગીતકાર સમીરને બોલાવ્યા હતા. એમણે પહેલું ટાઇટલ ગીત જ લખ્યું. એનું મુખડું હતું,‘જુલ્ફોં કે સાયે રૂખ પે ગિરાયે શહદાઈ મેરે દિલ કો બનાએ, શબનમ કે મોતી પલ પલ પીરોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ’ અસલમાં સમીરને જાણવા મળ્યું હતું કે જાવેદ અખ્તરે ના પાડ્યા પછી એમની પાસે ફિલ્મ આવી છે એટલે જાવેદ જેવી ઊંડાણવાળી શેર શાયરી લખી. જેથી કરણ પ્રભાવિત થઈ જાય. જ્યારે કરણે મુખડું સાંભળ્યું ત્યારે એ નારાજ થઈ ગયો. એનો પ્રતિભાવ સમીરની કલ્પનાથી ઊંધો જ આવ્યો. એણે કહ્યું કે મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે યુવાન છો અને વાર્તા કોલેજના વિદ્યાર્થીઓની છે. તમે જે સરળ લખો છો એ સ્ટાઇલમાં જ ગીત જોઈએ છે. મારે એમાં કોઈ શેર શાયરી જોઈતી નથી.
સમીર ફરીથી નવું મુખડું ‘તુમ પાસ આયે યું મુસ્કુરાયે, તુમને ના જાને ક્યા સપને દીખાયે, અબ તો મેરા દિલ જાગે ના સોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ’ લખીને લઈ ગયા. પણ કહ્યું કે મને આ શબ્દો બહુ સરળ લાગે છે. લોકોને એમ નહીં લાગે ને કે આ કેવું ગીત લખ્યું છે? ત્યારે કરણે કહ્યું કે મને જે જોઈએ છે એ આ ગીતમાં મળી ગયું છે. હવે આ ગીતને વધારે સારું કરવાના ચક્કરમાં એને ખરાબ કરશો નહીં. અને એ શબ્દો સાથેનું ‘કુછ કુછ હોતા હૈ’ બહુ લોકપ્રિય રહ્યું. નિર્દેશક સંજય લીલા ભણશાલીએ ફિલ્મ ‘સાવરિયા’ (2007) માટે સાઇન કર્યા ત્યારે જ કહ્યું હતું કે ટાઇટલ ગીત લખવું એક પડકાર રહેશે. કેમકે આ સ્ત્રીલિંગ શબ્દ છે અને છોકરો ‘સાવરિયા’ ગાય છે.
સમીરે એ પડકાર ઝીલીને ટાઇટલ ગીત ‘સાવરિયા, ડોલી મેં બિઠા કે, સિતારોં સે સજા કે, જમાને સે ચુરાકે, લે જાયેગા સાવરિયા’ એવું લખ્યું કે ફિલ્મ ફ્લોપ રહી પણ ગીત પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘સોલ્જર’ (1998) નું ટાઇટલ ગીત લખવાનું સમીર માટે વધારે મુશ્કેલ રહ્યું હતું. કેમકે સોલ્જર પર દેશભક્તિ ગીત લખવાનું સરળ હતું પણ નિર્દેશક અબ્બાસ મસ્તાને રોમેન્ટિક ગીત લખવાનું સોંપ્યું હતું. સમીર અને સંગીતકાર અનુ માલિક ગીત તૈયાર કરવા કારમાં લોનાવાલા જઈ રહ્યા હતા ત્યારે સમીરે કહ્યું કે આખા ગીતનો વિચાર પછી કરીશું પહેલાં સોલ્જરના કાફિયા શોધવા પડશે. એ જલદી મળ્યા નહીં. બહુ મુશ્કેલીથી માત્ર એક ‘બોલકર’ શબ્દ મળ્યો. એક કાફિયાથી ગીત બનાવવું શક્ય ન હતું. અનુએ સોલ્જર, સોલ્જર ધૂન બનાવવાનું શરૂ કર્યું અને સમીરે ‘મીઠી બાતેં બોલકર’ પહેલાં લખ્યું. વળી બહુ વિચાર કર્યો અને ‘દેકે દર્દે જિગર આગે પીછે ડોલકર’ શબ્દો લખ્યા હતા. પછી આખું ગીત બહુ જલદી લખાઈ ગયું હતું.
