બાળ કલાકાર તરીકે અભિનય કરનાર એહમદ ખાન યુવાની શરૂ થતાં અચાનક જ ‘રંગીલા’ (1995) થી કોરિયોગ્રાફર બની ગયો હતો. સરોજ ખાને એહમદને સારી મદદ કરી હતી અને પોતાની ફિલ્મ આપી હતી. એહમદ 11 વર્ષનો હતો ત્યારે એક ફેશન શોમાં ડાન્સ કરી રહ્યો હતો. એમાં કાસ્ટીંગ ડાયરેક્ટર દિલશાદ પાંડેની એના પર નજર પડી અને નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ (1987) માં બાળ કલાકાર તરીકે પસંદ કરી લેવામાં આવ્યો. ફિલ્મમાં એહમદે સરોજ ખાનના માર્ગદર્શનમાં ડાન્સ કર્યો હતો.
સરોજ ખાન એની પ્રતિભાને ઓળખી ગયા હતા. સરોજે બાકી બાળકો માટે એહમદને મોનીટર બનાવી દીધો હતો. એ પછી બીજી બે-ત્રણ ફિલ્મો કરી અને આગળ ભણવાનું શરૂ કર્યું પણ એમાં રસ પડ્યો નહીં. એહમદે માતાને કહ્યું કે એને ભણવામાં નહીં ડાન્સમાં જ આગળ જવું છે. માતાએ સરોજ ખાનને વાત કરી. સરોજે કહ્યું કે એનામાં પ્રતિભા છે મારી સાથે મોકલી આપો. 16 વર્ષની ઉંમરે અમિતાભની ફિલ્મ ‘અકેલા’ માં એહમદે સરોજ ખાનના અન્ય સહાયકો સાથે કામ કરીને શરૂઆત કરી. ધીમે ધીમે સરોજ ખાન કેટલુંક કામ એહમદ પર છોડવા લાગ્યા હતા.
ત્રણ વર્ષ પછી રામગોપાલ વર્માએ ‘રંગીલા’ માટે સરોજ ખાનનો સંપર્ક કર્યો. સરોજ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતા. એમણે એહમદને કહ્યું કે તું બધી તૈયારી શરૂ કરી દે પછી હું આવીશ. બન્યું એવું કે એ તૈયારી દરમ્યાન વર્માને એહમદનું કામ ગમી ગયું અને કહ્યું કે ‘રંગીલા’ માં ડાન્સ ડાયરેક્ટર તું બનશે. એહમદ ચોંકી ગયો. એણે કહ્યું કે આ ફિલ્મ મારા ગુરુ સરોજ ખાનની છે. વર્માએ કહ્યું કે એમણે ના પાડી છે. એહમદ સરોજ પાસે ગયો અને કહ્યું કે વર્માજી મારી પાસે આખી ફિલ્મ કરાવવા માગે છે. સરોજે કહી દીધું કે તું ફિલ્મ કરી લે. આમ પણ મને દક્ષિણના એ ગીતોમાં બહુ મજા આવતી નથી. તું એક-બે ગીત કરીને આવી જજે. ત્યારે કોઈને ખબર ન હતી કે ‘રંગીલા’ એહમદનું જીવન બનાવી દેશે.
વર્માએ એહમદને ડાન્સના નિયમો તોડવાની પણ છૂટ આપી. એહમદને થયું કે ગીતો નહીં ચાલે તો એના પર માછલા ધોવાશે. ત્યારે વર્માએ પ્રોત્સાહન આપી કહ્યું કે ફિલ્મ માટે જો જેકી, આમિર કે ઉર્મિલા સવાલ કરશે તો એનો જવાબ મારે આપવાનો છે તારે નહીં. એહમદે પહેલી વખત ગીતોમાં મોટી ઉંમરના ડાન્સરને બદલે કોલેજના વિદ્યાર્થીઓને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે રાખ્યા. એટલું જ નહીં ગીતોમાં સ્ટાર્સ કરતાં એમના પર કેમેરો વધારે રાખ્યો.
સંગીતકાર એ. આર. રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ ‘રંગીલા’ હતી. એહમદે પહેલી વખત ગીતો સાંભળ્યા ત્યારે ખ્યાલ આવ્યો નહીં કે શબ્દો પર ધ્યાન આપે કે બીટ ઉપર પણ એણે કશુંક નવું કરવાનો પ્રયત્ન કર્યો અને દરેક ગીત સારા બન્યા. વર્માએ જ્યારે પહેલું ટ્રેલર બહાર પાડ્યું ત્યારે એમાં પહેલી વખત ‘કોરિયોગ્રાફર’ તરીકે એહમદ ખાનનું નામ આપ્યું અને એની ચર્ચા વધી ગઈ. ત્યારથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ માસ્ટરને બદલે ‘કોરિયોગ્રાફર’ નામ આપવાનું ચલણ શરૂ થયું.
એ સમય પર સરોજ ખાન એક ગીતના નૃત્ય નિર્દેશનના રૂ.25000 લેતા હતા. જ્યારે વર્માએ એને પણ એટલી જ ફી આપી ત્યારે એને એ સપના જેવું લાગ્યું હતું. અને એ રકમ સ્વીકારતા ખચકાયો હતો. ત્યારે વર્માએ એને કહ્યું હતું કે આ ફિલ્મ માટે એક ગીતના જે નક્કી કરવામાં આવ્યા છે એ જ તને આપવામાં આવ્યા છે. તારી જગ્યાએ સરોજ ખાન કે પ્રભુદેવાએ કામ કર્યું હોત તો એમને પણ એટલા જ આપવામાં આવ્યા હોત. અને પહેલી જ ફિલ્મથી એહમદ ખાને કોરિયોગ્રાફર તરીકે એટલી ફી શરૂ કરી દીધી હતી જેટલી વર્ષો પછી અન્ય કોરિયોગ્રાફરને મળતી હતી. ‘રંગીલા’ માટે એહમદને ટેકનીશીયનની શ્રેણીમાં 20 વર્ષની સૌથી નાની ઉંમરે શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો ‘ફિલ્મફેર’નો એવોર્ડ મળ્યો હતો. ત્યારે ઘણાને ખબર જ ન હતી કે એવોર્ડ લેનાર 20 વર્ષનો જ છે. જે ઓળખતા ન હતા તેઓ એમ માનતા હતા કે તે એહમદ ખાનનો પુત્ર છે અને એવોર્ડ લેવા આવ્યો છે. જ્યારે ખબર પડી કે ખરેખર એ જ છે ત્યારે જલદી સાચું માની શક્યા ન હતા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)