ધર્મેન્દ્રના પરિવારના ગુડ્ડુ ધનોઆએ ફિલ્મોમાં શરૂઆત કરતાં પહેલાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ગૂડ્ડુના ફોઈના પુત્ર ધર્મેન્દ્ર ફિલ્મોમાં હોવા છતાં એમણે પહેલાં ઘર પરિવાર માટે નાના કામો કર્યા હતા. પિતા નિવૃત્ત થયા પછી ઘર ચલાવવાની જવાબદારી ગુડ્ડુ પર આવી હતી. ગુડ્ડુએ સાયકલ પર ફરી જ્યુસ વેચ્યો હતો અને એક કંપનીમાં નોકરી પણ કરી હતી. એ દિલ્હીમાં રહેતા હતા. પિતાને સરકારી આવાસ મળ્યું હતું એટલે નિવૃત્તિ પછી એ છોડી દેવું પડ્યું ત્યારે એમણે મુંબઇ જઈને વસવાનો નિર્ણય કર્યો હતો. ગુડ્ડુના મિત્રો દિલ્હીમાં હોવાથી એની ઈચ્છા ન હતી. પણ પિતા મુંબઇ લઈ આવ્યા એ કારણે જ એ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બની શક્યા હતા.
બે વર્ષ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે ગુડ્ડુની બહેને એમના પતિ વિક્રમસિંહની ફિલ્મ નિર્માણ કંપનીમાં જોડાવા કહ્યું હતું. ગુડ્ડુએ એમને ત્યાં કામ કરીને ફિલ્મ બનાવવાની આખી પ્રક્રિયા વિશે જાણકારી અને અનુભવ મેળવ્યો હતો. ફિલ્મ ‘સિતમગર’ માં પ્રોડકશન મેનેજરથી શરૂઆત કરી હતી. પછી ‘બેતાબ’ (1983) માં કામ સાંભળ્યું હતું. એ રજૂ થયા પછી ગુડ્ડુએ સની દેઓલને કહીને ‘અર્જુન’ નું કામ સંભાળ્યું હતું. દરમ્યાનમાં નિર્માતા બંટી સૂરમાએ ગુડ્ડુને કહ્યું કે મારો મિત્ર ભાર્ગવ ભટ્ટ એક ગુજરાતી ફિલ્મ બનાવવા માગે છે એને બજેટ તૈયાર કરી આપવાનું છે.
ગુડ્ડુએ ફિલ્મનું બજેટ બનાવી આપ્યું એ લઈને ભાર્ગવ જતો રહ્યો હતો. એ વાતને છ મહિના થઈ ગયા હશે ત્યારે પાછો મળ્યો એટલે પૂછ્યું કે ગુજરાતી ફિલ્મનું શું થયું? એણે કહ્યું કે ફિલ્મ બની શકી નહીં પણ આપણે સાથે મળીને એક ફિલ્મ બનાવીએ. ગુડ્ડુ પ્રોડકશનમાં કામ કરતો હતો પણ નિર્માતા બનવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. કેમકે એની પાસે એટલું ભંડોળ હતું જ નહીં એટલે કહ્યું કે મારી પાસે પૈસા નથી. ભાર્ગવે કહ્યું કે હું પૈસા રોકીશ અને તારે તકનીકી અને અન્ય બાબતો સંભાળવાની છે.
એમણે પહેલી ફિલ્મ ‘મેરા લહુ’ ગોવિંદા સાથે બનાવી. એ પછી શત્રુધ્ન સિંહા સાથે ફિલ્મ ‘ગોલા બારૂદ’ બનાવી. એ સફળ ના થઈ. તેથી બે વર્ષ સુધી ખાસ કોઈ કામ ના મળ્યું. ત્યારે ગુડ્ડુ ભાડાના ઘરમાં રહેતા હતા અને જમવાના પણ ફાંફા પડ્યા હતા. દરમ્યાનમાં નિર્માત્રી શબનમ કપૂર સાથે ઓળખાણ હોવાથી એ મદ્રાસ લઈ ગયા અને દક્ષિણની ત્રણ-ચાર ફિલ્મો જોઈ. થોડા મહિના પછી એમાંની એક ફિલ્મની વાર્તા પર શબનમે ગુડ્ડુ સાથે ફિલ્મ ‘દિવાના’ (૧૯૯૨) બનાવવાની વાત કરી. ગુડ્ડુ તૈયાર થઈ ગયા. રાજ કંવરના નિર્દેશનમાં બનેલી શાહરૂખ ખાન સાથેની આ ફિલ્મ સફળ રહી હતી.
ગુડ્ડુએ રાજ સાથે બે ફિલ્મનો કરાર કર્યો હતો. બીજી ફિલ્મ ‘એલાન’ (૧૯૯૨) નું નિર્દેશન પણ રાજે કરવાનું હતું. રાજે ‘દિવાના’ ની સફળતા પછી અગાઉ નક્કી કર્યા કરતાં વધુ ફી માંગી એટલે ગુડ્ડુ ધનોઆએ જાતે જ તેનું નિર્દેશન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અક્ષયકુમાર સાથેની ‘એલાન’ (૧૯૯૨) પછી અજય દેવગન સાથે ‘ગુંડારાજ’ (૧૯૯૫) બનાવી હતી. અક્ષયકુમાર -સૈફ અલી ખાન સાથેની ‘તૂ ચોર મેં સિપાહી’ વધુ હિટ રહી હતી. પરંતુ નિર્દેશક તરીકે ભાઈ ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ સાથેની પહેલી ફિલ્મ ‘જિદ્દી’ (૧૯૯૭) એ ભારે સફળતા મેળવી હતી. ગુડ્ડુએ નવા અભિનેતાઓ સાથે ફિલ્મો બનાવી હતી. સની સ્ટાર હોવાથી કામ કરશે કે નહીં એની ખબર ન હતી. પણ સનીએ અડધી વાર્તા સાંભળીને ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. એ પછી સાની સાથે ‘સલાખેં’, ‘જાલ’ અને ‘બિગ બ્રધર’ કરી હતી.
