નિર્દેશક રાજ કપૂરને ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ (1985) બનાવવાનો વિચાર સંગીતકાર રવીન્દ્ર જૈનનું એક ગીત સાંભળીને આવ્યો હતો અને એને તરત અમલમાં પણ મૂકી દીધો હતો. રાજ કપૂર કોઈને ત્યાં લગ્નમાં દિલ્હી ગયા હતા ત્યાં સંગીતકાર રવીન્દ્ર જૈને એક ગીત ‘એક રાધા એક મીરા’ ગાયું. એમણે એ ગીતની બહુ પ્રશંસા કરીને કહ્યું કે ફરી એક વખત આ ગીત સંભળાવો. ગીત સાંભળીને એમણે પૂછ્યું કે આ કઈ ફિલ્મનું ગીત છે? ત્યારે રવીન્દ્રએ કહ્યું કે આ મારું પ્રાઈવેટ ગીત છે. રાજજીએ તરત કહ્યું કે આ ગીત મારું થઈ ગયું. એ મને આપી દો.
બીજા દિવસે એમણે રવીન્દ્રને રણધીર કપૂરના ઘરે જમવા માટે બોલાવ્યા. રવીન્દ્ર પોતાના સાજીંદાઓ સાથે ગયા ત્યારે રાજજીએ એમને કહ્યું કે મારું ગીત મારા બાળકોને સંભળાવો. રવીન્દ્રએ ફરી ‘એક રાધા એક મીરા’ ગાયું એ પછી રાજજીએ રણધીરને પૂછ્યું કે તારી પાસે ચેકબુક છે? રણધીરે ‘હા’ પાડી એટલે રૂ.25000 નો ચેક બનાવીને લાવવા કહ્યું. રણધીરે એક મુલાકાતમાં આ કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે મને થયું મારા રૂપિયા ખોટા ગયા. એ ફિલ્મ બનાવશે નહીં. રણધીરે ચેક આપ્યો ત્યારે રવીન્દ્ર ભાવુક બની ગયા. એમને ખરેખર ફિલ્મમાં લઈ રહ્યા છે એવો વિશ્વાસ આવતો ન હતો. રવીન્દ્રએ કહ્યું કે હું મારી પત્નીને અહીં બોલાવવા માંગું છું. મારા માટે આ મોટો દિવસ છે.
ચેક આપ્યા પછી રાજજીએ ફરી એ ગીત સાંભળવાની ફરમાઇશ કરી. એ પછી બે દિવસ બાદ રણધીર ઓફિસમાં ગયા ત્યારે જાણવા મળ્યું કે રાજજી એમના પૂના ખાતેના ફાર્મ હાઉસ પર ગયા છે. એમની સાથે રવીન્દ્ર જૈન અને બીજા સાજીંદા ગયા છે. પૂના પહોંચીને પહેલા દિવસે માત્ર પાર્ટી યોજવામાં આવી હતી. બીજા દિવસે રાજજીએ રવીન્દ્રને કહ્યું કે મારી પાસે એક નાનકડો વિચાર છે કે તોતાપુરી મહારાજે રામકૃષ્ણ પરમહંસજીને ટોણો માર્યો હતો કે રામ તારી ગંગા મેલી થઈ ગઈ. (પાછળથી ફિલ્મના ટાઇટલ ગીતની શરૂઆતમાં એનો ઉલ્લેખ થયો છે.) એના પરથી વાર્તા કેવી રીતે બનાવું એની સમજ પડી રહી નથી. કેમકે મેં વર્ષો પહેલાં ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ (1960) બનાવી હતી. હવે હું ‘રામ તેરી ગંગા મૈલી’ કેવી રીતે કહી શકું? અને રવીન્દ્રએ શબ્દો આપ્યા કે,‘એક દુખિયારી કહે બાત યે રોતે રોતે, રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપિયોં કે પાપ ધોતે ધોતે.’ અને રાજજીના મનમાં વાર્તા આકાર લેવા લાગી.
મુદ્દાને સ્થાપિત કરવા મુખ્ય મહિલા પાત્રનું નામ ‘ગંગા’ રાખ્યું. અને જે ગીત ‘એક રાધા એક મીરા’ થી ફિલ્મનો પાયો નંખાયો હતો એના પરથી વાર્તામાં રાજીવ કપૂર, મંદાકિની અને દિવ્યા રાણા વચ્ચેના પ્રણય ત્રિકોણની રચના કરી. એ વાર્તાને સમાજ સાથે જોડી દીધી. પૂનાથી ચાર દિવસ બાદ આવીને રાજ કપૂરે રણધીરને માહિતી આપી હતી કે ‘રામ તેરી ગંગા મૈલી’ નું ગીત-સંગીત તૈયાર થઈ ગયું છે. રણધીરે વાર્તા વિશે પૂછ્યું ત્યારે રાજ કપૂરે કહ્યું કે એ માટે એક અઠવાડિયા પછી હું પાછો જઈશ. અને એમણે ગીતો પરથી આખી વાર્તા તૈયાર કરી હતી.
