‘દો બીઘા જમીન’ નો બીજો અંત

મોટા સ્ટાર્સ જેમની ફિલ્મમાં કામ કરવા માટે સામેથી જતા એ નિર્દેશક બિમલ રૉયને પણ પોતાની ફિલ્મ ‘દો બીઘા જમીન’ માં વિતરકોના દબાણ પછી વાર્તાના અંતમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ‘દો બીઘા જમીન’ ની વાર્તા બંગાળી ફિલ્મ ‘રીક્ષાવાલા’ ની હતી. જેમાં સલીલ ચૌધરીની વાર્તા અને સંગીત હતા. બિમલદાને એ વાર્તા પસંદ આવી પણ એમણે ફિલ્મનું નામ રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ‘દુઇ બીઘા જમીન’ પરથી રાખ્યું. ફિલ્મમાં ખેડૂત શંભુ મહતોની મુખ્ય ભૂમિકા માટે બલરાજ સહાની પહેલાં અનેક જાણીતા કલાકારોએ રસ બતાવ્યો હતો. જ્યારે અશોકકુમારને જાણવા મળ્યું કે બિમલદા પોતાના બેનર તળે જ એક ફિલ્મ બનાવી રહ્યા છે અને મુખ્ય ભૂમિકા દમદાર છે ત્યારે એમને મળવા પહોંચી ગયા.

અશોકકુમારે એમ કહીને બિમલદા પાસે રોલ માગ્યો કે એ આવી પડકારજનક ભૂમિકા કરવા માગે છે. બિમલદાએ અશોકકુમારને ખોટું ના લાગે એ રીતે ના પાડી. કેમકે અશોકકુમારનું તંદુરસ્ત શરીર સાથેનું વ્યક્તિત્વ ખેડૂત શંભુની ભૂમિકા માટે બંધબેસતું ન હતું. એ પછી ભારત ભૂષણને ખબર પડી એટલે તેમણે ભૂમિકા માગી. બિમલદાને લાગ્યું કે ભારત ભૂષણની ઇમેજ અલગ હોવાથી તે ભૂમિકાને ન્યાય આપી શકશે નહીં એટલે એમને પણ ના પાડી. ત્યારે સલીલ ચૌધરીએ બલરાજ સહાની પ્રતિભાશાળી અભિનેતા હોવાનું જણાવી નામ સૂચવ્યું. બલરાજ જ્યારે બિમલદાને મળવા ગયા ત્યારે તેમને ખેડૂત શંભુની ભૂમિકા વિશે કોઇ માહિતી ન હતી. તે સૂટ અને ટાઇમાં મળવા ગયા ત્યારે વેશ જોઇને બિમલદાને શંભુ તરીકે બલરાજ યોગ્ય ના લાગ્યા. તેમની પાસેથી શંભુની ભૂમિકા વિશે જાણ્યું ત્યારે બલરાજે કહ્યું કે તે ઇપ્ટાની થોડા મહિના પહેલાં રજૂ થયેલી ખ્વાજા અહેમદ અબ્બાસ નિર્દેશિત ફિલ્મ ‘ધરતી કે લાલ’ માં ખેડૂતની ભૂમિકા ભજવી ચૂક્યો છે. તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી નથી પરંતુ પ્રશંસા ઘણી થઇ છે. બલરાજે ઇપ્ટા અને અબ્બાસના નામ ઉપરાંત ખેડૂતની ભૂમિકાની વાત કરી એને ધ્યાનમાં રાખીને બલરાજને શંભુની ભૂમિકા સોંપી દીધી. બિમલદાએ જ્યારે બલરાજની પત્ની પાર્વતીની ભૂમિકા માટે ઐતિહાસિક ફિલ્મો વધુ કરતાં નિરુપા રૉયને પસંદ કર્યા ત્યારે ઘણાને નવાઇ લાગી હતી.

બિમલદાનું કહેવું હતું કે તે એક ગરીબ ખેડૂતના ઘરે જન્મ્યા અને મોટા થયા હોવાથી આ ભૂમિકા માટે યોગ્ય ગણ્યા છે. તે સમયે બિમલદા સાથે ફિલ્મ ‘પરિણીતા’ માં કામ કરતા મીનાકુમારીએ જ્યારે ‘દો બીઘા જમીન’ ના થોડા ફૂટેજ જોયા ત્યારે કોઇ ભૂમિકા આપવા માટે જીદ કરી. બિમલદાએ અસમર્થતા વ્યક્ત કરી ત્યારે નાની ભૂમિકા આપવા કહ્યું. બિમલદાએ આખરે લુલાબાઇની મહેમાન ભૂમિકા સોંપીને એક ગીત ‘આજા રી આ નિંદીયા…’ તેમના પર ફિલ્માવ્યું. મીનાકુમારીએ કારકિર્દીમાં એ પહેલી અને છેલ્લી મહેમાન ભૂમિકા નિભાવી. એમ કહેવાય છે કે આ ફિલ્મથી જ સ્ટારની મહેમાન ભૂમિકાની શરૂઆત થઇ હતી. ફિલ્મ રજૂ થયા પછી દર્શકોને પસંદ આવતી ન હોવાનો કલકત્તાના વિતરકનો બિમલદાને ફોન આવ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મ વાસ્તવિક બનાવી છે પણ બહુ ગંભીર બની છે.

અંતમાં નિરુપા રૉય મૃત્યુ પામે છે તથા બલરાજની જમીન જમીનદાર લઇ લે છે એ ગમ્યું નથી. બિમલદાએ ઘણો વિચાર કર્યા પછી નક્કી કર્યું કે અંત બદલવો જોઇએ. તેમણે બીજા દિવસે બધાં કલાકારોને ફરીથી બોલાવી ઝડપથી શુટિંગ પતાવી નવે પ્રિંટ મોકલી થિયેટરોમાં અંત બદલાવ્યો. અને બલરાજને જમીન પાછી મળી જાય એવો અવાસ્તવિક અંત રાખ્યો નહીં. અલબત્ત નવા અંતમાં તેમણે માનવતાના ધોરણ મુજબ નિરુપા રૉયને જીવી જતા બતાવ્યા. જોકે, નવા અંતથી દર્શકોનો વધારે સારો પ્રતિભાવ મળવાની આશા એટલી પૂરી ના થઇ પરંતુ ‘દો બીઘા જમીન’ તેના વિષયને કારણે ફિલ્મ ઇતિહાસમાં અભિનય સહિતના પાસાંઓ માટે ઉલ્લેખનીય બની રહી. ૧૯૫૪ માં શરૂ થયેલા ફિલ્મફેરના એવોર્ડસમાં ‘દો બીઘા જમીન’ ને ‘સર્વ શ્રેષ્ઠ ફિલ્મ’ નો અને બિમલ રૉયને ‘સર્વ શ્રેષ્ઠ નિર્દેશક’ નો એવોર્ડ મળ્યો હતો.

– રાકેશ ઠક્કર (વાપી)