રાજ કપૂર-નરગીસની ફિલ્મ ‘આવારા’ (૧૯૫૧) ની વાર્તા અસલમાં નિર્દેશક મહેબૂબ ખાનની દિલીપકુમાર સાથેની ફિલ્મ માટે સંભળાવવામાં આવી હતી. મહેબૂબ ખાન દિલીપકુમાર સાથે એક ફિલ્મ બનાવવાનું વિચારતા હોવાનું જાણવા મળતાં વી.પી. સાઠે અને ખ્વાજા અહમદ અબ્બાસે ‘આવારા’ ની લખેલી સ્ક્રીપ્ટ સંભળાવી. એ સાંભળીને એમણે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું હતું. જ્યારે નિર્દેશક ઓ.પી. ઓઝા અશોકકુમાર- નરગીસ સાથે ફિલ્મ ‘આધી રાત’ (૧૯૫૦) બનાવી રહ્યા હતા ત્યારે એમને ‘આવારા’ ની સ્ક્રિપ્ટ વિશે ખબર પડી હતી.
ઓ.પી. ઓઝાને એ સ્ક્રીપ્ટ રાજ કપૂર માટે યોગ્ય લાગતાં તેમણે વાત કરી. એ સ્ક્રીપ્ટ એટલી પસંદ આવી હતી કે તેમણે રાજને એના પર ફિલ્મ બનાવવાની સલાહ આપી. ‘બરસાત’ (૧૯૪૯) પછી રાજ કપૂરને એક અલગ સ્ક્રીપ્ટની જરૂર હતી એટલે તે લેખક અબ્બાસના ઘરે ગયા અને એમની સ્ક્રીપ્ટ સાંભળી એટલા પ્રભાવિત થયા કે પોતે જ એના પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો. એમણે સાઇનીંગ એમાઉન્ટ તરીકે ખિસ્સામાં રહેલો ચાંદીનો એક રૂપિયો એમને આપીને સ્ક્રીપ્ટ પર પોતાનો હક બનાવી લીધો. થોડા જ દિવસોમાં એ સ્ક્રીપ્ટ પરથી ‘આવારા’ બનાવવાનું આયોજન કર્યું ત્યારે એમાં પિતા પૃથ્વીરાજ કપૂરને લેવાનું નક્કી કરી લીધું પણ એમને મનાવવાનું સરળ ન હતું. રાજે અબ્બાસને ફિલ્મની વાર્તા સંભળાવવાનું કામ સોંપ્યું.
પૃથ્વીરાજને વાર્તા ગમી પણ એમણે કહી દીધું કે તે હીરોના પિતાની ભૂમિકા ભજવે એવા દિવસો હજુ આવ્યા નથી. ત્યારે અબ્બાસે એમને કહ્યું કે તમારે રાજ કપૂરના હીરોની ભૂમિકા કરવાની છે. રાજ કપૂરની ફિલ્મ હોવાની ખબર પડતાં તે ઇન્કાર કરી શક્યા નહીં અને ખુશી ખુશી રાજના પિતાની ભૂમિકા માટે તૈયાર થઇ ગયા. પૃથ્વીરાજે પહેલી અને છેલ્લી વાર પુત્ર રાજના નિર્દેશનમાં કામ કર્યું. ‘આવારા’ માં રાજ કપૂરે એમના પરિવારની ત્રણ પેઢીને રજૂ કરી. એમના બાળપણની ભૂમિકા શશી કપૂર પાસે કરાવી. પિતાના પિતાની ભૂમિકા અસલ દાદાજી વિશ્વેશ્વરનાથ કપૂર પાસે કરાવી. આ ફિલ્મએ દેશ-વિદેશમાં એટલી પ્રશંસા મેળવી કે ૨૭ વર્ષના રાજ કપૂર પહેલી હરોળના નિર્દેશક ગણાવા લાગ્યા હતા. ‘આવારા’થી જ ફિલ્મોમાં સ્વપ્ન દ્રશ્યોની શરૂઆત થઇ હોવાનું કહેવાય છે. ‘આવારા’ થી જ રાજ-નરગીસની જોડીને લોકપ્રિયતા મળી. ‘આવારા’ ના એક વર્ષ પહેલાં રાજ-નરગીસની જોડીની આવેલી બંને ફિલ્મો ‘જાન પહચાન’ અને ‘પ્યાર’ નિષ્ફળ રહી હતી.
એમ કહેવાય છે કે આ બંને ફિલ્મોમાં ‘બરસાત’ ની સફળતાને વટાવવાનો પ્રયાસ થયો હતો. ૧૯૫૦ માં રાજ કપૂરની હીરો તરીકે છ ફિલ્મો આવી હતી. પણ ૧૯૫૧ માં રાજે ‘આવારા’ પર એટલું બધું ધ્યાન આપ્યું કે બીજી કોઇ ફિલ્મ આવી નહીં. ૧૯૫૨ માં રાજની ચાર ફિલ્મો આવી અને દરેકમાં હીરોઇન તરીકે નરગીસ જ હતી. એટલું જ નહીં ૧૯૫૬ સુધી રાજ કપૂરની જેટલી પણ ફિલ્મો આવી એમાં હીરોઇન નરગીસ જ રહી. જોકે નરગીસે એ વર્ષોમાં બીજા હીરો સાથે પણ ફિલ્મો કરી હતી.