ધર્મેશ દર્શનની ‘ધડકન’ બંધ થઈ ગઈ હતી

નિર્દેશક ધર્મેશ દર્શનની ફિલ્મ ‘ધડકન’ (૨૦૦૦) નદીમ- શ્રવણ સાથેના ઝઘડાને કારણે શરૂઆતમાં જ બંધ થઈ ગઈ હતી. ‘ધડકન’ ફરીથી શરૂ થઈ હતી અને અનેક બાબતે ચર્ચામાં રહી હતી. ફિલ્મનું નામ બીજા નિર્માતા પાસે હતું. ધર્મેશ દર્શને એ જ નામ રાખ્યું હોવાથી મામલો અદાલત સુધી ગયો હતો. જેમાં ધર્મેશને જ ટાઇટલ મળ્યું હતું. ફિલ્મના કલાકારો તરીકે અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીને લીધા હોવાથી ધર્મેશની બહુ ટીકા થઈ હતી. કેમકે એ સમય પર એમની કારકિર્દી ખરાબ તબક્કામાં હતી. બીજા ઘણા જાણીતા કલાકારોને ફિલ્મમાં લેવા સૂચન થયું હતું. પણ ધર્મેશે એમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુનીલે જે નકારાત્મક ભૂમિકા કરી હતી એમાં અગાઉ બીજો કોઈ કલાકાર હતો. ફિલ્મનો અંત પણ બદલવામાં આવ્યો હતો. મૂળ વાર્તા મુજબ અંજલિની ગર્ભાવસ્થાની વાત જાણીને દેવને આઘાત લાગે છે અને તે મરી જાય છે. પરંતુ પછી સકારાત્મક સંદેશ મળે એ માટે દેવને શીતલ સાથે ખુશીથી જીવન વીતાવતો બતાવ્યો હતો. ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) ની સફળતા પછી ધર્મેશ દર્શનને નિર્માતા રતન જૈનની ‘ધડકન’ મળી હતી. ‘રાજા હિન્દુસ્તાની’ નું સંગીત લોકપ્રિય રહ્યું હોવાથી સંગીતકાર તરીકે ફરી નદીમ- શ્રવણને લેવામાં આવ્યા હતા. સૌથી પહેલાં સંગીત પર જ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ ગીતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક ઘટના બની હતી અને ફિલ્મ બંધ થઈ ગઈ હતી.

ફિલ્મના ગીતકાર સમીરે એક મુલાકાતમાં એની વાત કરી હતી. સની સ્ટુડિયોમાં નિર્દેશક ધર્મેશ દર્શનની હાજરીમાં નદીમ- શ્રવણ દ્વારા ગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. ત્યારે ધર્મેશ દર્શને સંગીતમાં સુધારો કરવા કહ્યું હતું. ધર્મેશનું માનવું હતું કે તે ‘રાજા હિન્દુસ્તાની’ પછી મોટા નિર્દેશક બની ગયા છે અને એમને સંગીતની સારી સમજ છે. ત્યારે નદીમે કહ્યું કે અમે પણ મોટા સંગીતકાર છે. ‘રાજા હિન્દુસ્તાની’ વખતે તમે સંગીતમાં કોઈ ફેરફાર કરાવ્યો ન હતો. મતલબ કે વિશ્વાસ મૂક્યો હતો.

હવે જો ‘ધડકન’ માં હું તમારા કહેવા મુજબ સંગીત આપીશ તો અમારું સંગીત લાગશે નહીં. તમારું બની જશે. ધર્મેશ દર્શન પોતાની જીદ પર અડગ રહ્યા. અલકા યાજ્ઞિક અને કુમાર સાનૂ માઇકમાં ગાવા જઇ રહ્યા હતા ત્યારે ધર્મેશે પેકઅપનો આદેશ આપી દીધો અને કહી દીધું કે મારે ફિલ્મ કરવી નથી. એ જતાં રહ્યા અને ફિલ્મ અટકી ગઈ. ધર્મેશ ત્યારે ‘મેલા’ (૨૦૦૦) નું પણ નિર્દેશન સંભાળતા હતા એટલે એમાં વ્યસ્ત થઈ ગયા. પણ ફિલ્મ ચાલી નહીં એટલે રતન જૈને કહ્યું કે નદીમ- શ્રવણને જ લેવા પડશે અને ધર્મેશ દર્શને ફરી ‘ધડકન’ નું નિર્દેશન શરૂ કરીને નદીમ- શ્રવણને સંગીત આપવા કહ્યું. ‘મેલા’ ના આતા મહિના પછી ‘ધડકન’ રજૂ થઈ હતી અને સુપરહિટ નીવડી હતી. ફિલ્મના બધા જ ગીતોમાં ‘ધડકન’ શબ્દ આવે એનો ગીતકાર સમીરે ખ્યાલ રાખ્યો હતો. અને જે ગીતના રેકોર્ડિંગ વખતે ઘટના બની હતી એ ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ માટે અલકા યાજ્ઞિકને ફિલ્મફેરનો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો એવોર્ડ મળ્યો હતો.