અનુપ જલોટા ગઝલને બદલે ભજનની લગન લાગી!

બોલિવૂડમાં જેમને ‘ભજન સમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે એ અનુપ જલોટાએ ગાયક તરીકે કોરસમાં ગાઈને શરૂઆત કરી હતી અને પહેલાં ગઝલો ગાઈ હતી. અનુપ જ્યારે 20 વર્ષની ઉંમરે લખનઉથી મુંબઇમાં આવ્યા ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયો પર કોરસ ગીતોમાં અવાજ આપતા હતા. સૌથી પહેલાં લખનઉમાં રેડિયો પર સ્વર પરીક્ષા આપી હતી એમાં નાપાસ થયા હતા. છ મહિના પછી ફરી આપી ત્યારે પાસ થયા હતા.

અનુપને કોરસમાં ગાવાના મહિને રૂ.320 મળતા હતા. એમના પિતા મુંબઇ આવી ગયા હતા પણ અનુપને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી જ આવવાની પરવાનગી આપી હતી. અનુપે કેટલાક ફિલ્મ ગીતોમાં પણ કોરસમાં ગીત ગાયું હતું. મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે વગેરેના ગીતોમાં પણ સમૂહમાં એમનો સ્વર હતો. અનુપનું ‘ચાંદ અંગડાઈયાં લે રહા હૈ’ સાથે પહેલું ગઝલનું જ આલબમ બહાર આવ્યું હતું. પરંતુ ભજનમાં નામ કમાવાના હતા.

અનુપ ‘સૂર સિંગાર’ના જાહેર કાર્યક્રમમાં ભજન ગાતા હતા ત્યારે નિર્માતા-નિર્દેશક અને અભિનેતા મનોજકુમારના કાને એમનો અવાજ પડ્યો હતો. એમણે ઘરે બોલાવીને અનુપને કહ્યું કે એક ફિલ્મ બનાવી રહ્યો છું એમાં ગીત ગાવાના છે. સુધીર દળવી અભિનિત ફિલ્મ ‘શિરડી કે સાઈબાબા’ (1977) માં અનુપે ગાયેલા ડમ ડમ ડમરુ બાજે, ભોલા ભંડારી સાઈ અને ‘સુમેર મનવા’ લોકપ્રિય થયા હતા. 1977 માં જન્માષ્ટમી પ્રસંગે એક મંદિરના જાહેર કાર્યક્રમમાં એમણે બીજા કેટલાક ભજનો સાથે ‘ઐસી લાગી લગન’ ગાયું હતું. બે મહિના પછી મંદિર તરફથી ફોન આવ્યો કે તમે જે ભજન ગાયું હતું એ અમે ‘પોલીડોર’ કંપનીને આપવા માંગીએ છીએ. અનુપે કહ્યું કે વાંધો નથી પણ હું એક વખત સાંભળવા માંગુ છું. અનુપે ભજન સાંભળીને કહ્યું કે સારું ગાવાયું છે પણ એમાં એક કમી રહી ગઈ છે. એમાં મંજીરા નથી.

ભજનમાં મંજીરા વાગતા હોય તો એ વધુ સારું લાગે. અનુપે એ ભજનમાં મંજીરાનું ડબિંગ કરાવીને ઉમેર્યા. પછી એ વધુ સારું લાગ્યું. રેકોર્ડ બજારમાં આવતાની સાથે જ ‘ઐસી લાગી લગન’ લોકપ્રિય થઈ ગયું અને અનુપ જલોટાનું ભજન ગાયક તરીકે મોટું નામ થઈ ગયું હતું. અનુપે ગાયક બન્યા પછી સંગીતકાર બનવાનું સપનું પણ પૂરું કર્યું હતું. જ્યારે ફિલ્મ ‘પત્તોં કી બાજી’ (1986) માં સંગીત આપતા હતા ત્યારે કિશોરકુમારના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે એ એમના ઘરે આ વાત કહેવા ગયા ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી. એમણે કહ્યું હતું કે તમે શાસ્ત્રીય પ્રકારના ગીતો બનાવતા હોવાથી હું ગાઈશ નહીં. અનુપે જ્યારે ‘નહીં દૂર મંઝિલ’ ગીત સંભળાવ્યું ત્યારે એમણે રાજી થઈને કહ્યું કે આ મારી સ્ટાઇલનું છે એટલે જરૂર ગાઈશ.