નિર્દેશક અનિલ શર્મા ‘હુકૂમત’ (૧૯૮૭) થી અભિનેતા ધર્મેન્દ્રને ફરી ચર્ચામાં લાવ્યા હતા. અનિલ જ્યારે ધર્મેન્દ્રને મળવા ગયા ત્યારે આ ફિલ્મની વાર્તા એમની પાસે હતી જ નહીં. અનિલ શર્માએ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ રાખી, સુરેશ ઓબેરૉય વગેરે સાથે ‘શ્રધ્ધાંજલિ’ (૧૯૮૧) બનાવી હતી. એ પછી ‘બંધન કચ્ચે ધાગોં કા’ (૧૯૮૩) નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મો સફળ રહી ન હતી. એ દિવસો દરમ્યાન એ શશી કપૂર સાથે એક ફિલ્મનું આયોજન વિચારી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્રનું કહેણ આવ્યું.
એ ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા ત્યારે એમના ભાઈ અજીતે ‘શ્રધ્ધાંજલિ’ ના વખાણ કર્યા અને ધર્મેન્દ્ર માટે કોઈ ફિલ્મની વાર્તા સંભળાવવા કહ્યું. અનિલ પાસે કોઈ વાર્તા તૈયાર ન હતી. ધર્મેન્દ્ર થોડીવારમાં આવવાના હતા. અનિલે તરત જ મનમાં વાર્તા બનાવવા માંડી. પંદર મિનિટ પછી ધર્મેન્દ્ર આવ્યા ત્યારે અનિલે એમને એક પોલીસ ઈન્સ્પેકટરની મનમાં રચી કાઢેલી ‘હુકૂમત’ ની વાર્તા સંભળાવી. ધર્મેન્દ્રને ફિલ્મનો વિચાર અને પાત્ર બંને પસંદ આવ્યા અને ‘હુકૂમત’ કરવા માટે તૈયાર થઈ ગયા. અનિલે વિલન તરીકે એક જ ફિલ્મ જૂના સદાશિવ અમરાપુરકરને પસંદ કર્યા હતા.
અનિલ જ્યારે રાજકમલ સ્ટુડિયોમાં પોતાની એક ફિલ્મનું એડિટિંગ કરતા હતા ત્યારે ‘અર્ધસત્ય’ (૧૯૮૩) નું કામ ચાલતું હતું. એમાં સદાશિવના ફૂટેજ જોયા અને ‘હુકૂમત’ માટે બોલાવ્યા. તે ચંપલ અને ઝભ્ભા-પાયજામામાં આવ્યા હતા. એમણે ક્યારેય સૂટ-બૂટ પહેર્યા ન હતા. અનિલે એમનો લુક ટેસ્ટ લીધો અને એમાં યોગ્ય લાગ્યા પણ શુટિંગ શરૂ થતાં પહેલાં થોડા દિવસો સુધી એમને પાત્રમાં ઢાળવા નવા સૂટ-બૂટ આપી એમાં જ આખો દિવસ રહેવા કહ્યું. રતિ અગ્નિહોત્રી આ ફિલ્મમાં હતી પણ ફિલ્મ રજૂ થાય એ પહેલાં અંગત કારણથી અભિનય છોડી દીધો હતો. ફિલ્મ સેન્સર બોર્ડમાં એવી અટવાઈ કે રજૂ થતાં છ માસ લાગી ગયા હતા.
હિંસાના અત્યાધિક દ્રશ્યો હોવાથી ‘હુકૂમત’ને સેન્સર સર્ટિફિકેટ માટે બે વખત નકારી કાઢવામાં આવી હતી. એ સમય પર પંજાબમાં આતંકી હિંસા ચાલી રહી હતી. તેથી સેન્સર બોર્ડને એમ લાગતું હતું કે એમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવી છે. ત્યારે સેન્સર બોર્ડના ચેરમેન અભિનેતા કે.એન. સિંહના ભાઈ હતા. એમને રસ્તો પૂછવામાં આવ્યો ત્યારે સલાહ આપી કે એમાં શરૂઆતમાં ડિસ્ક્લેમર મૂકી દો. અને એક મુલાકાતમાં અનિલ શર્માના કહેવા મુજબ આ રીતે ડિસ્ક્લેમર મૂકનારી પહેલી ફિલ્મ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે,‘અત્યાચાર, ભ્રષ્ટાચાર અને આતંક વિરુધ્ધ જંગ લડનારા કાલ્પનિક વીરોની આ કાલ્પનિક વાર્તા છે. બધા પાત્ર, નામ, સમય, સ્થાન અને ઘટનાઓ આ વાર્તાની જેમ જ કાલ્પનિક છે. નકલી છે. લેખકના મનની ઊપજ છે.
આ કહાનીની મુખ્ય પૃષ્ઠભૂમિ એક કાલ્પનિક નગર શાંતિનગરની બતાવવામાં આવી છે. જે દુનિયાના નકશામાં ક્યાંય નથી. અને એને દુનિયાના કોઈ દેશની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.’ અસલમાં પણ આ વાર્તા અનિલના મનની ઊપજ હતી. ફિલ્મ સેન્સર બોર્ડમાં પાસ થઈ ગઈ પરંતુ ઘણા બધા દ્રશ્યો કાપવામાં આવ્યા હતા. તેથી નારાજ થયેલા અનિલ શર્મા દિલ્હી ટ્રીબ્યુનલમાં ગયા. ત્યાં એમણે પોતાની રજૂઆતો કરી અને જે દ્રશ્યો કાપવામાં આવ્યા હતા એ પાછા મૂકાવી પાસ કરાવી. ફિલ્મ ‘હુકૂમત’ રજૂ થતાની સાથે બહુ મોટી હિટ રહી. લાંબા સમય પછી ધર્મેન્દ્રની કોઈ મોટી હિટ ફિલ્મ આવી હતી. એક રીતે એમનું પુનરાગમન પણ ગણાયું. એ પછી અનિલ શર્માએ ધર્મેન્દ્ર સાથે જ એલાને જંગ, તહેલકા, ફરિશ્તે, પોલીસવાલા ગુંડા, અપને વગેરે ઘણી ફિલ્મો બનાવી હતી.