અભિનેત્રી મધુએ પહેલી હિન્દી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧) પહેલાં પણ એક ફિલ્મમાં કામ શરૂ કર્યું હતું. એમાં એનો અભિનય યોગ્ય ના લાગતા નિર્દેશકે કાઢી મૂકી હતી. મધુને બાળપણથી જ અભિનય અને ડાન્સનો શોખ હતો. તેનું સાચું નામ પદમા માલિની હતું. પણ ઉમાબહેન એને ‘મધુ’ કહીને બોલાવતી હતી. પિતાને એ નામ એટલું પસંદ આવ્યું કે અધિકૃત રીતે બદલીને મધુ કરી દીધું હતું. અભિનેત્રી હેમામાલિની મધુની ફોઇની છોકરી થાય છે.
ઘરમાં પહેલાંથી જ ફિલ્મી માહોલ હતો. છતાં પિતા ઇચ્છતા ન હતા કે મધુ અભિનયમાં જાય. પરંતુ સંજોગો મધુની તરફેણમાં હતા એટલે તે કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે એક ફિલ્મની ઓફર મળી ત્યારે પિતા એને કામ કરવા દેવા તૈયાર થઇ ગયા. એટલું જ નહીં રોશન તનેજાના અભિનય ક્લાસમાં ત્રણ મહિના માટે મોકલી. જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે મધુમાં આત્મવિશ્વાસ આવ્યો ન હતો અને એ અભિનય બરાબર કરી શકતી ન હતી. થોડા દિવસ પછી એક દ્રશ્ય ભજવી રહી હતી એમાં એણે ફોન ઉપાડીને વાત કરવાની હતી. નિર્દેશક એના કામથી ખુશ ન હતા. એમણે એમ કહીને મધુને કાઢી મૂકી કે,’જે છોકરીને ફોન ઉપાડતા આવડતું નથી એ અભિનેત્રી કેવી રીતે બની શકશે?’ આ વાતનો મધુને મોટો આંચકો લાગ્યો હતો. તે ફરી કોલેજના અભ્યાસમાં જોડાઇ ગઇ.
મધુના મનમાંથી એ વાત જતી ન હતી. પિતાએ એ બનાવ ભૂલીને આગળ વધવા કહ્યું હતું. કોલેજનો અભ્યાસ પૂરો કરીને મધુ અભિનય શીખવા ફરી રોશન તનેજાના ક્લાસમાં ગઇ અને આખો કોર્ષ પૂરો કર્યો ત્યારે આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો. એક દિવસ તે દાદીને મળવા ચેન્નઇ ગઇ ત્યારે હેમામાલિનીના મમ્મી જે મધુના ફોઇ થતા હતા એ એમના ઘરે આવ્યા અને નિર્દેશક કે. બાલાચંદર સાથે મુલાકાત કરાવી. અસલમાં કે. બાલાચંદરે એક મેગેઝીનમાં મધુનો ફોટો જોયો હતો અને એમાં તે હેમામાલિનીની કઝીન હોવાનો ઉલ્લેખ હતો. એમણે હેમાજીને ત્યાં સંપર્ક કરી મધુની ઓળખ મેળવી હતી. એમણે પોતાની મમૂટી સાથેની તમિલ ફિલ્મ ‘અઝગન’ (૧૯૯૧) કરવાનું કહ્યું ત્યારે મધુને આંચકો લાગ્યો.
મધુને પહેલાં હિન્દી ફિલ્મ કરવી હતી. તેણે દક્ષિણની ફિલ્મ હોવાથી રસ ના બતાવ્યો પણ પિતાએ હા પાડી દીધી. કેમકે તેને હજુ સુધી કોઇ હિન્દી ફિલ્મ મળી ન હતી અને ઘરે જ બેઠી હતી. એમનું કહેવું હતું કે જો કોઇ લોન્ચ કરવા માગે છે તો શા માટે ફિલ્મ ના કરવી. મધુએ ફિલ્મ સ્વીકારી લીધી અને પાછી મુંબઇ આવી ત્યારે નિર્દેશક કુકૂ કોહલીએ અજય દેવગન સાથેની ‘ફૂલ ઔર કાંટે’ કરવા કહ્યું. એમાં પહેલાં હીરોઇન બીજી કોઇ છોકરી હતી અને અડધાથી વધુ ફિલ્મનું શુટિંગ થઇ ચૂક્યું હતું. પરંતુ મધુએ પહેલી હિન્દી ફિલ્મ મળી રહી હોવાથી અગાઉની અભિનેત્રીએ કેમ છોડી દીધી એ બધું જાણવાની જરૂર ના સમજી અને હા પાડી દીધી. મધુનું નસીબ એટલું સારું હતું કે તમિલ ‘અઝગન’ અને હિન્દી ‘ફૂલ ઔર કાંટે’ બંને ફિલ્મોનું શુટિંગ એકસાથે જ ચાલતું રહ્યું. બંને સાથે જેવી જ રજૂ થઇ અને બંને સફળ પણ રહી.