ગોવિંદ નામદેવનું પહેલી ફિલ્મમાં જ નામ કપાયું  

અભિનેતા ગોવિંદ નામદેવની પહેલી ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી. પણ ફિલ્મ જ્યારે તૈયાર થઈ ત્યારે એમાંથી નામ અને કામ કપાઈ જતાં દુ:ખી થઈ ગયા હતા. ગોવિંદ દિલ્હીમાં નાટ્ય સંસ્થા એન.એસ.ડી. માં પ્રવૃત્તિ કરી રહ્યા હતા ત્યારે એમના સાથીઓ અનુપમ ખેર વગેરેએ મુંબઇને વાટ પકડી લીધી હતી. ગોવિંદ ફિલ્મોમાં જવાની ઉતાવળ કરવા માગતા ન હતા. એ અભિનયમાં નાટકના માધ્યમમાં પોતાનું વધારે ઘડતર કરવા માગતા હતા. એમને નાટકોમાં સારી સફળતા મળી રહી હતી.

પહેલાં નાની ભૂમિકાઓ કરતા હતા. ‘ઓથેલો’ નાટકમાં મોટી ભૂમિકા કર્યા પછી નામ થયું અને ‘સી’ માંથી ‘એ’ ગ્રેડના અભિનેતા બની ગયા હતા. દરમ્યાનમાં અનુપમ ખેર હિન્દી ફિલ્મોમાં જમાવટ કરી ચૂક્યા હતા. એમણે એક દિવસ ગોવિંદને મુંબઈ બોલાવ્યા. અનુપમે ગોવિંદને નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ (૧૯૯૧) ના સેટ પર બોલાવ્યા. અને સુભાષ ઘાઈ સાથે મુલાકાત કરાવી. વાતચીત દરમ્યાન ગોવિંદને ખ્યાલ આવી ગયો કે એ કોઈ ભૂમિકા માટે એનો વિચાર કરી રહ્યા હોવાથી બોડી લેન્ગ્વેજનું અવલોકન કરી રહ્યા છે. તે ગોવિંદને કોઈ પાત્રમાં જોઈ રહ્યા હતા. ગોવિંદ પણ સતર્ક થઈ ગયો. વાતચીતમાં પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો. અનુપમે એમને ગોવિંદ એક સારો અભિનેતા હોવાની ભલામણ કરી. બીજા દિવસે અનુપમે ગોવિંદને કહ્યું કે ફિલ્મનું બહુ મહત્વનું પાત્ર સુભાષ ઘાઈ તારી પાસે કરાવવા માગે છે. અનુપમની વાત પણ સાચી હતી.

ફિલ્મની શરૂઆત જ એ પાત્રથી થતી હતી અને અંત પણ. એ એક આતંકવાદીનું પાત્ર હતું. એ આતંકવાદી બાળકોને આતંકવાદની તાલીમ આપતો હોય છે. ત્યારે અનુપમનું પાત્ર એને આતંકવાદનું ખરાબ પરિણામ આવતું હોવાનું સમજાવી આ ખોટું કામ છોડી દેવા સમજાવે છે અને એક વાર્તા સંભળાવે છે. જે વાર્તા રાજકુમાર અને દિલીપકુમારની હોય છે. જેમાં હિંસાને કારણે બે પરિવાર બરબાદ થાય છે. અંતમાં આતંકવાદીનું આ પાત્ર એક નદીના પુલ પર જાય છે અને બંદૂક ફેંકી દે છે ત્યાં ફિલ્મનો ધ એન્ડ આવે છે. મહત્વનું પાત્ર હતું અને મોટી સ્ટારકાસ્ટ હોવાથી ગોવિંદ ‘સૌદાગર’ માં એ પાત્ર કરવા લાગ્યો.

ફિલ્મનું શુટિંગ પૂરું થયું ત્યારે ખબર પડી કે સાડા ચાર કલાકની અવધિ થઈ ગઈ છે. એને ટૂંકી કરવાનું શરૂ કરવામાં આવ્યું. અનુપમ સાથે ગોવિંદની વાત થતી રહેતી હતી. પહેલાં એમણે કહ્યું કે ચાર કલાકની કરવામાં આવી છે. છેલ્લે પોણા ચાર કલાકની થઈ હતી. એને હજુ ટૂંકી કરવાની જરૂર હતી. કોઈએ સૂચન કર્યું કે ગોવિંદનું પાત્ર કાઢી નાખવું જોઈએ. અને એ પ્રમાણે થયું. ગોવિંદને પોતાનું કામ અને નામ ‘સૌદાગર’ માંથી નીકળી ગયું એનો બહુ આઘાત લાગ્યો અને ત્રણ મહિના સુધી તણાવમાં રહ્યા. કેમકે અનેક લોકોને કહી ચૂક્યા હતા કે પહેલી જ ફિલ્મમાં તે રાજકુમાર અને દિલીપકુમાર સાથે દેખાવાના છે.

 

ગોવિંદ આ સ્થિતિમાંથી બહાર નીકળવા નાટકના વર્કશોપ કરવા લાગ્યા અને પછી કેતન મહેતાએ ફિલ્મ ‘સરદાર’ (૧૯૯૩) માં સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરીની ભૂમિકા આપી. આ ફિલ્મ બનવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. દરમ્યાનમાં નિર્દેશક ડેવિડ ધવનની ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) માં ‘પોલીસ ઈન્સ્પેકટર તિવારી’ ની ભૂમિકા મળી અને એ ગોવિંદ નામદેવની રજૂ થનારી પહેલી ફિલ્મ બની હતી. એની સફળતાને કારણે ગોવિંદ નામદેવનું અભિનેતા તરીકે નામ થઈ ગયું અને પાછું વળીને જોવું પડ્યું નહીં.