કાન્હા નેશનલ પાર્ક એ કોરબેટ ની જેમ પ્રાક્રુતિક સૌંદર્ય થી ભરપુર છે. કાન્હામા સાલના ઝાડ અને ઘાસના મેદાનો વચ્ચે સફારી કરવાની મજા કઇ ઓર જ છે.
કાન્હા એ બારાસિંઘા માટે પણ પ્રખ્યાત, પણ એની વાત ફરી ક્યારેક. કાન્હા નેશનલ પાર્કમા કાન્હા, કીસલી અને મુક્કી એ 3 ઝોન બહુ પ્રખ્યાત છે. 2018ના મે મહીનામા અમે એક સવારે મુક્કી ઝોનમાં સફારી કરી ખટીયા ગેટ તરફ પરત આવી રહ્યા હતા. વાઘ તો અમે સફારીની શરુઆતમા જ જોઇ લીધેલ હતો એટલે અમે ખૂબ ધીમી ગતિએ જીપ્સી મા પરત ફરી રહ્યા હતા.
અચાનક જ અમારી નજર રોડ પરના જ એક ઝાડની ડાળી પર બેઠેલ એક ઘુવડ પર પડી. બાજુમાં જ ઝાડની બખોલમાં એણે નેસ્ટીંગ કરેલ અને અમે ઘુવડના ફોટો પાડી અને આ ક્યુ ઘુવડ છે તે બર્ડ બુકમા જોઇ રહ્યા હતા. અમારા ગાઇડની નજર ઝાડ પર પડી તો ત્યાં ઝાડ પર એક મોનીટર લીઝાર્ડ(ઘો) એ ઝાડની બખોલ તરફ જઇ રહી હતી. એકદમ ઘુવડની પણ તેના પર નજર પડી અને ઘુવડે પણ પોતાના નખ વડે ઉડી ઉડીને તેના પર હુમલા ચાલુ કર્યા. અમે પણ ફોટોને બદલે એની વિડીયો બનાવવાની ચાલુ કરી.
થોડી મીનીટ માટે આ બધુ ચાલ્યું એ અરસામા એક ઘુવડનું બચ્ચુ અંદરથી ઉડીને રોડની બીજી તરફના ઝાડ પર બેસી ગયુ અને મોનીટર લીઝાર્ડ(ઘો) એ ઝાડની બખોલમાં ઘુસી ગઇ. તેને કોઇ શિકાર મળ્યો કે નહી તેની અમને ખબર નથી, પણ કુદરતની આ અદભુત ઘટના જોઇને અમે સૌ દંગ રહી ગયા હતા..
વાઘ જોવા કરતાંય પરત આવતી વખતે આ ઘટના જોયાનો વધુ રોમાંચ હતો. બર્ડ બુકમા જોતાં ધ્યાને આવ્યુ કે આ તો ઓરીએન્ટલ સ્કોપ્સ આઉલ છે, જેને ગુજરાતીમાં ‘પરદેશી ચુગ્ગડ’ પણ કહે છે.
(શ્રીનાથ શાહ)