આસામમાં કાઝીરંગા, માનસ વગેરે ઘણા નેશનલ પાર્ક છે પણ કાઝીરંગા નેશનલ પાર્કમાં જે જૈવ વૈવિધ્ય છે તે ખૂબજ અલગ છે. કાઝીરંગામાં સફારીમાં તમે અલગ અલગ રેન્જમાં ફરો ત્યારે સમજાય કે અહીં કેટલું વૈવિધ્ય છે.
દરેક રેન્જનું લેન્ડસ્કેપ અલગ, કોઈ રેન્જમાં ગેંડા ખુબ જોવા મળે તો કોઈ રેન્જમાં (ટાઈગર) વાઘ તો કોઈ રેન્જમાં પક્ષીઓ ખૂબ જોવા મળે. કાઝીરંગામાં વાઘ જોવા માટે સબળું નસીબ સાથે લઈને સફારીમાં જવું પડે. સફારીમાં જઈએ ત્યારે ઉંચા હાથીઘાસ માંથી બહાર આવીને જીપ્સીની સામેથી પસાર થતાં ગેંડાને જોવાની મજા કંઈ અલગ જ હોય છે.
શીયાળામાં અમે જ્યારે સફારીમાં ગયા ત્યારે શીયાળાના સોનેરી તડકામાં ઉભેલા ગેંડાની આ તસવીર મળી. હા સૌથી મહત્વની અને ખાસ વાત કોઈવાર ગેંડાને ગુસ્સો આવે તો પાછળ દોડે અને પ્રવાસી જીપ્સીને ચાર્જ પણ કરે ખરો. કાઝીરંગાની એક ખાસ વિશેષતા એ છે કે, તે ‘યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ’ છે.
ફરવાના શોખીન લોકો માટે આ ઉદ્યાન ખુબજ ખાસ છે. આ ઉદ્યાનમાં ચોમેર ફેલાયેલી હરીયાળી, અલગ અલગ પશુ-પક્ષીઓની પ્રજાતી મન મોહી લેતી હોય છે.
(શ્રીનાથ શાહ)