જંગલમાં સફારી જઈએ અને જંગલમાં વાઘ,સિંહ જેવા પ્રાણીઓને શોધવાનું કામ ખૂબ મહેનત માંગી લે એવું હોય છે. કોકવાર તો તમારી ધીરજ પણ ખુટી જાય છે. જંગલમાં વાઘ શોધવા માટે પ્રવાસી અને ગાઈડ પાસે પ્રાણીના પગ માર્ક (પગલાની છાપ) અને હરણ, સાબર કે વાંદરાના એલાર્મ કોલ એ જ મહત્વની કડી હોય છે. જેનાથી વાઘને શોધવામાં મદદ મળે.
અમારા બધાની ધીરજ ખુટી ગઈ પણ અમારા ગાઈડ એ કહ્યું કે, જે રીતે એલાર્મ કોલ થયાં છે વાઘ નજીકમાં જ છે. અમારી સાથે ઉભી રહેલી 5-7 જીપ્સી પણ છેવટે રાહ જોઈને જતી રહી. લગભગ 25-30 મીનીટ પછી એકદમ નજીકમાં જ જોર જોરથી સાબરના એલાર્મ કોલ થયા અમે જોયું તો ઝાડીમાંથી અચાનક વાઘણ નિકળી. જીપ્સીમાં અમે જે 3 રસ્તા પર ઉભેલા હતા ત્યાંથી લગભગ 5-7 ફૂટ દૂરથી પસાર થઈ અને બીજી તરફ ઝાડીમાં જતી રહી. અમે અહીં ધીરજ ન રાખી હોત તો કદાચ આટલા નજીકથી વાઘ ન જોવા મળત.