મધ્યભારત કે ગીરના જંગલોમાં ફેબ્રુઆરી-માર્ચથી ઉનાળાના અંત સુધી ફરવા જાવ તો પંખા જેવી પૂંછડીવાળુ એક પક્ષી સતત ઉડાઉડ કરતું જોવા મળે. આ વ્હાઇટ-બ્રાઉડ ફેન્ટેઇલને ગુજરાતીમાં “નાચણ” પણ કહે છે.
સફારી દરમ્યાન જંગલમાં આ નાચણ માખીઓ અને અન્ય જીવજંતુ પકડવા સતત એક જગ્યાએ થી બીજી જગ્યાએ ઉડાઉડ કરતું જોવા મળે. વૃક્ષની ડાળી પર થોડી સેકન્ડ બેસેને પૂંછડીના પીંછા, પંખાની જેમ ફેલાવે. હજી ફોટો ક્લિક કરવા જાવ તો ઉડીને બીજી ડાળીએ જતું રહે. મચ્છર, માખી, જીવાત તથા જમીન પરની જીવાત તેનો મુખ્ય ખોરાક છે.
જાણે નૃત્ય કરતુ હોય તેમ એક થી બીજી જગ્યાએ ઉડીને પૂંછડી ખોલ બંધ કરે. આ કારણે જ કદાચ તેનું ગુજરાતી નામ “નાચણ” પડયું હશે.
એક નાનકડા કપ જેવો માળો બનાવીને તેમાં એક કે બે ઈંડા મુકે છે. નર-માદા બંને સાથે રહીને ઈંડા અને બચ્ચાની માવજત કરે છે. માળા પાસે “નાચણ” (White-browed fantail) નો ફોટો 2024માં મે મહિનામાં ગીરના જંગલમાં ક્લિક કરવા મળ્યો હતો.
