ભારતના વિવિધ ટાઇગર રીસર્વમાં જવાનો આનંદ અનેરો છે, પણ મારા કેટલાક પ્રિય સ્થાનો માં એક છે કોરબેટ ટાઇગર રીસર્વ. કોરબેટમાં પણ અનેક ભાગ છે જ્યાં વાઘ જોવા માટે જઇ શકાય જેવા કે ઢીકાલા, બીજરાની, ઝિરના, સીતાબની વગેરે, પણ ઢીકાલાના કુદરતી સૌદર્યની વાત જ કંઇક અલગ છે. ધનગડી ગેટથી પાર્કની અંદર જેવા જાવ કે તરત એક સરસ ઇન્ટરપ્રીટેશન સેન્ટર આવે જે કોરબેટ વિશેની સંપુર્ણ માહિતી આપે. ધનગડી ગેટથી જેવી ડ્રાઇવ શરુ થાય કે તરતજ તમને મોટા મોટા શાલ ના ઝાડ સતત દેખાય, વચ્ચે વચ્ચે સુર્ય પ્રકાશની અવર જવરથી આ દ્રશ્ય એકદમ સુંદર લાગે. ધનગડી ગેટથી ઢીકાલા ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ના રસ્તે હાથી સહિતના અનેક પ્રાણીઓ જોવા મળે અને જો ભાગ્ય સારુ હોય તો વાઘ પણ મળી જાય, અને ખરાબ હોય તો હાથી તમારી પાછળ દોડી તમને ચાર્જ પણ કરે.
અમે સવારે વહેલા ધનગડી ગેટથી ઢીકાલા ગેસ્ટહાઉસ પહોંચ્યાં, થોડો આરામ કરી અને સાંજની સફારીમાં નિકળ્યા, લગભગ એક કલાક સુધી ફર્યા પણ ચિતલ સિવાય કશું ન મળ્યું, અમે રામગંગા નદી વટાવીને બીજી તરફ ગયા, થોડુ ફર્યા અને બાદમા એક મોટા ઢાળ વાળા રસ્તા પર આગળ વધી રહ્યા હતા તો બે જીપ્સી રોડ વચ્ચે ઉભી હતી એક જીપ્સીમાંથી એક ભાઇ એ અવાજ ન કરવા ઇશારો કર્યો, અમે સમજી ગયા કે વાઘ છે. રોડ વચ્ચે કોઇ વાહન પસારના થઇ શેકે તેમ સુતેલો હતો. કેમેરો પકડીને 15 મીનીટ રાહ જોઇ ઉભા રહ્યા અને અચાનક વાઘ ગુસ્સે થઇ ગયાની મુદ્રામાં આવ્યો અને અમે ખટાખટ આ ક્લીક કરી લીધી.
બાદમાં એકદમ થી ઉઠીને જીપ્સી તરફ ચાલવા લાગ્યો અને બધી જીપ્સીમાં ભાગાદોડી થઇ ગઇ. કોરબેટના હાથી અને વાઘ સ્વભાવે થોડા ગુસ્સા વાળા એટલે તે ક્યારેક ટુરીસ્ટને ચાર્જ પણ કરી દેતા હોય છે. જો કે, આ રોમાંચ પણ ગજબનો હોય. આવા રોમાંચનો અનુભવ કરવા તમારે એક વખત કોરબેટ ચોક્કસ જવું જઇએ.
(શ્રીનાથ શાહ)