માર્ચ 2010 ની વાત. અમે ગીરમાં રુટ નંબર-5 માં ફરતા હતા. ગીરના જંગલમાં આ રૂટ દીપડાની ફોટોગ્રાફી માટે ફેમસ છે. તમારા નસીબ હોય તો તમને ઝાડ પર ય દીપડો જોવા મળે. ઝાડ પર દીપડો મળવો ખૂબ મુશ્કેલ છે એટલે અમે ધીમે ધીમે એક એક ઝાડને જાણે સ્કેન કરતા હાઇએ એમ જોતા હતા. અમારી જીપ એકદમ ધીમે ધીમે આગળ વધી રહી હતી. એવામા અમારા ગાઇડનું અચાનક ક્યાંક ધ્યાન ગયું અને એમણે ડ્રાઇવરને જીપ થોડીક પાછી લેવા કહયું અને બોલ્યા, ‘અરે! પેલી ડાળી જૂઓ! કાંઇ દેખાય છે?’
પહેલાં તો અમારી આંખો દીપડાને જ શોધતી હતી એટલે બધાએ ના પાડી, પણ પછી બાયનોક્યુલર લઇને જોયું તો લગભગ ત્રણ-ચાર મિનીટ પછી એક અદભૂત પક્ષી જોવા મળ્યું. અરે, આ તો ઇન્ડીયન નાઇટજાર! શું કેમોફ્લાજ કરીને બેઠુ હતું! જાણે ડાળીના જ રંગરુપ! પંદર-વીસ જેટલી અલગ અલગ ક્લિક કરવા મળી. આ સફારીમાં દીપડો તો ના મળ્યો, પણ નાઇટજારના ફોટોના કારણે સફારી સફળ રહી એનો આનંદ હતો.
ઇન્ડિયન નાઇટજાર (ગુજરાતી નામ- નાનું દશરથીયું/દેશી છાપો) એ મૂળ તો જંગલ અને સીમમાં રાત્રે જમીન પર જ જોવા મળે. દિવસે એ આવી રીતે જમીન કે ડાળી પર, અને એ પણ એકદમ કેમોફ્લાજ લેન્ડસ્કેપમાં તો ભાગ્ય હોય તો જ જોવા મળે.
આમ પણ, સફારીમાં ઘણી વાર ઘણાં પ્રયત્નો છતાં ભાગ્ય ન હોય તો કોઇ ખાસ ફોટો ન મળે તે ન જ મળે. જો કે, જંગલમાં જીપમાં ફરવુ એનો આનંદ જ અનેરો છે.
(શ્રીનાથ શાહ)
