ખેડૂતોને વિના ગિરવી મળશે બે લાખની લોનઃ RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિર્ણયો  જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા છે. તેમણે વિના કોઈ ગેરન્ટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને રૂ. બે લાખ કરી દીધી છે. એ પહેલાં એ મર્યાદા રૂ. 1.6 લાખ હતી.

તેમણે આ નિર્ણય કૃષિના પડતર ખર્ચાઓ અને મોંઘવારીને ધ્યાનમાં રાખતાં લીધો છે, જેનાથી નાના અને સીમાંત ખેડૂતોને વધુ લોન ઉપલબ્ધ થઈ શકે. જોકે એના માટે જરૂરી દસ્તાવેજ ખેડૂતોએ આપવા પડશે, જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ અને કૃષિથી સંકળાયેલા દસ્તાવેજ છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે RBIએ એગ્રી સ્ટેક યોજના હેઠળ ડિજિટલ બેઝ ખેડૂત નોંધણીપત્રક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂત નોંધણી પત્રક તૈયાર થયા પછી ખેડૂતોને PM કિસાન યોજના, પાક લોન માટે ક્રેડિટ કાર્ડ, એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને કૃષિ વિકાસની સાથે અન્ય લોન પણ ખેડૂતોને બહુ સરળતાથી મળશે.RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કરેલી ધિરાણ નીતિમાં સતત 11મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ રાખ્યો છે. રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (CRR)ને 50 બેઝિસ પોઇન્ટ ઘટાડીને ચાર ટકા કર્યો છે.  પોલિસી પર MPCનું ‘NEUTRAL’ વલણ અકબંધ છે. RBIએ રેપો રેટ 6.50 ટકા, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 6.75 ટકા પર જાળવી રાખ્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે.