યુક્રેન: ચેર્નોબિલ એ વિશ્વનો સૌથી ખતરનાક કિરણોત્સર્ગી વિસ્તાર છે. જ્યાં માનવી રહી શકતો નથી. વર્ષ 1986માં અહીં બનેલી ભયાનક ઘટનામાં કિરણોત્સર્ગથી હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. જે જીવીત બચ્યા તે કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડિત બની ગયા. આ વિનાશક ઘટના બાદ બે વસ્તુઓ થઈ. કેટલાંક પ્રાણીઓએ રેડિયેશન પછી પોતાને બદલી નાખ્યા. જેમ કે કેટલાક કૂતરાઓ. બીજી તરફ અન્ય કેટલાંક પ્રાણીઓ એવાં પણ હતા કે જેમના પર રેડિયેશનની કોઈ અસર જોવા મળી ન હતી.તે જીવો ખાસ છે જેમના પર આવા ખતરનાક અકસ્માતની કોઈ વિપરીત અસર થઈ નથી. આ શોધથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન (CEZ)માં કેટલાક માઇક્રોસ્કોપિક જંતુઓ મળી આવ્યા છે. એટલે કે નેમાટોડ્સ. તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ આ કુદરતી ટેકનિક અપનાવે તો તેને પણ રેડિયેશનની અસર નહીં થાય. હવે વૈજ્ઞાનિકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.
આ નેમાટોડ્સે ચાર્નોબિલના વાતાવરણને તેમના પર પ્રભુત્વ જમાવવા દીધું ન હતું. ન્યુયોર્ક યુનિવર્સિટીના જીવવિજ્ઞાની સોફિયા ટિંટોરીએ જણાવ્યું હતું કે આ નેમાટોડ્સનો અભ્યાસ કરીને આપણે તેમના ડી.એન.એ. રિપેર મિકેનિઝમને સમજી શકીએ છીએ. જેથી ભવિષ્યમાં રેડિયેશન પીડિતો અને કેન્સરના દર્દીઓ માટે તેમની મદદથી દવાઓ બનાવી શકાય.
આ વિસ્તારને માનવી માટે રહેવા યોગ્ય બનતા હજારો વર્ષ લાગશે. પરંતુ જ્યાં સુધી પ્રાણીઓનો સંબંધ છે, તેઓ આવા વિસ્તારથી દૂર જવાના પ્રતિબંધને સમજતા નથી. જ્યારે તેઓને એવું લાગશે કે આ વિસ્તાર તેમના માટે યોગ્ય નથી, ત્યારે જ તેઓ આ વિસ્તાર છોડી દેશે. વિસ્ફોટ બાદ CEZનો 2600 ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રાણીઓ માટે અભયારણ્ય બની ગયો છે. આ વિસ્તારમાં રહેતા જીવો પર રેડિયેશનની વિવિધ અસરો જોવા મળી છે. દરેક જાતિઓ માટે આ અસર અલગ-અલગ છે.
જ્યાં સુધી આ નેમાટોડ્સનો સંબંધ હતો, ત્યાં સુધી તેમના પર રેડિયેશનની કોઈ અસર નહોતી. આ રાઉન્ડવોર્મ્સ છે, જેમ કે વરસાદમાં જોવા મળતા અળસિયા. તેઓ વિવિધ પ્રકારના રહેઠાણોમાં રહે છે. તેઓ અન્ય જીવોના શરીરમાં પણ રહે છે. તેઓ એટલા સખત હોય છે કે હજારો વર્ષો સુધી પર્માફ્રોસ્ટ એટલે કે બરફમાં દટાયા પછી તેઓ ફરી જીવતા થાય છે. તેમના જીનોમ સરળ છે. તેઓ ખૂબ જ ટૂંકું જીવન જીવે છે. મતલબ કે તેમની ઘણી પેઢીઓ ટૂંકા ગાળામાં બદલાઈ જાય છે.