આમ તો વિચાર હતો આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ત્રીજા ફેક્ટર વિશે થોડીક વાતો કરવાનો, પણ થયું કે એ પહેલાં થોડીક વાત 137 વર્ષ જૂની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ અને એમની સામે ઝળૂંબી રહેલા પડકારોની જ કરી લઇએ.
ફાઇનલી, કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થઇ ગઇ અને બધાને ખબર હતી એવું પરિણામ પણ આવી ગયું. મલ્લિકાર્જુન ખડગે જીતવાના જ હતા તે જીતી ગયા અને શશી થરૂર હારવાના જ હતા એટલે હારી ગયા! વગર ચૂંટણીએ, કોંગ્રેસનો સામાન્ય કાર્યકર્તા પણ જે જાણતો હતો એ પરિણામ સત્તાવાર રીતે જાહેર થઇ ચૂક્યું છે અને ખડગેજીને મળેલા 7897 મત સામે થરૂરને ફક્ત 1072 મત મળતાં પક્ષમાં એમનો પનો ઘણો ટૂંકો સાબિત થયો છે. (બાય ધ વે, આ ચૂંટણીમાંય 416 મત ગેરલાયક ઠર્યા છે. કોણ હશે આ 416 વીર ડેલિગેટ્સ-મતદાતાઓ?!)
દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાંથી આવતા મલ્લિકાર્જુન ખડગેની સંસદીય કારકિર્દી આમ તો ઉજ્જવળ રહી છે. આઠ વખત કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા છે તો 2004 અને 2009માં લોકસભામાં ચૂંટાયા છે. 2019માં લોકસભાની ચૂંટણી હાર્યા પછી હવે પાછલે બારણેથી એટલે કે રાજ્યસભામાં ચૂંટાઇને સંસદસભ્ય બન્યા છે. લાંબી રાજકીય કારકિર્દી દરમ્યાન ખાસ કોઇ વિવાદમાં આવ્યા નથી.
21 જૂલાઇ, 1942ના રોજ જન્મેલા 80 વર્ષી ખડગેજી ‘ગાંધીકૃપાથી’ કોંગ્રેસ જેવા ઉજ્જવળ ભૂતકાળ અને દિશાવિહીન વર્તમાન ધરાવતા પક્ષના પ્રમુખ બની તો ગયા છે, પણ એમની સામે પહાડ જેવા પડકારો મોં ફાડીને ઊભા છે. ક્યા પડકારો હોઇ શકે છે આ? આવો, એના પર એક નજર કરીએ…
એકઃ ગાંધી પરિવારના મહોરાં
કોંગ્રેસનું નાનું છોકરું ય જાણે છે કે મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારના ચહેરા તરીકે પ્રમુખપદની ચૂંટણી લડ્યા છે ને જીત્યા છે. એમના પ્રમુખ બન્યા પછીય પક્ષ પર ગાંધી પરિવારનું રાજ જ ચાલવાનું છે. ખડગેજી એમની રજામંદી સિવાય એકપણ નિર્ણય લે એવું હાલના તબક્કે તો લાગતું નથી. આ સંજોગોમાં પક્ષમાં ખડગેજી ધરમૂળથી ફેરફારો કરે, પોતાના સુદીર્ઘ જાહેરજીવનના અનુભવનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે વર્તે એવી અપેક્ષા પક્ષમાં ય કોઇ રાખતું નથી. ઇવન, પ્રમુખપદની ચૂંટણી વખતે ખડગેજી જે રાજયોમાં ગયા ત્યાં પ્રદેશના નેતાઓએ એ ગાંધી પરિવારના પ્રતિનિધિ હોય એવી રીતે એમની આગતાસ્વાગતા કરી. જ્યારે શશી થરૂરને આવકારવા ગણ્યાગાંઠ્યા નેતાઓ સિવાય પ્રદેશના મુખ્ય નેતાઓ ફરક્યા જ નહીં! આ વાત જ કોંગ્રેસની આંતરિક સ્થિતિ સ્પષ્ટ કરી આપે છે.
અલબત્ત, રાહુલ ગાંધીએ કહ્યું છે કે એમની પક્ષમાં જવાબદારી હવે નવા પ્રમુખ એટલે કે ખડગેજી નક્કી કરશે. પણ રાહુલ સહિત આખી કોંગ્રેસ જાણે છે કે એ જવાબદારી નક્કી કરવા માટે ય ખડગેજી એમને જ પૂછીને નિર્ણય લેવાના છે! ગાંધી પરિવાર હવે સામાન્ય મતદારોમાં અગાઉની માફક મત ખેંચી શકે કે ચૂંટણી જીતાડી શકે એવી અપીલ ધરાવતો નથી. આ સંજોગોમાં ખડગેજી માટે ગાંધી પરિવારના મહોરાં હોવાની છાપ ફગાવીને કામ કરવું એ સૌથી મોટો પડકાર હશે.
બેઃ આંતરિક સંઘર્ષ
ખડગેજીના હરીફ શશી થરૂર પોતે જ જી-23 તરીકે પંકાયેલા બળવાખોર જૂથના નેતા રહી ચૂક્યા છે. હવે પક્ષમાં જી-23 જૂથનું અસ્તિત્વ નથી એવું કહેવાતું હોય તો પણ કોંગ્રેસમાં આંતરિક સઘર્ષનો દાવાનળ કાયમ ભભૂકેલો જ હોય છે. રાજસ્થાનમાં ગેહલોત-પાઇલટ તો એક ઉદાહરણ છે, બાકી મોટાભાગના રાજ્યોમાં અને રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસના નેતાઓ એકબીજા સામે ઘૂરક્યા જ કરે છે. ન ફાવે એ ભાજપમાં જતા રહે છે. પક્ષમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી હાલતમાં ખડગેજી માટે આંતરિક એકતા અને શિસ્તનું કપડું કેમ સિવવું એ બીજો મોટો પડકાર છે.
ત્રણઃ મોદી સામે બાથ
પ્રમુખ બન્યા પછી ખડગેજી માટે પહેલો જ જંગ નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં છે. એ પછી રાજસ્થાન-મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને પછી 2024ની લોકસભાનો નિર્ણાયક જંગ. આવનાર બે વર્ષમાં મલ્લિકાર્જુને મોદી સામે બાથ ભીડવાની છે. ભાજપની સેના શક્ય હોય ત્યાં સુધી રાહુલ અને ગાંધી પરિવારને જ ટાર્ગેટ કરવાનું ચાલુ રાખશે, પણ જરૂર પડે ત્યાં ખડગેજીને ય મોદી સામે ઊભા રાખી દેવાશે. ખડગેજી સારા-સરળ-મિલનસાર નેતા હોય તો પણ વક્તૃત્વ, માસ-અપીલ અને કદની દ્રષ્ટિએ મોદીના કરિશ્માને પડકારવાનું એમના માટે મુશ્કેલ છે. અગાઉ લોકસભામાં પક્ષના નેતા હતા ત્યારે અને હમણાં સુધી રાજ્યસભામાં હતા ત્યારે ખડગેજી ગૃહમાં મોદી સામે કે સરકાર સામે ખાસ કાંઇ ઉકાળી શક્યા નથી. આ સંજોગોમાં ગૃહની બહાર ચૂંટણીના મેદાનમાં (જ્યાં મોદી હજુ મજબૂત મનાય છે) મોદીની સામે બાથ ભીડવાની છે ખડગેજીએ. એક તરફ મોદીનું માસ્ક પહેરીને આખો ભાજપ હશે તો સામે ગાંધી પરિવારનું મહોરું પહેરીને ખડગેજી હશે.
ચારઃ ભૂતકાળનો બોજ
ખડગેજીએ આખી જિંદગી જાહેરજીવનમાં ગાળી છે, એમની પાસે અનુભવનું ભાથું છે પણ સાથે કોંગ્રેસના ભૂતકાળના બોજમાં પણ એ ભાગીદાર છે. કોંગ્રેસ માટે આજે સૌથી મોટો પડકાર એના ભૂતકાળનો બોજ છે. ‘જે જે ખોટું થયું છે એ બધું સિત્તેર વર્ષમાં કોંગ્રેસના શાસનમાં થયું છે’ એવું એક વલણ (જે સંપૂર્ણપણે સાચું નથી) સામાન્ય લોકોના માનસમાં ઘર કરી ગયું છે. ખડગેજી આ જૂની કોંગ્રેસના પ્રતિનિધિ છે અને એ રીતે પક્ષના આ બોજના ય ભાગીદાર છે. આજકાલ સત્તાવિરોધી આક્રોશને ઠંડો પાડવા ભાજપ નો-રિપીટ થિયરી અપનાવે છે. સામે નવો ચહેરો આવે એટલે લોકો ભૂતકાળને ભૂલી જાય અને વર્તમાનને જ જૂએ. સોનિયાની જગ્યાએ ખડગેજીને લાવીને કોંગ્રેસે ભૂતકાળની સામે ભૂતકાળનું જ રિપ્લેસમેન્ટ કર્યું છે. 80 વર્ષની વય પણ ખડગેજીને ભવિષ્યના નેતા તરીકે પૂરવાર કરવામાં નડવાની છે.
પાંચઃ નવી પેઢી સાથે કનેક્ટ
ખડગેજી માટે સૌથી મોટો પડકાર એ છે કે એ જૂની પેઢીના નેતા છે, પણ પોતાની જાતને એમણે નવી પેઢી સામે રજૂ કરવાની છે. ફક્ત પોતાને જ નહીં, કોંગ્રેસને નવી પેઢીના પક્ષ તરીકે લોકો સમક્ષ મૂકવાનો છે. પક્ષમાં નવા તાજગીસભર ચહેરાઓ, જેમના પર પક્ષના ખરડાયેલા ભૂતકાળનો બોજ ન હોય એવા ચહેરાઓને આગળ લાવીને પક્ષમાં નવો દોરીસંચાર કરવાનો છે. નવા યુવાનોને પક્ષમાં જોડવા એનએસયુઆઇ કે યુવક કોંગ્રેસ જેવી પાંખને જીવંત કરવાની સાથે નવી ટેકનોલોજીની મદદથી પક્ષને લોકો સાથે, મતદારો સાથે જોડવાનો છે. એ તો હમણાં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે, બાકી ખડગેજી સોશિયલ મિડીયામાં બહુ લોકપ્રિયતા ધરાવતા નેતાઓમાં ગણાતા નથી.
અફકોર્સ, પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એમનો ચહેરો હવે રાષ્ટ્રીય ફલક પર ચમકતો રહેશે એટલે એમની એ રીતે ઓળખ અને સ્વીકૃતિ વધશે, પણ પક્ષને જીતાડવા આટલું પર્યાપ્ત નહીં હોય. કોંગ્રેસના કાર્યકરને ભરોસો બેસવો જોઇશે કે એમનો પ્રમુખ એમને સત્તા અપાવી શકે છે! આ ભરોસો બેસાડવા મલ્લિકાર્જુન ખડગેએ નવી પેઢીના કાર્યકરો સાથે, નવી પેઢીના મતદારો સાથે કનેક્ટ થવું પડશે.
પ્રમુખપદની ચૂંટણીમાં શશી થરૂરે પોતાના કેમ્પેઇનમાં કરેલી એક અપીલ કરેલી કે, પક્ષમાં જૈસે થે ની સ્થિતિ જાળવી રાખવી હોય તો ખડગેજીને મત આપજો, પણ પરિવર્તન લાવવું હોય તો હું છું. આ અપીલ જ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ બયાં કરી જાય છે. પક્ષના મતદારોએ ‘જૈસે થે’ ની સ્થિતિ પસંદ કરી છે, હવે ખડગેજી શું પરિવર્તન લાવી શકે છે એ જોવાનું છે!
(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)