તો, આજે છે વિશ્વ મહિલા દિવસ. વિચાર તો હતો કે લખવાની શરૂઆત જ કવયિત્રી અમૃતા પ્રીતમની અત્યંત જાણીતી આઝાદ રૂહ કી ઝલક પડે, સમજના વહી મેરા ઘર હૈ.. જેવી કોઇક પંક્તિથી કરવી, પણ પછી થયું કે આજે તો અખબારો, ટીવી ચેનલો અને સોશિયલ મિડીયામાં બધે નારીવાદ આવી પંક્તિઓ અને અવતરણોથી ફૂલ્યોફાલ્યો હશે એટલે રહેવા દો.
આમ પણ, આજે મહિલા દિનના કાર્યક્રમોમાં નાના-મોટા મોટીવેશનલ વક્તાઓ આવા અવતરણો ટાંકીવાના જ છે. કોઇ આધુનિક સમયમાં નારીની સફળતાના ઉદાહરણો આપી નારીશક્તિનો મહિમા ગાશે તો કોઇ વળી એકવીસમી સદીમાં ય નારી હજુ અબળા અને દયામણી છે એવું ઉદાહરણો આપીને પ્રસ્થાપિત કરશે. કોઇ વાતડાહ્યા વક્તા વળી બન્ને પાસાં રજૂ કરીને નવી મિસાલ પૂરી પાડશે. સુજ્ઞ શ્રોતાઓ આ બધું વાંચશે-સાંભળશે. મરમીઓ મનમાં મરકશે. કોઇથી રહી ન શકાય તો સોશિયલ મિડીયા પર કમેન્ટ લખશે. બીજે દિવસે સવારથી આવતા મહિલા દિવસ સુધી આ બધું ભૂલીને બધા કામે લાગી જશે.
એટલે જ, આજે વિશ્વ મહિલા દિન પર કોઇ એકાદ મુદ્દે વાત કરવાના બદલે કેટલાંક અવલોકનો રજૂ કરવા છે.
એકઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીની શરૂઆત 28 ફેબ્રુઆરી, 1909 ના રોજ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ન્યૂયોર્કમાં થઇ હતી. થેરેસા મેલ્કી નામની મહિલા ચળવળકારે એનો વિચાર આપેલો. એ પછી 1910માં આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ મહિલા કોન્ફરન્સમાં જર્મન ડેલિગેટ્સની મહિલા કાર્યકર્તાઓ ક્લારા ઝેટકીન, કેટ ડન્કર અને પૌલા થિડે દર વર્ષે મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. 1911 થી ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિત્ઝર્લેન્ડ જેવા કેટલાક દેશોમાં એની શરૂઆત થઇ. યુનાઇટેડ નેશન્સ દ્વારા તો છેક 1975માં આતરરાષ્ટ્રીય મહિલા વર્ષ ઉજવાયું ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.
બેઃ આ સમયગાળો જ બતાવે છે મહિલાના અધિકારો, સમાનતા જેવા મુદ્દાઓ કે મહિલા સશક્તિકરણની જરૂરિયાત કોઇ એક જ દેશની નહોતી. વિકસિત, અલ્પવિકસિત કે અર્ધવિકસિત એવા કોઇપણ દેશમાં નારીના સામાજિક-આર્થિક દરજ્જાને લઇને પ્રશ્નો હતા જ એટલે આ સમસ્યા કે મુદ્દો યુનિવર્સલ હતો અને છે. આફ્રિકાના કોઇ ટચૂકડા દેશથી જગત જમાદાર અમેરિકા સુધી કોઇ દેશ હજુ જેન્ડર જસ્ટીસના મુદ્દાથી પર નથી.
ત્રણઃ ભારતમાં મહિલાઓના દરજ્જાને લઇને એક પ્રકારે ‘કલ્ચરલ પેરેડોક્સ’ છે. એક તરફ આ સંસ્કૃતિ નારીને નારાયણી કહીને બિરદાવે છે તો એ જ સંસ્કૃતિમાં બાળકીને દૂધ પીતી કરવાના અને સતીપ્રથા જેવા કુરિવાજો પ્રસરેલા હતા. જે દેશના મહાભારતમાં કુળવધુ ભર્યા રાજદરબારમાં વડીલ પુરુષો સાથે ખુલ્લેઆમ વાતચીત કરીને હાજર રહી શકે છે એ જ દેશના અનેક સમાજમાં સ્ત્રીએ ઘૂંઘટ ઓઢીને પુરુષથી અંતર રાખવાની કુ-પ્રથા ય અપનાવી છે. બીજા વિકસિત દેશોમાં હજુ મહિલાઓ રાજકારણમાં આવીને મોટા હોદ્દા સુધી નહોતી પહોંચી એ પહેલાં ભારતના આઝાદી સંગ્રામમાં અનેક વીરાંગનાઓના નામ સુવર્ણ અક્ષરે અંકાયેલા છે. અને આમ છતાં, એ જ દેશમાં મહિલાઓને સંસદમાં આરક્ષણ આપવાનો મુદ્દો વરસોથી પાછો ઠેલાતો જાય છે. મહિલા વિકાસના મામલે આપણે પ્રોગ્રેસિવ અને પછાત બન્ને છીએ. સિક્કાની બન્ને બાજુ સમાંતરે દેખાડી શકાય એવો અજાબોગરીબ વિરોધાભાસ છે આ.
ચારઃ છેલ્લાં કેટલાક વર્ષોથી ઉપભોક્તાવાદી બજારના કારણે તહેવારો અને મહિલા દિવસ જેવા વિશેષ દિવસોની ઉજવણીનું વ્યાપારીકરણ થતું જાય છે. સોશિયલ મિડીયાએ એમાં જબ્બર ફાળો નોંધાવ્યો છે. મહિલા દિનને અનુલક્ષીને ખાસ સેલ, અમુકતમુક ડિસ્કાઉન્ટ, ખાસ ભેટ કૂપનો, જાતજાતની સ્પર્ધાઓ, મહિલાઓને બસ-ટ્રેનભાડાંમાં વિશેષ છૂટ અને ઠગલાબંધ ઇનામો. આ બધા વેપારી ચક્કરોમાં ઉજવણીનો મૂળ ઉદ્દેશ કે સમસ્યાની મૂળ સમજણ સાવ ભૂલાઇને બાજુએ ઠેલાઇ ગઇ છે.
પાંચઃ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2020માં ભારતમાં મહિલાઓ સામેના ગુનાની સંખ્યા 3.73,503 હતી એ વર્ષ 2021માં વધીને 4,28,278 થયેલી. 15.3 ટકાનો વધારો. એમાં ઘરેલુ અત્યાચારનો કેસનું પ્રમાણ 31.8, અવમાનના અને શોષણના કેસનું પ્રમાણ 20.8, અપહરણના કેસનું પ્રમાણ 17.8 અને બળાત્કારના કેસનું પ્રમાણ 7.4 ટકા છે. આ તો ફક્ત પોલીસના ચોપડે ચડેલા ગુનાઓના આંકડા છે.
છઃ અવલોકન ક્રમાંક ચાર અને પાંચને સાથે રાખીને જૂઓ તો સ્પષ્ટ થાય છે કે મહિલા દિવસને અનુલક્ષીને યોજાતા લોકજાગૃતિના કાર્યક્રમો અને પ્રવચનોની કોઇ અસર જોવા મળતી નથી. મહિલાઓ જે ન્યાય, અધિકાર અને સમ્માન ઝંખે છે એ આટઆટલી ઉજવણી પછી ય એને મળતું નથી અથવા તો જે મળે છે એમાં આવી ઉજવણીઓનો કોઇ ફાળો નથી.
સાતઃ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સફળતાની ટોચે પહોંચેલી મહિલાઓના દાખલા અપાય છે. એમની મુલાકાતો લેવાય છે. એમના સંઘર્ષની વાતો કરાય છે. સામસામે મંડાતી દલીલોમાં સામે નિર્ભયા અને હાથરસ જેવી ઘાતકી બળાત્કારની ઘટનાઓ પણ રજૂ કરાય છે. એ ભૂલાઇ જાય છે કે સફળતા વ્યક્તિગત સંઘર્ષ અને સંજોગોનું ય પરિણામ હોઇ શકે અને બળાત્કારની ઘટનાથી બધા જ પુરુષો હવસખોર કે સમાજ બળાત્કારી નથી બની જતો. દરેક સમાજમાં, દરેક કાળખંડમાં સારું અને નરસું સમાંતરે જ ચાલતું આવે છે એ હકીકત છે. એને ધ્યાનમાં રાખીને વિચારીએ તો જ સમસ્યાનું સમાધાન નીકળશે.
આઠઃ આપણી ભાષાના જાણીતા કવયિત્રી પન્ના ત્રિવેદીએ ‘ચાંદ કે પાર’ નામનું સરસ પુસ્તક લખ્યું છે. એની પ્રસ્તાવનામાં એ સરસ વાત લખે છેઃ વાત પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન સમાજની નથી. વાત કોણ ચડિયાતું છે એની પણ નથી. વાત એટલી જ છે કે, પુરુષ નામનો માણસ સ્ત્રી નામની માણસને માણસ તરીકે કેમ ન સ્વીકારી શકે?
એમની વાતમાં વજૂદ છે. સ્ત્રીએ પુરુષ સમોવડી થવાની હોડ માંડવાની જરૂર જ ક્યાં છે? કે પુરુષનું આધિપત્ય સ્વીકારાવાની ય ક્યાં જરૂર છે?
નવઃ વાત આમ તો એટલી અઘરી ય નથી. સ્ત્રી એ સ્ત્રી છે. પુરુષ એ પુરુષ. બન્ને વચ્ચે શારીરિકની સાથએ આવેગો-લાગણીઓના મનોવૈજ્ઞાનિકસ્તરે ય મૂળભૂત ભેદ અથવા તફાવત છે. એને ધ્યાનમાં રાખીને એકબીજાનો સમાન ભૂમિકાએ સ્વીકાર અને સમ્માન કરાય તો ય ઘણું.
ચાલો, સૌને મહિલા દિવસની શુભેચ્છાઓ.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
