ગુજરાતમાં હેટ્રીકનું ભાજપનું સપનું રોળાયું, પણ…

વાતની શરૂઆત હળવા મૂડથી કરીએ તો, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામે દરેકને ખુશ કર્યા છે. ભાજપને ફરી સત્તા મળ્યાનો ઉમંગ છે તો કોંગ્રેસને 99 બેઠક સાથે દસ વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યાનો હરખ છે. સમાજવાદી પાર્ટીને ઉત્તરપ્રદેશમાં ફરીથી જનાધાર મળ્યાનો ઉત્સાહ છે તો બંગાળમાં મમતાદીદીના કેમ્પમાં ‘આમાર બાંગ્લા’ એ દીદીનું મમત્વ જાળવી રાખ્યાનો જશ્ન છે. આંધ્રમાં ચંદ્રાબાબુને લાંબા સમય પછી કેન્દ્રીય રાજકારણમાં એમની પૂનમ ખીલ્યાનો પમરાટ છે તો મહારાષ્ટ્રમાં શરદદાદા પવારને પોતાનો ‘પાવર’ જાળવી રાખ્યાનો આનંદ છે. ઇન શોર્ટ, આ પરિણામો ખરા અર્થમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવા છે!

5 જૂન, બુધવારની સવારે આ લખાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રમાં નીતિશકુમાર-ચંદ્રાબાબુ નાયડુને લઇને ચાલતી અટકળો-રમૂજો વચ્ચે એનડીએ સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય સમીકરણો ઝડપથી નવા આકાર લઇ રહ્યા છે એટલે ત્યાં સુધીમાં થોડીક વાત ગુજરાતના પરિણામોની કરી લઇએઃ

એકઃ ગુજરાતમાં ભાજપ 26માંથી 26ની હેટ્રીકનું સપનું રોળાઇ ગયું છે એ વાત સાચી, પણ એનાથી ગુજરાતમાં ભાજપ કમજોર થયો છે એમ માની લેવું ખોટું હશે. સુરત બીનહરીફ મળી અને બાકીની 24 બેઠક પર કમ્ફર્ટેબલ માર્જીન સાથે ભાજપ જીત્યો છે. બનાસકાંઠાની એક બેઠક ગુમાવવાથી પક્ષનો ગુજરાતમાં જનાધાર સાવ ઘટી જતો નથી. એ પણ યાદ રાખવું જોઇએ કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચેય બેઠક પર જીત સાથે એના ધારાસભ્યોની સંખ્યા 161ના આંકડે પહોંચી છે. કેન્દ્રમાં ભાજપની સંખ્યાને 240 સુધી પહોંચાડવામાં મધ્યપ્રદેશ, છત્તીસગઢની સાથે ગુજરાતનો ય સિંહફાળો છે.

બેઃ ક્ષત્રિયોનું આંદોલન, ઉમેદવારોની પસંદગી સામે પક્ષમાં જ વ્યાપક અસંતોષ અને પક્ષમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોને અપાતો આડેધડ આવકાર જેવા અનેક પરિબળોનો પડકાર હોવા છતાં ભાજપ ગુજરાતમાં સતત જીતે છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, મજબૂત સંગઠન, મજબૂત વિકલ્પનો અભાવ કે પછી બીજું કોઇપણ કારણ હોય, આ વાસ્તવિકતા છે.

ત્રણઃ મુદ્દો નંબર-બે સાચો હોવા છતાં એનો અર્થ એ નથી કે ભાજપ સામે ગુજરાતમાં ભવિષ્યમાં પણ કોઇ પડકાર નથી. કોંગ્રેસમાંથી જે રીતે આગેવાનોને લાવીને ચૂંટણીના મંડપમાં બાજોઠ પર બેસાડી દેવામાં આવે છે એનાથી વિચારધારાને વરેલા મૂળ ભાજપીઓ નારાજ છે. અમદાવાદના ખાનપુર કાર્યાલયથી ગાંધીનગરના કમલમ સુધીમાં ભાજપ અને એનું કલ્ચર બદલાયું છે. કમલમમાં વ્યાપેલું કોર્પોરેટ કલ્યર બદલવું પડશે. અઢી દાયકાના સત્તાના સહવાસથી પક્ષમાં જે સડો ફેલાયો છે એ દૂર નહીં કરાય તો ગુજરાતની જનતાની ધીરજ પણ એક દિવસ તો ખૂટશે જ.

ચારઃ ચૂંટણી પછી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને ભાજપ સંગઠનમાં ફેરબદલની વાતો લાંબા સમયથી સંભળાય છે. આ નિર્ણયો કરતી વખતે હાઇકમાન્ડે (હાઇકમાન્ડ કલ્ચર પણ આમ તો મૂળ કોંગ્રેસની દેણ છે) પક્ષના આંતરિક સમીકરણોના બદલે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને કરવા પડશે. સક્ષમ અને ગુજરાત માટે કાંઇક સારું કરી શકે એવા લોકોને શોધીને આગળ કરવાની જરૂર છે.

પાંચઃ કોંગ્રેસ બનાસકાંઠામાં જીતી છે. દસ વર્ષ પછી એને લોકસભામાં સફળતા મળી છે અને ખાસ કરીને આ જીતથી મોદીની પ્રતિષ્ઠા ઝંખવાઇ છે એટલે કોંગ્રેસ ખુશ થાય એ સમજી શકાય એવું છે, પણ જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે આ પરિણામથી હરખાવા જેવું નથી. બનાસકાંઠામાં ગેનીબહેનની જીતમાં પક્ષના મજબૂત સંગઠન કરતાં એમની વ્યક્તિગત લડતનો ફાળો વધારે છે.

છઃ કોંગ્રેસે ગેનીબહેન જેવા લડાયક કાર્યકરોની તાકાતને ઓળખીને, સામે પૂરે તરવાની એમની ક્ષમતા પારખીને એવા લોકોને પક્ષમાં આગળ વધવાની તક આપવી પડશે. જમીનીસ્તર પર કામ કરતાં આવા કાર્યકરોની તાકાતને ઓળખીને એમને પક્ષમાં યોગ્ય મહત્વ નહીં આપે તો આવા કાર્યકરો-નેતાઓ પક્ષમાં લાંબો સમય નહીં ટકે અને આવી જીત દરેક વખતે નહીં મળે.

સાતઃ સુરતમાં ઉમેદવારની પસંદગી-ગોઠવણમાં પણ પક્ષ થાપ ખાઇ ગયો હતો. ઉમેદવારોની પસંદગી આ વખતે એકંદરે ઘણી સારી હોવા છતાં અમુક બેઠક પર લડવા માટે કોંગ્રેસ પાસે કોઇ મજબૂત ઉમેદવાર તૈયાર નહોતો એ હકીકત ભૂલાઇ જાય છે. સુરતમાં જે કાંઇ થયું એમાં ભાજપને દોષ આપીને બેસી રહેવાના બદલે પક્ષના અગ્રણીઓએ આત્મમંથન કરીને ભવિષ્યમાં આવું ન થાય એની કાર્યકર્તાઓ-મતદારોને ખાતરી અપાવવી પડશે.

આઠઃ બનાસકાંઠામાં જીત મળી છે એની સામે બાકીની 22 બેઠક પર કારમી હાર મળી છે એ વાત કોંગ્રેસ નજરઅંદાજ ન કરી શકે. જો પક્ષ એક બેઠક જીતીને મોદીના ગઢમાં ગાબડું પાડી દીધાના ગુમાનમાં આ વાસ્તવિકતા ભૂલી જશે તો ભવિષ્યમાં બેઠો થવાના ચાન્સ ગુમાવી દેશે. યાદ રહે, ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું અને વેરવિખેર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દૂર નથી. અને, 2027માં વિધાનસભા જીતવી હોય તો એની તૈયારી અત્યારથી કરવી પડશે.

નવઃ મુદ્દા નંબર-સાતમાં આત્મમંથનવાળી વાત પરથી યાદ આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષથી હાર્યા પછી આત્મમંથન કરવાની વાત કરે છે, પણ એ થતું કેમ નથી એ મુદ્દે ય પક્ષે હવે આત્મમંથન કરવાની જરૂર છે.

દસઃ આત્મમંથન ફક્ત હાર પછી જ થાય એ જરૂરી નથી. ગુજરાતમાં ભાજપે જીત્યા પછી ય એ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે કે રાજકીય આફત આવે ત્યારે પક્ષે ‘દર વખતની જેમ નરેન્દ્ર મોદી આવીને બધું સરખું કરી દેશે’ એવી રાહ ન જોવી પડે. અમુક બાબતોમાં સ્થાનિક અગ્રણીઓએ ‘આત્મનિર્ભર’ થવું પડશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)