હજુ હમણાં જ, 21 મી ફેબ્રુઆરીએ, વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષાના રખોપાં કરવાના હાકલા-પડકારા આપણે બધાએ સોશિયલ મિડીયામાં સાંભળ્યા. બીજા દિવસથી આ બધું ભૂલીને લોકો માંડ બીજા કામે વળગ્યા’તા ત્યાં ગુજરાત સરકારે આ ગુજરાતીપ્રેમી નર(અને નારી)બંકાઓના હાથમાં એક બીજી તલવાર પકડાવી દીધી છે-ફરજિયાત ગુજરાતી શિક્ષણની તલવાર. આજકાલ સોશિયલ મિડીયામાં આ તલવાર આડેધડ વીંઝાતી જોવા મળવાની છે એટલે તૈયાર રહેજો!
ખેર, વાત કરીએ ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલા ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક-2023’ ની. આ કાયદો બનવાથી હવે રાજ્યના તમામ શાળાઓએ ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયમાં સરકારે માન્ય કરેલા પાઠ્યપુસ્તકો ભણાવવાના રહેશે. જે શાળામાં ગુજરાતી નહીં ભણાવાય એ શાળાને રૂપિયા બે લાખ સુધીનો દંડ અને જરૂર પડ્યે માન્યતા રદ કરવા સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આવતા જૂન-જૂલાઇથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી જ આ કાયદો લાગુ પડશે.
પહેલી વાત. ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાતપણે અપાય અને એ રીતે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન-સંવર્ધનનું કામ થાય એ બાબત આવકાર્ય જ હોય એટલે આ વિધેયકને આવકારવા બાબતે તો બે મત હોઇ જ ન શકે, પણ વાત આટલેથી અટકતી નથી. ગુજરાતની શાળાઓમાં ગુજરાતી એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો અને ધોરણ 1 થી 8 સુધી એનો ક્રમશઃ અમલ કરતા જવાનો એક આદેશ તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેક 13 એપ્રિલ, 2018ના રોજ થયેલો છે અને એનો અમલ પણ 2018ના નવા શૈક્ષણિક સત્રથી જ થયો હતો.
તો શું થયું એ આદેશનું? શાળા સંચાલકો એને ઘોળીને પી ગયા કે ભ્રષ્ટ સંચાલકો-અધિકારીઓની મિલીભગત કામ કરી ગઇ?
આ વિધેયક આવા કેટલાક પ્રશ્નો પણ લઇને આવે છે એ સમજીએ.
એકઃ શિક્ષણ વિભાગના 2018ના આદેશનો સફળતાપૂર્વક અમલ કેમ ન થયો? શું આ વિધેયક ઘડતાં પહેલાં સરકારે એનો સ્ટડી કર્યો છે? શું શાળા સંચાલકો માટે વિભાગનો આદેશ જ પૂરતો નહોતો? જો શાળા સંચાલકો જ કાયદાના ડર સિવાય માને એમ ન હોય તો એ નવી પેઢીનું શું ખાક ઘડતર કરવાના?! જેમના માથે નવી પેઢીમાં શિસ્તના ગુણ કેળવવાની જવાબદારી છે એ શાળાના સંચાલકો જ શિક્ષણ વિભાગના આદેશ માનવામાં ગલ્લાંતલ્લાં કરે તો એ શાળાનું સંચાલન કરવા માટે લાયક જ ન હોઇ શકે.
અને, વિભાગના આદેશને અવગણ્યા પછી આ જ શાળા સંચાલકો કાયદાકીય છટકબારીઓ શોધીને શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને આ કાયદાનું ય અષ્ટંપષ્ટં નહીં કરી નાખે એની કોઇ ખાતરી ખરી? આ નિયમનો પૂરી પ્રામાણિકતાથી અમલ થાય એ જોવા માટે સરકારનું શિક્ષણતંત્ર સક્ષમ છે ખરું?
બેઃ આ વિધેયક અનુસાર રાજ્યની તમામ શાળાઓમાં આઠમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત એક વિષય તરીકે ભણાવવાનું છે. શું આટલી સંખ્યામાં ગુજરાતી ભાષાના શિક્ષકો આપણી પાસે છે ખરા? હોય તો પણ એ સજ્જ છે ખરા? ખાનગી શાળાઓ આ શિક્ષકોનું શોષણ કરશે એની સામે કોઇ કાયદાત્મક જોગવાઇ છે ખરી? ઉચ્ચ શિક્ષણમાં હવે ગુજરાતી એક વિષય તરીકે જ લુપ્ત થતી જાય છે, યુનિવર્સિટીઓના ભાષા ભવનોમાં ગુજરાતી ભાષાના પુસ્તકો ધૂળ ખાતાં પડ્યા છે એવા સંજોગોમાં બાળકોને સાચું અને સારું ગુજરાતી શીખવી શકે એવા સજ્જ શિક્ષકો કેટલા છે આપણી પાસે? યોગ્ય શિક્ષકો નહીં મળે એટલે સંચાલકો આલિયા-માલિયા-જમાલિયાને ગુજરાતીના શિક્ષક તરીકે ક્લાસમાં ઊભા કરી દેશે અને એનું તો શોષણ કરશે જ, સાથે સાથે બાળકોને અધકચરું ભણાવવાનો અપરાધ ય આચરશે. આ સંજોગોમાં ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રોત્સાહનનો મૂળ હેતુ સરશે?
ત્રણઃ સરકારને ગુજરાતી ભણાવવું છે. ગુજરાતી ભાષાપ્રેમીઓ ય દિલથી ઇચ્છે છે કે બાળકો ગુજરાતી ભણે. અમુક શાળાઓ અને શિક્ષકો ય કદાચ દિલથી ગુજરાતી ભણાવવા માગે છે, પણ સૌથી મોટો સવાલ એ છે ગુજરાતી ભણવું છે કોને? પોતાના બાળકોને ‘એપલ ઇટ કર્યું?’ એવું પૂછનારી મિડલ ક્લાસ મમ્મીઓ અને પપ્પાઓ પોતે જ બાળકને ગુજરાતી ભણાવવા ઇચ્છુક છે? છે તો કેટલી હદે? (યાદ રહે, અહીં ગુજરાતી વર્સિસ અંગ્રેજી એવી વાત કે દલીલ નથી. વર્તમાન સમયમાં અંગ્રેજી વૈશ્વિક ભાષા છે અને એ શીખવી જરૂરી જ નહીં, અનિવાર્ય છે.)
ચારઃ મુખ્ય પડકાર છે ગુજરાતી ભાષા માટે યોગ્ય માહોલ અને પ્રોત્સાહક વાતાવરણ સર્જવાનો. ભાષા પ્રેમથી શીખવાની, બોલવાની, માણવાની હોય. પ્રજામાં ભાષાભિમાન હોય, ભાષા પરત્વે પ્રેમ હોય એ સારી જ વાત છે, પણ એ પૂરતું નથી. ભાષાપ્રેમ હોવાની સાથે સાથે એ ભાષા ભવિષ્યમાં કરિયર કે વ્યવસાય માટે ઉપયોગી કે અનિવાર્ય હોય એ વાત પણ આવું વાતાવરણ સર્જવામાં મદદ કરે છે. આવું વાતાવરણ ફક્ત ક્લાસરૂમમાં ગુજરાતીને એક વિષય તરીકે ફરજિયાત કરવા માત્રથી જ નહીં સર્જાય. સરકાર, શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ આ બધા જ લોકોના સહિયારા અને સભાન પ્રયત્નોથી જ આવો માહોલ બની શકે.
અન્યથા, થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં જાહેર સ્થળોના બોર્ડ, દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મતલબનો એક આદેશ પસાર કર્યો હતો. એ આદેશને યાદ કરો અને જાહેરમાં લટાર મારી આવો. બધું સમજાઇ જશે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)