મહારાષ્ટ્રના પરિણામો રાષ્ટ્રીય રાજકારણને બદલશે?

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આમ તો અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામો જેટલા જ મહત્વના છે, આમ છતાં ય દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇના લીધે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની ખુરશી કરતાં વધારે મહત્વની છે એટલે એના પરિણામો દેશના રાજકારણ પર અલગ અસર પાડી શકે છે. હા, ઝારખંડમાં બહુ જોર લગાવ્યા પછી ય ભાજપ ફાવ્યો નથી એ હકીકત છે, પણ ચર્ચા વધારે મહારાષ્ટ્રની થાય છે એ સ્વાભાવિક છે.

પાંચ બાબત એવી છે, જે આ પરિણામોની દીવાલ પર સાફ લખાયેલી દેખાય છેઃ

એકઃ કોંગ્રેસનું રિપીટેટીવ નેરેટીવ

લોકસભાની ચૂંટણીને હજુ માંડ છ મહિના વીત્યા છે, પણ રાજકારણમાં છ મહિના બહુ મોટો સમયગાળો છે. લોકસભામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે બંધારણ ખતરામાં છે, જાતિ આધારિત જનગણના જરૂરી છે જેવા મુદ્દાઓની ફરતે નેરેટીવ બનાવેલું. કાંઇક અંશે એમાં એ ફાવ્યા ય ખરા અને મોદીના વિજયરથને એકલેહાથે બહુમતી સુધી પહોંચતા અટકાવી ય શક્યા.

પરંતુ આ જ રાહુલ ગાંધી અને કોંગ્રેસે લોકસભા પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં આ જ ભૂલ કરી. રાહુલ ગાંધી એ જ બંધારણની કોપી લઇને સભા સંબોધતા જોવા મળ્યા. એ જ જાતિગત જનગણનાની વાત કરતા સાંભળવા મળ્યા. કોંગ્રેસ એ ભૂલી ગઇ કે એક ચૂંટણીના મુદ્દાઓ ફરીને બીજી ચૂંટણીમાં નથી ચાલતા. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની તાસીર અલગ હોય. પ્રદેશની તાસીર પ્રમાણે મુદ્દાઓ બદલવા પડે. બદલો તો જ લોકો સાંભળે. સાંભળે તો જ લોકો એના પર વિચાર કરે. આ રિપીટેટીવ નેરેટીવે કોંગ્રેસને ડૂબાડી.

બેઃ રાજકારણમાં મોરલ વિક્ટરી જેવું કાંઇ ન હોય

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી યાદ કરજો. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટીના સહારે 77 બેઠક સુધી પહોંચેલી કોંગ્રેસ સત્તાથી દૂર રહેવા છતાં આ પરિણામોને નૈતિક વિજય ગણાવતી રહી. નૈતિક વિજયના કેફમાં કોંગ્રેસ 2022માં ક્યારે 77માંથી 17 બેઠક પર આવી ગઇ એની એને જ ખબર ન પડી!

બસ, આ જ રીતે લોકસભામાં 99 બેઠક મેળવ્યા પછી કોંગ્રેસ એ ભૂલી ગઇ કે, એના સારા દેખાવ કરવા છતાં ય સત્તા પર તો નરેન્દ્ર મોદીની જ વાપસી થઇ છે. રાહુલ ગાંધી દેશમાં અને વિદેશમાં કહેતા ફરવા લાગ્યા કે, અમે નરેન્દ્ર મોદીનું મોરલ ડાઉન કરી દીધું છે. કોંગ્રેસે 99 બેઠકને મોરલ વિક્ટરી માની લીધી! હારવા છતાં કોંગ્રેસ ચૂંટણી જીતી ગઇ હોય એમ વર્તવા લાગી. સરવાળે થયું શું? એ જ કોંગ્રેસ ફક્ત છ જ મહિનામાં પહેલા હરિયાણા અને પછી મહારાષ્ટ્રમાં ઊંધે માથે પછડાઇ. કહેવાનો સાર એ છે કે, લોકશાહીમાં રાજકારણ એ ફક્ત ને ફક્ત આંકડાઓની રમત છે. એમાં મોરલ કે ફોરલ જેવું કાંઇ ન હોય. અહીં તો બહુમતીએ પૂગે એ પીર. આ મોરલ વિક્ટરીનું અફીણ કોંગ્રેસને નડી ગયું.

ત્રણઃ ભાજપ ભૂલોમાંથી શીખે છે

ના, ભાજપ ભૂલો કરતો જ નથી એવું નથી, પણ ભૂલોમાંથી શીખે છે. અગાઉ કરેલી ભૂલનું પુનરાવર્તન કરતો નથી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું અતિ-પ્રોજેક્શન કામ ન લાગ્યું એ સમજાયું એટલે આ ચૂંટણીઓમાં ભાજપે મોદીને એક સક્ષમ, સર્વસ્વીકાર્ય નેતા તરીકે જ આગળ ધર્યા. ફક્ત સક્ષમ, સર્વસ્વીકાર્ય નેતા જ. એનાથી મોટી લાર્જર ધેન લાઇફ ઇમેજ અહીં થોડીકવાર બાજુએ મૂકી દેવાઇ. ભાજપને સંઘના ગ્રાઉન્ડ નેટવર્કની જરૂરિયાત પણ સમજાઇ એટલે હરિયાણામાં સંઘની ખાટલા બેઠકો અને મહારાષ્ટ્રમાં નાની નાની સમજાવટ બેઠકો ગોઠવાઇ. કોંગ્રેસ ગઠબંધનના જાતિગત જનગણનાના મુદ્દાને ઠારવા બટેંગે તો કટેંગે અને એક હૈ તો સૈફ હૈ જેવા નારાઓ લવાયા. લોકસભાની ચૂંટણીમાં જે મુદ્દાઓમાં અતિરેક થયો એ મુદ્દાઓ ગાયબ કરી દેવાયા અને સ્થાનિક જરૂરિયાત પ્રમાણે નવા મુદ્દાઓ લવાયા. રાજકારણમાં ભૂલો બધા જ કરે, પણ ભૂલ થઇ ગયા પછી એને જાહેરમાં સ્વીકાર્યા વિના ચૂપચાપ સુધારીને આગળ વધવું મહત્વનું છે. ભાજપે એ જ કર્યું.

ચારઃ ભારતીય રાજકારણમાં આમૂલ બદલાવ

આઝાદી પછીના લગભગ છ-સાડા છ દાયકા સુધી ભારતીય રાજકારણ કોંગ્રેસની ધરી ફરતે ફરતું રહ્યું. વચ્ચે વચ્ચે કોંગ્રેસ ક્યાંય સત્તા ગુમાવે તો પણ ફરીથી સત્તા એના હાથમાં આવતી જ રહી. અને આ જ કારણે, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે શરૂઆતમાં કોંગ્રેસ એવું માનતી રહી કે, આ તો કામચલાઉ બદલાવ છે. આજે નહીં તો કાલે કોંગ્રેસ સિવાય ક્યાં છૂટકો છે?!

પરંતુ વિશ્વભરમાં જમણેરી વિચારને મળતા જતા વ્યાપક સમર્થન સાથે ભારતીય રાજકારણમાં પણ આવી રહેલા આ ‘પેરાડાઇમ શીફ્ટ’ ને કોંગ્રેસ અને સાથી પક્ષો છેક 2024 સુધી ન સમજી શક્યા. 2024માં એક થવાની જરૂરિયાત સમજાઇ અને લોકસભામાં એના થોડાક હકારાત્મક પરિણામો મળ્યા એટલે ફરીને પાછા ભાજપ ટેમ્પરરી છે, આજે નહીં તો કાલે અમારા સિવાય છૂટકો નથી એવા માહોલમાં રાચવા લાગ્યા. કોંગ્રેસ એ હકીકત સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ કે, દેશનું રાજકારણ હવે ભાજપની ધરી ફરતે ફરતું થવા લાગ્યું છે. કોંગ્રેસ આજે ત્યાં છે, જ્યાં ભાજપ ત્રણ-સાડા ત્રણ દાયકા પહેલાં હતો!

મહારાષ્ટ્રના પરિણામોએ આ ‘પેરાડાઇમ શીફ્ટ’ ને વધારે સ્પષ્ટ આકાર આપ્યો છે.

પાંચઃ મોદી-શાહ નિર્વિવાદ નેતા

લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી- અમિત શાહનું નેતૃત્વ હવે નબળું પડશે, ભાજપમાં જ હવે વિરોધી સૂર મજબૂત બનશે એવી ધારણાઓ સેવાતી હતી એને મોદી-શાહની પર્સનલ યુતિએ ધરમૂળથી ખારીજ કરી છે. યાદ રહે, મહારાષ્ટ્રમાં ભાજપ ફક્ત જીત્યો જ નથી, પણ એના સાથી પક્ષો શિંદે શિવસેના અને અજીત પવારની એનસીપીએ જીતવા છતાં ય ભાજપની દયાના આધારે જીવવાનો વારો આવ્યો છે. જે નીતિશ અને ચંદ્રાબાબુ નાયડુ ટેકા અને દબાણની રાજનીતિ માટે માહેર ગણાતા હતા એ જ નીતિશ-નાયડુના રાજકીય સૂર હવે બોદા લાગી રહ્યા છે. મહારાષ્ટ્રના પરિણામો પછી ભાજપના જ સાથી પક્ષો હવે આ યુતિ સામે દબાણની રાજનીતિ અપનાવી શકવાની સ્થિતિમાં નથી.

ઇન શોર્ટ, ઝારખંડમાં હારવા છતાં ય ભાજપમાં અને કેન્દ્રીય રાજકારણમાં મોદી-શાહ આજે નિર્વિવાદ સૌથી શક્તિશાળી નેતા છે, કમસેકમ એ જ્યાં સુધી ચૂંટણીઓ જીતાડી શકે છે ત્યાં સુધી. હા, હવે સૌની નજર દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી પર છે. અરવિંદ કેજરીવાલ અને નીતિશકુમારનું રાજકીય ભાવિ પણ એના પરિણામો જ નક્કી કરશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)