લગભગ સાડા ત્રણ-ચાર દાયકા પહેલાની આ વાત છે. દૂરદર્શનના દિલ્હી સ્ટુડીઓમાં ન્યુઝ રિડર સરલા મહેશ્વરી પર ગોવાથી આવો એક ફોન આવે છેઃ ‘હલ્લો, સરલાજી? મૈં ગોવા કે એક ચર્ચ સે ફાધર બોલ રહા હૂં… હમ આપ કો હરરોજ ટીવી પે દેખતે હૈ… મેરી બેટી તો આપકો ટીવીમેં દેખકે મુજે હરરોજ બોલતી હૈ કિ યે મેરી મમ્મી હૈ…!!’
હવે ફોન પર કોઇ અજાણી વ્યક્તિ આવું કહે તો સામેવાળી મહિલા ક્ષોભજનક સ્થિતિમાં જ મૂકાઇ જાય ને? સરલાજીએ તો થેંક્યું કહીને ફોન મૂકી દીધો.
પણ, આજે 2024માં, નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશલ સેન્ટરમાં બેઠાં બેઠાં સરલાજી આ પ્રસંગ સંભળાવે છે ત્યારે ખડખડાટ હસી પડે છે અને કહે છેઃ ‘ફોન તો ઠીક છે, પણ અમુક લોકો તો પત્ર લખીને સીધો લગ્નનો પ્રસ્તાવ જ મૂકતા! હું તો આ બધાથી ટેવાઇ ગયેલી. ક્યારેક તો આવા પત્રો હું મારા પતિને વાંચવા આપી એમને ચીડવતીય ખરી…!!’
ખેર, આજે તો ખાનગી ટેલિવિઝન ચેનલ્સનો જમાનો છે. ક્યાંય પણ મિડીયાનો ઉલ્લેખ થાય એટલે બધાની નજર સામે રાજદીપ સરદેસાઇ, રાહુલ કંવલ, અંજના ઓમ કશ્યપ, રૂબિકા લિયાકત, અર્નબ ગોસ્વામી, રવીશકુમાર જેવા જાણીતા એન્કર્સ-પત્રકારોના નામ તરી આવે. ચેનલ્સના માલિકો બીજા કોઇક હોય, પણ મિડીયાની વાત નીકળે એટલે વાત આ બધા ચહેરાઓની જ થાય. ન્યુઝ ચેનલ્સના પ્રાઇમ ટાઇમના ચહેરા હોવાથી આ પત્રકારો જાણે એક પ્રકારનું સ્ટારડમ ભોગવે છે. કોઇ કાર્યક્રમમાં એ ભાગ લેવા જાય તો લોકો એમની સાથે સેલ્ફી પડાવે છે. સોશિયલ મિડીયામાં એમના લાખ્ખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.
પરંતુ જ્યારે દેશમાં હજુ ખાનગી ન્યુઝ ચેનલ્સનો પ્રવેશ નહોતો થયો ત્યારે દૂરદર્શન અને આકાશવાણી એ બે જ માધ્યમ હતા-દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવાના. જૂની પેઢીના વાચકોને ખ્યાલ હશે કે એ સમયે સરલા મહેશ્વરી ઉપરાંત સલમા સુલતાન, જે.વી. રમણ, વેદ પ્રકાશ, મંજરી જોષી, રાજશ્રી નારંગ અને શોભના જગદીશ જેવા ચહેરાઓ દેશભરમાં જાણીતા હતા. આજે આ એન્કર્સ જે દબદબો ભોગવે છે એવો જ દબદબો (અને માન તો આ એન્કર્સ કરતાં અનેકગણું વધારે) ભોગવતા. એ જમાનામાં ગુગલ કે ફેસબુક-ટ્વિટર નહોતા તો પણ દૂરદર્શન અને આકાશવાણીના માધ્યમથી આ લોકો ઘર ઘર સુધી જાણીતા હતા. કોઇક ટચૂકડા પરદાથી, તો કોઇક પોતાના અવાજથી. અને સૌથી વધારે તો પોતાની આવડતથી.
આજકાલ ક્યાં છે એક સમયના આ જાણીતા ચહેરાઓ?
એમાંથી કેટલાક ગુજરાતી ન્યુઝ રિડર્સ સાથે મુલાકાત કરીને એમની સાથે વાતો કરી તો એમના અનુભવો-સંસ્મરણો પરથી એ સમયના સમાચાર જગતની અવનવી વાતો પણ જાણવા મળી.
જેમ કે, એ જમાનામાં આજના જેવી ટેકનોલોજી કે સંસાધનો નહોતા. એક ન્યુઝ બુલેટીન વાંચવા માટે ન્યુઝ રિડરે દોઢ-બે કલાક અગાઉથી મહેનત કરવી પડતી. જે તે ઘટના વિશે પૂરેપૂરી જાણકારી મેળવવી પડતી. મધર ટેરેસાનું અવસાન થયું એ વખતનો એક પ્રસંગ સરલાબહેન સંભળાવે છે. એ દિવસે સ્ટુડીયોમાં ચર્ચા કરવા માટે ગેસ્ટ આવવાના હતા એ કોઇ કારણસર ન આવી શક્યા. એમણે મધર ટેરેસા વિશે ઘણું જાણીને પૂરતી તૈયારી કરેલી એટલે વાંધો ન આવ્યો, નહીં તો ચાલુ બુલેટીને ફજેતો થાય!
સરલાબહેન કહે છેઃ ‘અમે ભૂલો કરતાં કરતાં ઘણું શીખ્યા. કેમેરાએ ઘણું શીખવાડ્યું. શરૂઆતમાં તો ક્યાંક લાઇન વાંચવાની ભૂલાઇ જાય કે ચાલુ કેમેરાએ માથું આડુંઅવળું થઇ જાય અને ફ્રેમ બગડી જાય એવું ય બનતું, પણ કામ કરતા ગયા અને શીખતા ગયા.’
સરલા મહેશ્વરી મૂળ સુરતના. પિયરમાં એમની અટક જરીવાલા. પિતાજી દિલ્હીમાં વેપારી હતા એટલે જન્મ-ઉછેર-ભણતર બધું જ દિલ્હીમાં થયું. દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી વિષય સાથે માસ્ટર્સ અને ડોક્ટરેટ કર્યું, પણ સાથે ડો. ચંદ્રકાન્ત મહેતા જેવા વિદ્વાન શિક્ષક પાસે ગુજરાતી ભણવાની ય તક મળી. ભણવાનું પૂરું કર્યા પછી પાંચેક વર્ષ દૂરદર્શનમાં એન્કર અને કોલેજમાં લેક્ચરર એમ બે જોબ સાથે કરી.
દરમ્યાન, લંડનસ્થિત ડો. પવન મહેશ્વરી સાથે લગ્ન થયાં એટલે 1984માં લંડન ગયા. લંડનમાં બીબીસી પર એશિયન મેગેઝીન નામનો કાર્યક્રમ આવતો. એમાં એન્કર તરીકે કામ કર્યું. 1986માં પતિ સાથે લંડનથી કાયમ માટે દિલ્હી પાછા ફર્યા એટલે 1988માં ફરીથી દૂરદર્શન સાથે ન્યુઝ રિડર તરીકે જોડાયા અને છેક 2005 સુધી એ ડીડીનો એક જાણીતો ચહેરો બની રહ્યાં.
સમાચાર વાચક તરીકેના આ 23 વર્ષમાં સરલાબહેને અનેક મહત્વના ન્યુઝ વાંચ્યા છે. રાજીવ ગાંધીની હત્યાના સૌ પ્રથમ ન્યુઝ એમણે જ વાંચેલા. 15 ઓગસ્ટ, 1982ના રોજ ડીડીનું પહેલું કલરફૂલ બુલેટીન પણ એમણે જ વાંચેલું. ન્યુઝ રિડીંગની સાથે સાથે સરકારી વિભાગોના અનેક કાર્યક્રમોનું સંચાલન પણ એમણે કર્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા વિવિધ પુરસ્કાર સમારોહનો ય સમાવેશ થાય છે.
વળી, દૂરદર્શન તો સરકારી માધ્યમ એટલે બોલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. બોલવાની ક્યાં કરો છો, સરલાબહેન કહે છે કે મહિલા ન્યુઝ રિડરે તો કપડાં અને મક-અપમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડતું. આજે તો ટીવી ચેનલ્સમાં ક્રાઇમને લગતા શોમાં એન્કર પોતે ખૂંખાર અપરાધી હોય એવા વેશમાં આવે છે, પણ એ સમયે ડીડીમાં મહિલા એન્કર્સ માટે સાડી જ ફરજિયાત હતી. વેસ્ટર્ન પરિધાનની ય મનાઇ. આ બધામાં સહેજ ચૂક થાય તો મેમો મળે.
સરલા મહેશ્વરીને ટીવીમાં જોનાર એક પિતાએ લંડનથી એમને પત્ર લખેલો કેઃ હું મારી ત્રણેય દીકરીને તમારું ઉદાહરણ આપીને સમજાવું છું કે કેવી રીતે વસ્ત્રો પહેરાય, કેવી રીતે વાતચીત કરાય વગેરે…
એ સમયે એમને અઢળક પત્રો આવતા. કેટલાકમાં વખાણ હોય તો કેટલાકમાં અભદ્ર ભાષા ય હોય. એક પત્રમાં તો ગાંડાઘેલા દર્શકે એમને લખેલુઃ આપકે ચહેરે કા તિલ હટવાઇયે, ઐસે લગતા હૈ જૈસે મખ્ખી બૈઠી હૈ! સરલાબહેન કહે છે કે, આવા પત્રો વાંચીને અમે મેકઅપ રૂમમાં બેઠાં બેઠાં ખૂબ હસતાં. ટૂંકમાં, આજે જે કામ ફેસબુક-ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સ કરે છે (ગાલીગલોચ અને અભદ્ર ભાષામાં ટીકા કરવાનું) એ કામ એ જમાનામાં પત્રો દ્વારા થતું!
અને દર્શકો-શ્રોતાઓ ફક્ત અભદ્ર ભાષામાં પત્રો લખતા કે વખાણ જ કરતાં એવું નહોતું. કદાચ એ સમયનું ઓડિયન્સ વધારે સજાગ અથવા તો વધારે સમજદાર હતું. આકાશવાણીના નવી દિલ્હી કેન્દ્રમાં સાડા ત્રણ દાયકાથી વધારે સમય સુધી ન્યુઝ રિડર અને અનુવાદક તરીકે ફરજ બજાવનાર દીપક ધોળકિયાને એવા પણ અનુભવો થયા છે, જ્યાં એમના નિયમિત શ્રોતાઓએ ક્યારેક ભૂલ તરફ અંગુલિનિર્દશ કર્યો હોય.
દીપકભાઇ એ પ્રસંગ યાદ કરે છે. ગાંધીનગરમાં રહેતા શિક્ષણાધિકારી સુરેશ ભટ્ટ એમના ન્યુઝ બુલેટિનના નિયમિત શ્રોતા. એકવાર દીપકભાઇથી સમાચાર વાંચવામાં ભૂલ થઇ તો સુરેશભાઇએ સીધો એમને ફોન જોડ્યો અને કહ્યુઃ આજે તમે એક જ જગ્યાએ ત્રણ વખત અટક્યા!! એકવાર મિસાઇલ અંગેના કોઇક ન્યૂઝ વાંચતી વખતે દીપકભાઇથી દૂરગામીના બદલે દૂરોગામી બોલાઇ ગયું તો પાલનપુરમાં રહેતા મામલતદાર કંસારાજીએ એમને પત્ર લખીને ધ્યાન દોરેલું. દીપકભાઇ પણ આવા પ્રસંગોએ ખેલદિલીપૂર્વક ભૂલ સ્વીકારતા.
મૂળ ભૂજ (કચ્છ)ના વતની દીપકભાઇના દાદા ગુલાબશંકર ધોળકિયા કચ્છના સંસદસભ્ય હતા એટલે પરિવારનો જાહેરજીવન સાથે નિકટનો નાતો. દીપકભાઇને પણ ન્યૂઝ અને રાજકારણમાં એટલે જ રસ પડ્યો અને 1970માં આકાશવાણીમાં કામ કરવાની તક મળી એ એમણે ઝડપી લીધી. વર્ષો સુધી એમણે આકાશવાણીમાં સવારે 7.45, બપોરે 1.20 અને સાંજે 7.50 વાગ્યે પ્રાદેશિક સમાચારો વાંચ્યા છે. 1978 થી 1981 સુધી મોસ્કો ખાતે રેડિયો મોસ્કોમાં ડેપ્યુટેશન પર ય કામ કર્યું. ફિલ્મોની અલગ અલગ ભાષામાં કમેન્ટરી અપાય એમાં ગુજરાતી ભાષામાં ય કામ કર્યું. ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં હાર, રાજીવ ગાંધીની હત્યાના મહત્વના સમાચારો ઉપરાંત એ વખતના મોટાભાગના કેન્દ્રિય બજેટના ન્યૂઝ એમણે વાંચ્યા છે. દીપકભાઇ કહે છેઃ ‘રાજીવ ગાંધીની હત્યા વખતે તો વહેલી સવારે ચાર વાગ્યે એમને લેવા આકાશવાણીની ગાડી ઘરે આવેલી. રસ્તામાં ડ્રાઇવરે એમને જાણ કરી કે રાત્રે રાજીવ ગાંધીની હત્યા થઇ છે.’
એમાંય ઇમરજન્સી વખતનો એક પ્રસંગ તો જાણવા જેવો છે. એક દિવસ દીપકભાઇ બપોરની ડ્યુટી પતાવીને ઘરે આવ્યા અને જમીને હજુ પાન મોંમાં મૂક્યું ત્યાં જ આકાશવાણીની ગાડી અરજન્ટ એમને લેવા આવી. ડ્રાઇવર કાંઇ બોલ્યા વિના એમને આકાશવાણીના ટ્રાન્સપોર્ટ સેક્શનમાં લઇ ગયો. ત્યાંથી એમને ચૂપચાપ બીજી ગાડીમાં બેસાડીને જાણે અપહરણ કરતાં હોય એ રીતે વિશ્વ સંવાદ કેન્દ્રમાં લઇ જવાયા. અહીં બીજા લોકો ય હતા. દીપકભાઇ હજુ કાંઇ સમજે એ પહેલાં કેન્દ્રના ડીએવીપી વિભાગના એક ઉચ્ચ અધિકારી ત્યાં આવ્યા. બધાના હાથમાં કોંગ્રેસનો ચૂટંણી ઢંઢેરો થપાવી દીધો અને કહેવામાં આવ્યુઃ ચૂપચાપ આનો અનુવાદ કરી આપો. જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અહીંથી બહાર જવા દેવામાં આવશે નહીં…
એ પછી તો દીપકભાઇએ બીજે દિવસે જનતા પાર્ટીના અશોક મહેતાને વાત કરી. એમણે એલ. કે. અડવાણીને વાત કરી. અખબારોમાં મુદ્દે ચમક્યો અને વાત છેક શાહ કમિશને દીપકભાઇને ખુલાસો કરવા બોલાવવા પડ્યા ત્યાં સુધી પહોંચી. આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે કે એ સમયે સરકારી માધ્યમોમાં કામ કરવાનું ય કાંઇ આસાન નહોતું.
અફકોર્સ, એની સામે એવા ય અનુભવો થયા છે, જે એમને કાયમી યાદ રહી ગયા છે. એકવાર એ પરિવાર સાથે ધોળાવીરા ગયેલા. ભૂજથી બસમાં ગયેલા અને એ જ બસમાં પાછું આવવાનું હતું, પણ બસ ચૂકાઇ ગઇ. એ જ વખતે કંડલામાં વાવાઝોડાંના કારણે ગામમાં અંધારપટ જેવી સ્થિતિ હતી. આવી હાલતમાં જવું ક્યાં? મોબાઇલ ફોન તો હતા નહીં. દીપકભાઇએ ગામમાં ચોરા પાસે બેઠેલાં કેટલાંકને રાત્રિરોકાણની વ્યવસ્થા વિશે પૂછ્યું તો એમાંથી એક વ્યક્તિ એમનો અવાજ સાંભળીને બોલી ઊઠીઃ તમે રેડિયો પર સમાચાર વાંચો છો એ દીપક ધોળકિયા જ છો ને? બસ, પછી તો એ ભાઇ એમને પોતાના ઘરે લઇ ગયા અને પ્રેમથી આગતા-સ્વાગતા કરી.
આજે તો ટેલિવિઝન અને સોશિયલ મિડીયાના કારણે લોકો ન્યૂઝ રિડર્સ-એન્કર્સને ચહેરાથી ઓળખે છે, પણ એ જમાનામાં ટીવી સ્ક્રીન પર દેખાયા વિના આ લોકોએ ફક્ત પોતાના અવાજથી જ ઓળખ ઊભી કરવાની હતી.
આવી ઓળખ ઊભી કરનાર બીજા એક ગુજરાતી ન્યુઝ રિડર એટલે ધનંજય વ્યાસ. મધ્ય ગુજરાતમાં આણંદ નજીકના ઉમરેઠ ગામના વતની ધનંજયભાઇ પણ 1971 થી 2016 સુધી આકાશવાણીમાં નવી દિલ્હી ખાતે ન્યુઝ રિડર રહી ચૂક્યા છે. એમનો તો રેડિયોમાં કઇ રીતે જોડાયા એ પ્રસંગ જ સાંભળવા જેવો છે.
ધનંજયભાઇ અમદાવાદમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા ત્યારે એક દિવસ જિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં કામ કરતા મિત્ર હસમુખ કંટોડિયાના ઘરે અવારનવાર જતા. એક દિવસ એમના ઘરે લાઇટ ઓન કરવા માટે એમણે સ્વીચ દબાવી તો અચાનક જ રેડિયો ચાલુ થયો અને બરાબર એ જ વખતે એનાઉન્સમેન્ટ થઇ કે, આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં એક એનાઉન્સરની જરૂર છે! નોકરી કેઝુયઅલ હતી, પણ કેન્દ્ર કરકારની હતી એટલે એમના પિતાજીએ પણ આગ્રહ કરીને અરજી કરાવી અને એમ ધનંજયભાઇ આકાશવાણીમાં સિલેક્ટ થઇ ગયા. પિતાજીની રેલવેમાં નોકરી હતી એટલે અવારનવાર બદલી થતી. ગુજરાતની બહાર રહેવાનું-ભણવાનું ય થયું, પણ ધનંજયભાઇ કહે છેઃ પિતાજીનો હંમેશા આગ્રહ રહેતો કે માતૃભાષામાં કાંઇકને કાંઇક વાંચતા રહેવું. આ જ કારણે એ અખંડ આનંદ જેવું સામયિક લવાજમ ભરીને મંગાવતા.
એનો એમને ફાયદો ય થયો. ચીમનભાઇ પટેલ કે બીજા ગુજરાતી નેતાઓ દિલ્હીમાં કોઇ કાર્યક્રમ માટે આવે તો આકાશવાણીમાંથી ધનંજયભાઇને એ કાર્યક્રમના કવરેજ માટે મોકલાતા. અન્ય ભાષાના બુલેટીનમાં પણ ગુજરાતના સમાચારો માટે એમની મદદ લેવાતી.
એ કહે છેઃ ‘હું અમદાવાદ આવતો ત્યારે ઘણા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જવાનું થતું. એક વખતે જયશંકર સુંદરી હોલમાં એક કાર્યક્રમમાં હાસ્યલેખક બકુલ ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ત્યાં એકત્ર થયેલા લોકોએ મને કહ્યું કે, તમને તો અમે ખૂબ સાંભળીએ છીએ ત્યારે મનમાં કામ કરવાનો સંતોષ અનુભવાયો.’
લોકોના વખાણ સાંભળવાની સાથે સાથે કપરી પરિસ્થિતિમાં ય કામ કરવા માટે આ એન્કર્સે તૈયાર રહેવું પડતું. ખાસ કરીને યુધ્ધ, પૂર જેવી હોનારતો સમયે ફક્ત ફિલ્ડ પર કવરેજ માટે જતાં રિપોર્ટરો જ મુશ્કેલ સંજોગોમાં કામ કરતા હોય છે એવું નથી. સ્ટુડીઓની અંદર ફરજ બજાવતા એન્કર્સ માટે પણ ઘણીવાર, અફકોર્સ જૂદા પ્રકારના પડકારો સર્જાતા હોય છે.
1971માં યુધ્ધ સમયનું જ ઉદાહરણ છે. વારંવાર અંધારપટ છવાવો એ યુધ્ધ વખતે સામાન્ય હતું. આમ તો આકાશવાણી-દૂરદર્શન જેવા માધ્યમોમાં વીજળીની કટોકટી ન સર્જાય એની કાળજી વેલાતી, પણ એક દિવસ થયું એવું કે આકાશાવાણી કેન્દ્રમાં બરાબર બુલેટીનના સમયે જ અંધારપટ સર્જાયો. અમુક બુલેટિન કેન્સલ ય કરવા પડયા, પણ ધનંજયભાઇએ એકપણ ભૂલ કર્યા વિના સ્ટુડિયોની ઇમરજન્સી લાઇટના સહારે આખેઆખું બુલેટિન વાંચ્યું. એનાથી ખ્યાલ આવે છે કે, એક એક બુલેટિન માટે આ બધા એન્કર્સ કેટલી મહેનત કરતા હશે!
અચ્છા, હવે તમે ક્યારેય રેડિયો પર સમાચારની શરૂઆત આ રીતે સાંભળી છે?
યમ આકાશવાણી સમ્પ્રત વાર્તાઃ સુયન્તામ… વાચકાઃ બલદેવાનંદ સાગરાઃ...
હા, વાત છે સંસ્કૃત સમાચારની. તમને જાણીને નવાઇ લાગશે કે, આપણા રોજિંદા જીવનમાં સંસ્કૃત એક ભાષા તરીકે સાવ ભૂલાઇ ગયેલી છે, પણ આકાશવાણી પર વર્ષ 1976 થી નિયમિત રીતે સંસ્કૃતમાં સમાચાર વંચાય છે. અને એ જાણીને આનંદ પણ થશે કે, આ સંસ્કૃત બુલેટિનને લોકપ્રિય બનાવવામાં આપણા એક ગુજરાતી ન્યૂઝ રિડર બલદેવાનંદ સાગરનો પણ મહત્વનો ફાળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર જે મન કી બાત કરે છે એને સંસ્કૃતમાં મનોગતમ તરીકે અનુવાદિત કરવાનું કામ પણ બલદેવાનંદજી જ કરે છે.
મૂળ સૌરાષ્ટ્રના વલભીપુર નજીક ચમારડી ગામના વતની બલદેવાનંદ સાગરે સતત 38 વર્ષ સુધી રેડિયો પર સંસ્કૃત સમાચાર વાંચ્યા છે. એ કહે છેઃ ‘સંસ્કૃત ભાષાએ જ મને દેશમાં જાણીતો કર્યો છે અને આ ક્ષેત્રમાં રાષ્ટ્રવ્યાપી માન્યતા અપાવી છે. ભાષા તરીકે સંસ્કૃત ખૂબ સમૃધ્ધ છે, અતિ વૈજ્ઞાનિક છે અને એકવાર આવડી જાય પછી એટલી જ સરળ અને સહેલી છે.’
એમણે સંસ્કૃત પત્રકારિતા અને અન્ય વિષયો પર પુસ્તકો પણ લખ્યાં છે અને આ ભાષામાં પ્રદાન માટે એમને રાષ્ટ્રપતિના હસ્તે સમ્માન પણ મળ્યું છે. મહુવામાં સંસ્કૃત સત્ર વખતે મોરારિબાપુના હસ્તે વાચસ્પતિ એવોર્ડ પણ મળ્યો છે.
શરૂઆતમાં એ સ્ટુડીયોમાં સમાચાર વાંચતા ત્યારે સહકર્મીઓ એ સ્ટુડીયોમાં બેસીને કોઇની લાંબી જન્મપત્રિકા વાંચે છે એવું કહીને મજાક ય કરતા. ક્યારેક ઉચ્ચારણમાં, ક્યારેક વ્યાકરણની ભૂલો ય થતી, પણ એમ કરતાં કરતાં બલદેવાનંદજીએ આ બુલેટિનને લોકપ્રિય બનાવ્યું. લોકો એમને એમના સંસ્કૃત વાંચનથી, એમના અવાજથી ઓળખતા થઇ ગયા.
એકવાર એ કાઠમંડુથી દિલ્હી પાછા ફરતા હતા ત્યારે એરપોર્ટ પરના એક અધિકારીએ એમનું આઇ-કાર્ડ તપાસવા માગ્યું. નામ વાંચીને એ અધિકારી તરત ઊભા થઇ ગયા અને બોલી ઉઠ્યાઃ આપકો તો હમ રેડિયો પે સુનતે હૈ! એવી જ રીતે અમદાવાદસ્થિત સંસ્કૃત વિદ્વાન ડો. ગૌતમ પટેલ એક પુસ્તક રાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્માને અર્પણ કરવા ગયા ત્યારે એમને સાથે લઇ ગયેલા. પરિચય માટે ગૌતમભાઇ હજુ એમનું નામ બોલ્યા ત્યાં જ શર્માજીએ કહ્યુઃ અરે, ઇનકો તો મૈં અચ્છી તરહ સે જાનતા હૂં!
યાદ રહે, એ જમાનામાં લોકો પાસે અખબારો-રેડિયો અને દૂરદર્શન સિવાય કોઇ માધ્યમો નહોતા. દૂરદર્શનમાં પણ આજની જેમ ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલ નહોતી. ઇન્ટરનેટ નહોતું કે એનો ઉપયોગ એટલો વધ્યો નહોતો. ટાંચા સાધનો હોવા છતાં એકેએક બુલેટિન માટે મહેનત કરીને આ એન્કર્સ પોતાની આવડતથી લોકો સુધી પહોંચ્યા હતા. ફક્ત લોકપ્રિયતા જ નહીં, પણ દર્શકો-શ્રોતાઓમાં માન પણ મેળવ્યું હતું.
એના બે ઉદાહરણ સાથે વાતને વિરામ આપીએ. બલદેવાનંદ સાગર એમના પત્નિ સાથે કન્યાકુમારી વિવેકાનંદ મેમોરિયલ જોવા ગયેલા. અહીં જવા માટે હોડીમાં એમની સાથે કશ્મીરથી આવેલું એક કપલ ય હતું. વાતચીતમાં ઉલ્લેખ થયો કે આ લોકો દિલ્હીથી આવે છે અને રેડિયો સાથે સંકળાયેલા છે એટલે પેલા કશ્મીરી દંપતિએ તરત જ પૂછ્યુઃ તો તો તમે બલદેવાનંદ સાગરને તો ઓળખતા જ હશો ને? બલદેવાનંદજી ઘડીકવાર પત્નિ સામે જોઇ રહ્યા એટલે એમની પત્નિ શાલિનીબહેને તરત જ એ કપલ સામે ફોડ પાડ્યો કે, આ પોતે જ બલદેવાનંદ સાગર છે! પેલું કશ્મીરી કપલ તો જાણે એમને મળવાની વર્ષોથી રાહ જોતું હોય એમ ગળગળું થઇ ગયું!
એવી જ રીતે, સરલા મહેશ્વરી એકવાર દિલ્હી હાટમાં આંટો મારવા ગયેલા. ટીવી પર દેખાતા હોવાથી ચહેરો તો જાણીતો જ હોય એટલે બધા થોડીકવાર સામે જોઇ રહે. સરલાબહેન સમજી જાય, પણ કાંઇ બોલ્યા વિના સ્માઇલ આપીને આગળ વધી જાય. એવામાં સાડીની એક દુકાન પર વેપારી એમને ઓળખી ગયો. ખૂબ ના પાડવા છતાં એ વેપારીએ એમને દક્ષિણની અત્યંત મોંઘી સાડી ગિફ્ટમાં આપતાં કહ્યુઃ મેડમ, આપ આ સાડી પહેરીને ન્યૂઝ વાંચજો, હોં!
એ વખતે આજે એન્કર્સને મળે છે એટલું તગડું આર્થિક વળતર નહોતું, પણ ચાહકો તરફથી જે પ્રેમ મળતો એ આ વળતર કરતાં અનેકગણો કિંમતી હતો!
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)