નવી દિલ્હીઃ કોરોના સતત વધતા વ્યાપને જોતાં લોકડાઉન આગળ વધારાય એવી પૂરેપૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં સરકારના એક મહત્ત્વના વિભાગે સીમિત સ્તરે કેટલાંક ક્ષેત્રોમાં કામકાજની મંજૂરી આપવાની સૂચન છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ ગૃહ મંત્રાલયને સૂચન કર્યું છે કે એ હેવી ઇલેક્ટ્રિકલ્સ અને ટેલિકોમ જેવાં ક્ષેત્રોમાં સાવધાની રાખવા સાથે સીમિત સ્તરે કામ કરવાની મંજૂરી આપી દે. વિભાગે ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને લખેલા પત્રમાં કહ્યું હતું કે આર્થિક સ્થિતિમાં સુધારો અને લોકોના હાથોમાં રોકડ પહોંચાડવા માટે આ કામકાજ જરૂરી છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર જો લોકડાઉનના સમયગાળાને વધારે છે તો ઉપરના સુરક્ષાત્મક ઉપાયોની સાથે કેટલાંક ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. વિવિધ રાજ્યો અને અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે વિસ્તૃત વાતચીત કર્યા પછી ધીરે-ધીરે લોકડાઉનની યોજના હેઠળ આ સૂચન કરવામાં આવ્યાં છે.
ગૃહ મંત્રાલયે જોકે હજી આ પત્રનો જવાબ નથી આપ્યો. વિભાગે સૂચન કર્યું છે કે જે ઉદ્યોગોને કામકાજની મંજૂરી આપી દેવામાં આવે એમને એક જ જગ્યાએથી કર્મચારીઓનો પ્રવેશ, સામાજિક અંતર, કર્મચારીઓને લાવવા-લઈ જવાની વ્યવસ્થા અને કારખાનાઓમાં જ રહેવાની વ્યવસ્થા સાથે પૂરતી સાફસફાઈ રાખવામાં આવવી જોઈએ.