અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પહેલા ટ્રમ્પ પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે ટીમમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કર્યા છે. તેમાં ભારતીય મૂળના ચંદીગઢના હરમીત કે. ધિલ્લોનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે તેમને ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે.ટ્રમ્પે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “હું હરમીત કે. ધિલ્લોનની ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે પસંદગી કરીને ખુશ છુ. હરમીતે તેમની આખી કારકિર્દી દરમિયાન, ‘નાગરિક સ્વાતંત્ર્યના રક્ષણ માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે.”હરમીત ધિલ્લોન અમેરિકાના ટોચના વકીલોમાંના એક છે. તેમણે ડાર્ટમાઉથ કૉલેજ અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને યુ.એસ. ફોર્થ સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સમાં ક્લાર્ક તરીકે કાર્યરત છે. તેમજ હરમીત શીખ ધાર્મિક સમુદાયના સભ્ય પણ છે. ન્યાય વિભાગમાં નવી ભૂમિકામાં, હરમીત બંધારણીય અધિકારોનું રક્ષણ થાય અને નાગરિક અધિકારો અને ચૂંટણી કાયદાઓનો નિષ્પક્ષ અમલ થાય તે માટે કામ કરશે.